બિઝનેસ લીડરશીપમાં સફળતા માટે:
૧. કામ પર સૌથી વહેલા પહોંચો
૨. સૌથી મોડા નીકળો
૩. સાચા દિલથી કામ કરો
૪. સ્ટાફમાં બધાંનો આભાર માનો
૫. લોકોને અપેક્ષા કરતાં થોડુંક વધારે જ આપો
૬. દરેક કામમાં એક્ટીવ ફોલો-અપ કરો
૭. કસ્ટમરોને ખુશ રાખો
એમેઝોનની અદ્ભુત સફળતાનું રહસ્ય શું છે?
કસ્ટમરો પરનું એમનું સો ટકા ફોકસ.
એમેઝોનના ચીફ જેફ બેઝોસ કહે છે:
એક પ્રકારની કંપની કસ્ટમર પાસેથી વધારે ને વધારે પૈસા મેળવવાની કોશિશ કરે છે.
બીજા પ્રકારની કંપની કસ્ટમરે ઓછામાં ઓછા પૈસા ખર્ચ કરવા પડે એવી કોશિશ કરે છે.
અમારે બીજા પ્રકારની કંપની બનવું છે.
ધંધાને વિકસાવવો હોય, તો તમારા ધંધામાં વધારેને વધારે ટેલેન્ટેડ લોકોને સામેલ કરો.એમાંના અમુક લોકો કોઇ બાબતમાં તમારાથી પણ વધારે કાબેલ હોઇ શકે છે.
ધંધામાં સેલ્સ, માર્કેંટીંગ, એકાઉન્ટીંગ, ફાઇનાન્સ, મેનપાવર, પરચેઝ, સ્ટ્રેટેજી, લોજીસ્ટીક્સ, લીગલ અને બીજી અનેક કુશળતાઓ જોઇએ છે.
આપણામાં એ બધી જ કુશળતાઓ હોય, એ શક્ય છે?
જે-તે ક્ષેત્રમાં આપણાથી વધુ સ્માર્ટ, વધુ કાબેલ લોકો જો આપણે ધંધામાં નહીં લાવી શકીએ, તો ધંધો વિકસવાનો સ્કોપ સીમિત જ રહેશે.
બીલ ગેટ્સ કહે છે:
તમારા અસંતુષ્ટ કસ્ટમરો તમારા ધંધાના વિકાસ માટેના પાઠો શીખવા માટે સૌથી શ્રેષ્ઠ સ્ત્રોત છે.
એમને સાંભળશો તો ખબર પડી જશે કે ધંધામાં ક્યાં સુધારાઓ ફેરફારો કરવાની જરૂર છે.
એ સુધારાઓ કરીશું, તો અસંતુષ્ટ કસ્ટમરોની સંખ્યા આપોઆપ ઘટી જશે.
ધંધામાં ક્યાં સુધારો કરવો જરૂરી છે, એ સમજવા માટે ક્યાંક ધ્યાન આપવું હોય, તો તમારા કસ્ટમર પર આપો, તમારા હરીફ-કમ્પીટીટર પર નહીં. હરીફ પર ધ્યાન આપીને તમે જે કંઇ સુધારા વધારા કરશો, એ અંતે તો એની નકલ જ હશે, અથવા તો એના જેવું કે એનાથી થોડું ઘણું અલગ હશે. માત્ર હરીફો પર ફોકસ રાખવાથી તમારા ધંધાનો વિકાસ સીમિત રહેશે, એ અનેકગણો નહીં વધી શકે.
પણ જો આપણું ફોકસ કસ્ટમર પર હશે, એની જરૂરિયાતો પૂરી કરવા પર, એને ખુશ રાખવા પર, એને બેસ્ટ ક્વોલિટી અને સર્વિસ આપવા પર હશે, તો એમાં વિકાસની શક્યતાઓની કોઇ સીમા નથી. કસ્ટમરને દરરોજ તમે કંઇક નવું, કંઇક સારૂં આપી શકો છો. કસ્ટમર પરના ફોકસમાં વિકાસની શક્યતાઓ અસીમ છે.
ધંધાના વિકાસ માટે ત્રણ શબ્દોની સરળ સ્ટ્રેટેજી:
કસ્ટમરને ખુશ કરો.
જ્યાં સુધી આપણા સ્ટાફ મેમ્બરો, આપણા માણસોને આપણી કંપની નહીં ગમે, ત્યાં સુધી આપણા કસ્ટમરોને આપણી કંપની ગમતી કરવામાં બહુ મુશ્કેલી નડશે.
તમારા સ્ટાફને ખુશ રાખો.
તેઓ તમારા કસ્ટમરોને ખુશ રાખશે.
ધંધાના વિકાસ પર સો ટકા ફોકસ રાખવા માટે કરવા જેવું:
આપણી જાતને નહીં, આપણા કામને વધારે ગંભીરતાથી લઇએ.
ઇગો પર નહીં, આઉટપુટ પર આધાર રાખીને કામ કરીએ.
કસ્ટમરને આપેલ પ્રોમિસ શબ્દશ: પાળીએ.
વાતો પર નહીં, પરિણામો પર ફોકસ કરીએ.
વ્યક્તિગત સંબંધોમાં નાની નાની વાતો પર અટકીએ નહીં, પણ ધંધાને સ્પર્શતી નાનામાં નાની બાબત પર ધ્યાન આપીએ.
આજના સમયની નોકરી-ધંધાની વાસ્તવિકતા:
શહેરોમાં Uber કે Ola પરંપરાગત ટેક્ષી-ઓટો કરતાં વધારે સફળ થઇ રહ્યા છે.
કેમ?
તેઓ હંમેશાં કસ્ટમરને જ્યાં જવું હોય, ત્યાં લઇ જવા માટે તૈયાર હોય છે. આનાકાની નથી કરતા. ના નથી પાડતા.
જૂના ટેક્ષી-ઓટોવાળા પેસેન્જર લેવામાં નખરા કરતા. કસ્ટમરની મજબૂરીનો ફાયદો ઊઠાવતા. એટલે પાછળ રહી ગયા.
આજે નોકરી-ધંધામાં સફળતા માટે Uber-Olaના Driver જેવી ફ્લેક્સીબીલીટી હશે, તો વાંધો નહીં આવે.
વોલમાર્ટ કંપની કે જે દુનિયાની સૌથી મોટી રીટેલ સ્ટોર્સની ખૂબ સફળ ચેઇન ચલાવે છે, એના સ્થાપક સામ વોલ્ટનનું કહેવું છે:
તમારા કસ્ટમરે તમારી પાસેથી જે અપેક્ષા રાખી હોય, એનાથી વધારે એને આપો.
જો તમે એવું કરશો, તો તેઓ વારંવાર તમારી પાસે આવશે. એમની જે જરૂરિયાતો હોય, એ મુજબ એમને જરૂર આપો – બલ્કે એનાથી થોડુંક વિશેષ આપો. એમને સુખદ સરપ્રાઇઝ આપો.
કોઇ કંપનીની બ્રાન્ડ એક વ્યક્તિની આબરૂ સમાન છે. માણસની આબરૂ એક દિવસમાં નથી બનતી. માણસ જેવાં કામો કરે છે, એના પરથી એની આબરૂ બંધાય છે.
કંપની કેવી રીતે પોતાના કામો કરે છે, કસ્ટમરોને કેવો અનુભવ કરાવે છે, એના સ્ટાફ સાથે કેવો વ્યવહાર કરે છે, એના પરથી એની બ્રાન્ડ ઊભી થાય છે. એમાં પણ સમય લાગે જ છે.
માર્કેટીંગ સફળ થયું એમ ક્યારે કહેવાય?
કસ્ટમરની જરૂરિયાતોને ખૂબ સારી રીતે જાણવી, સમજવી અને એને આપણી પ્રોડક્ટ કે સર્વિસથી એ રીતે સંતુષ્ટ કરવી કે જેથી એ કસ્ટમરની જિંદગીનો ભાગ બની જાય, એ આપોઆપ, વારંવાર ખરીદતો થઇ જાય.
જો એને આપણી પ્રોડક્ટ કે સર્વિસ ફરીથી વેચવા માટે દરેક વખતે કોશિશ કરવી પડે, તો માર્કેટીંગમાં ક્યાંક કચાશ છે.
મૈત્રી સંબંધ પર આધારિત ધંધા કરતાં ધંધાના સંબંધો પર આધારિત મૈત્રી વધારે લાંબી ટકે છે.
મિત્રો સાથે ધંધો કરવો સલાહભર્યું નથી. મૈત્રીમાં હિસાબ, ગણતરીઓ નથી હોતી. જ્યારે મિત્ર સાથે ધંધાકીય સંબંધ શરૂ થાય, ત્યારે બધી ગણતરીઓ પિક્ચરમાં આવે છે, જે ઘણીવાર ગેરસમજો ઊભી કરે છે.
એને બદલે જેની સાથે ધંધાકીય સંબંધ ઓલરેડી હોય, એની સાથે જો મૈત્રી થાય, તો એ સંબંધ ટકવાના ચાન્સીસ વધી જાય છે.
સ્ટાફને ખુશ કેમ રાખી શકાય? શું કરવું જોઇએ?
માત્ર વધારે પૈસાથી જ એ લોકો ખુશ થશે?
માણસની સાથે ‘માણસ’ જેવું વર્તન થાય, તો માણસ ખુશ થાય.
માણસ સાથે મશીન જેવું વર્તન થાય, તો માણસ દુ:ખી રહે.
હવે જરા વિચારો:
દુ:ખી માણસ કસ્ટમરને ખુશ કેમ કરી શકે?
કોઇ પણ ધંધામાં સફળતા માટે ઘણાં નાના-મોટા, અલગ અલગ લોકોનો સહયોગ જરૂરી હોય છે.
કોઇ પણ ધંધો એક જણ દ્વારા મોટો થઇ શકતો નથી. માઇક્રોસોફ્ટના સ્થાપક અને દુનિયાની સૌથી ધનાઢ્ય વ્યક્તિઓમાંના એક એવા બીલ ગેટ્સનું કહેવું છે: “શરૂઆતથી જ, માઇક્રોસોફ્ટની સફળતાનો આધાર અલગ અલગ પ્રકારની પાર્ટનરશીપ પર રહ્યો છે. બધાંના સહયોગથી જ અમારી કંપની આગળ વધી શકી છે.”
નોકરી ધંધામાં નિષ્ફળતાનું કારણ શું હોય છે?
“જ્યાં સુધી આપણે જે કામ કરીએ છીએ એ કામ આપણને ગમતું નથી, ત્યાં સુધી આપણને સાચી સફળતા હાંસલ નથી થતી.” – ડેલ કારનેગી
નોકરી-ધંધામાં નિષ્ફળતાનું એક મુખ્ય કારણ એ જ છે કે કરનારને એ કામ ગમતું નથી હોતું.
કામ-ધંધો એવો પસંદ કરો કે જેમાં તમને રૂચિ હોય, જે કરવામાં તમને આનંદ આવતો હોય.
સવારે ઊઠીને કામ પર જવાનો બોજ લાગતો હોય, કંટાળો આવતો હોય, તો કદાચ શક્ય છે કે તમારું કામ તમને ગમતું નથી. મનગમતા કામમાં મન પરોવાશે, તો કામ કરવામાં આનંદ આવશે અને વધારે સફળતા પણ મળશે.
માત્ર પૈસા કમાવવા માટે કોઇ ધંધો શરૂ ન કરો.
કસ્ટમરોને સારી પ્રોડક્ટ કે સેવા આપીને, આપણા કામ મારફતે આ જગતને વધારે સારું બનાવવામાં આપણે કંઇક પ્રદાન કરી શકીએ એવી ઉમદા ભાવના પણ રાખો.
ધંધાના અમુક તબક્કે ધાર્યા પ્રમાણે પૈસા ન મળે કે ગુમાવવા પણ પડે. આવા કપરા સમયમાં થાક લાગશે.
આવે વખતે, પૈસાથી વિશેષ પણ કોઇક આકર્ષણ હશે, કોઇક ઉમદા ભાવ હશે, તો ટકી શકાશે.
અને ધંધામાં ટકી રહેશો તો પૈસા પણ મળશે જ.
જ્યારે આપણી કંપનીના દરેક મેમ્બરને પોતાનું કામ કોઇ મોટી બાબતના, કોઇ મોટા વિઝનના ભાગ તરીકે દેખાવા માંડે છે, પોતાના કામની કિંમત સમજાય છે, ત્યારે આપણું વિઝન જીવંત બને છે, એના સાક્ષાત્કારની શક્યતા વધી જાય છે.
તમારા ટીમ મેમ્બરોને તમારી કંપનીના વિઝનથી માહિતગાર કરો. એમને એમાં સામેલ કરો.
નાની મોટી કોઇ પણ કંપનીનો માત્ર એક જ બોસ હોય છે. અને એ બોસ છે, કસ્ટમર.
આ બોસ કંપનીમાં માલિકથી પ્યૂન સુધી કોઇને પણ ફાયરીંગ આપી શકે છે, એને ભગાડી શકે છે.
એનું ફાયરીંગ એટલે અણગમતી કંપની છોડીને મનગમતી કંપનીમાં પોતાનો બિઝનેસ લઇ જવાનું.
કંપનીમાં જો બધા આ એક બોસને ખુશ રાખવા કામ કરે, તો કંપની આગળ વધી શકે.
સારું મેનેજમેન્ટ કોને કહેવાય?
સામાન્ય માણસો પાસેથી અસામાન્ય કામો કરાવી શકવું
બિઝનેસનો વિકાસ કરવો એટલે માઉન્ટ એવરેસ્ટને સર કરવા જેવું છે.
માઉન્ટ એવરેસ્ટની ચડાઇમાં ઊંચે જતાં જતાં દરેક મહત્ત્વના પડાવ પછી આગળ જવાનો વ્યૂહ બદલવાનો હોય છે:
ઠંડી વધતી જાય છે, હવામાં ઓક્સિજન ઘટતું જાય છે, તકલીફો, સમસ્યાઓ, ખતરાઓ અને પરિણામોની ગંભીરતા વધતી જાય છે.
બિઝનેસનું પણ એવું છે. દરેક પડાવ પર વ્યૂહ બદલે, તો શિખર પર જરૂર પહોંચાય.
પડાવ મુજબ વ્યૂહ ન બદલે, તો એ પડાવ જ આપણી સંભાવનાઓનું આખરી શિખર બની જાય છે.
જે કંપનીની ટીમ અવારનવાર સાથે મળીને મજાક-મસ્તી કરી શકે, એ ટીમ જરૂર જબરદસ્ત પરિણામો લાવી શકે.
વાતાવરણમાં હળવાશ હોય, તો કામ સારી રીતે થાય છે.
ગંભીરતાના બોજ હેઠળ કાર્યક્ષમતા મરી પરવારે છે.
ધંધામાં જો હંમેશાં બધું સિરિયસ રહેતું હોય, તો એમાં થોડીક મસ્તીનો ડોઝ ઉમેરાવો જોઇએ.
જે ટીમ સાથે મળીને હસી શકે છે, એ ચમત્કારો સર્જી શકે છે.
ટીમને હસવાની તકો, ફુરસદ અને પરમિશન આપશે કોણ?
કસ્ટમરને સ્માઇલ સાથે સર્વિસ મળવી જોઇએ. તો જ એ ખુશ થાય.
એને આ સ્માઇલ આપણી પાસેથી અને આપણા સ્ટાફ મેમ્બરો પાસેથી મળવું જોઇએ.
પણ, સ્ટાફ મેમ્બરો સ્માઇલ તો જ કરી શકે, જો તેઓ ખુશ હોય.
કસ્ટમરને ખુશ કરવા સ્ટાફને ખુશ રાખો.
તેઓ કસ્ટમરને ખુશ રાખશે.
જાહેરાતો કરીએ તો પ્રોડક્ટ વેચાય જ એની ખાતરી ખરી?
ના. બિલકુલ નહીં.
દર અઠવાડિયે નવી નવી અનેક ફિલ્મો રજૂ થાય છે. ઘણી ફિલ્મો જબરદસ્ત જાહેરાતો પણ કરે છે. એમના સ્ટાર્સ અલગ અલગ પ્રકારના નુસ્ખાઓ પણ કરે છે. છતાં પણ, મોટા ભાગની ફિલ્મો નિષ્ફળ જાય છે.
જે પ્રોડક્ટમાં દમ ન હોય, એને મોટી જાહેરાતો પણ બચાવી શકે નહીં.
ફિલ્મ પ્રોડક્શનમાંથી બિઝનેસ મેનેજમેન્ટના પાઠ:
અમુક ફિલ્મોમાં પ્રોડ્યુસર પોતે જ ડાયરેક્ટર હોય છે. ધંધાના માલિક પોતે જ ધંધો ચલાવતા હોય છે, એવો કેસ.
અમુક ફિલ્મોમાં પ્રોડ્યુસર અને ડાયરેક્ટર અલગ હોય છે. ઇન્વેસ્ટરો, પ્રમોટરો પોતે ધંધો ન ચલાવે પણ પ્રોફેશનલ મેનેજમેન્ટને એ જવાબદારી સોંપે એવો કેસ.
પણ ફિલ્મોમાં સામાન્યત: હીરો તો ત્રીજી જ વ્યક્તિ હોય છે.
ધંધામાં પણ, હંમેશાં હીરો તો કસ્ટમર જ હોવો જોઇએ.
પ્રોડ્યુસર કે ડાયરેક્ટર જ હીરો હોય, એવી ફિલ્મો મોટે ભાગે ફ્લોપ જાય છે.
પોતાની નીચે કામ કરનાર લોકોની સફળતામાં જે સાચો આનંદ અનુભવે છે, એ જ મહાન લીડર બની શકે છે.
ધંધામાં આપણા સ્ટાફના માણસોની સફળતા આપણા આનંદનું કારણ બનવી જોઇએ.
અમુક લોકો સાથે થોડાક દિવસોનો સહિયારો પ્રવાસ કરવાનો હોય, તો એને માટે પણ એ બધાંયને કેટલી બધી બાબતોની માહિતી આપવી પડતી હોય છે? ક્યાં, ક્યારે, કેવી રીતે જવાનું છે, ત્યાં ક્યાં રહેવાનું છે, શું કરવાનું છે, એ બધુંય બધાંયને ક્લીયરલી સમજાય, તો જ પ્રવાસ સંપૂર્ણ સફળ થાય.
આપણો ધંધો એ પ્રવાસ કરતાં વધારે કોમ્પ્લીકેટેડ હોય છે. આપણા માણસો કે જે વર્ષો સુધી આપણા ધંધાની વિકાસયાત્રામાં આપણી સાથે જોડાય છે, એમને પણ આપણે ક્યાં, કઇ દિશામાં, કેટલા સમયમાં, કેવી રીતે પહોંચવાનું છે, એના માટે શું કરવું જરૂરી છે, એ બધુંય બધાંયને સમજાવીએ, તો આપણી વિકાસયાત્રા પણ સફળ થાય.
અમુક લોકોનું ધ્યાન કે સમજ શક્તિ ઓછી પણ હોય. એમને કદાચ વારંવાર પણ સમજાવવું પડે.
આપણા ધંધાના વિઝનમાં આપણા સ્ટાફ મેમ્બરોને સામેલ કરવા જોઇએ.
જે પ્રોડક્ટની કસ્ટમરને જરૂર ન હોય, એ જાહેરાતો દ્વારા વેચી શકાય ખરી?
ઝેરની જરૂર મોટા ભાગના કસ્ટમરોને હોય નહીં.
જબરદસ્ત જાહેરાતો કરીને, ખૂબ ખર્ચ કરીને ઝેર કોઇને વેચી શકાય?
ગમે તેટલા ધમપછાડા થાય, બિનજરૂરી વસ્તુઓ ન જ વેચાય.
કસ્ટમરને જેની જરૂર હોય, એવી પ્રોડક્ટ જ વેચાય.
કસ્ટમરને જે જોઇએ, એ આપવું.
આ જ છે, માર્કેટીંગનો સૌથી મહત્ત્વનો પાઠ.
આપણો સ્ટાફ મેમ્બર કોઇ ભૂલ કરે, તો આપણે એને ઠપકો, ફાયરીંગ આપીએ છીએ ને?
ક્યારેક તો જરૂર કરતાં વધારે ડોઝ પણ આપી દઇએ છીએ.
પણ,
આપણો કોઇ સ્ટાફ મેમ્બર કંઇક સારું કરે તો એને શાબાશી આપીએ છીએ ખરા?
કેમ નહીં?
એ પણ આપવી જોઇએ ને?
બ્રાન્ડ એટલે…
આપણે પોતાના વિશે શું કહીએ છીએ એ નહીં, પરંતુ આપણા કસ્ટમરો આપણા વિશે શું કહે છે, એ છે આપણી બ્રાન્ડ.
પરફેક્ટ બ્રાન્ડ એટલે?
આપણા બધા જ કસ્ટમરો આપણા વિશે એકી અવાજે, એક જ પ્રકારનાં, સારા શબ્દો કહે, એ પરફેક્ટ બ્રાન્ડ.
તમારી બ્રાન્ડ વિશે તમારા બધા કસ્ટમરો કયા શબ્દો બોલશે?
એ નક્કી કરવું તમારા હાથમાં છે.