દરેક સ્પોર્ટમાં કંઇક ટાર્ગેટ હોય જ છે.
ટેનિસમાં સામેવાળા કરતાં વધારે પોઇન્ટ સ્કોર કરવાના હોય છે.
ફૂટબોલ કે હોકી જેવી રમતમાં ગોલ પોસ્ટ હોય છે. જેના વધારે ગોલ એ વિજેતા.
ક્રિકેટમાં એક ટીમે બીજી ટીમ કરતાં વધારે રન કરવાના હોય છે.
જ્યાં કંઇક હાંસલ કરવું હોય, ત્યાં કોઇ ગોલ કે ટાર્ગેટ વગર સિદ્ધિ શક્ય નથી.
આપણી કંપનીમાં પણ યોગ્ય ગોલ નક્કી કરીએ, બધાને એમાં સામેલ કરીએ, તો પરિણામો સુધરશે જ.
ધંધાની સફળતાનો સીધો આધાર કસ્ટમરોના પ્રોબ્લેમ્સના સોલ્યુશન પર હોય છે. જે ધંધો કસ્ટમરોના વધારે પ્રોબ્લેમ્સ સોલ્વ કરે છે, એ વધારે સફળ થાય છે.
તમારા કસ્ટમરોની સમસ્યાઓનું સમાધાન કરો. એ વધારો નહીં.
તમારી કંપનીમાં કોઇ ગીત ગાતું સંભળાય છે?
એને ગાવા દો. એને રોકતા નહીં.
કોઇ પણ માણસ ગીત ક્યારે ગાઇ શકે?
ત્યારે જ કે જ્યારે એ ખુશ હોય.
તમારા માણસો કામ કરતી વખતે પ્રસન્નતાથી ગીત ગાતા હોય, એનો મતલબ કે એમને કામ કરવામાં આનંદ આવે છે.
મતલબ કે કંપનીમાં કંઇક સારું થઇ રહ્યું છે. એને ચાલુ રાખો.
નેગેટિવ એટીટ્યૂડના માણસોને ટીમમાંથી દૂર કરો.
તમારા સ્ટાફ મેમ્બરોમાં અમુક એવા તત્ત્વો હોઇ શકે કે જે નેગેટિવ એટીટ્યૂડ ધરાવતા હોય. આવા લોકો હંમેશાં માલિકો માટે માથાના દુ:ખાવા સમાન હોય છે. તેઓમાં શિસ્તનો અભાવ હોય છે. તેઓ બીજા સ્ટાફ મેમ્બરોને હંમેશાં નડતા જ હોય છે. કસ્ટમરો સાથે પણ તેઓ હંમેશાં કોઇ ને કોઇ મગજમારી કરતા જ હોય. આવી પ્રજાને સાચવી લેવા માટે તમે એમને સમજાવો કે બીજા કોઇ રોલમાં સેટ કરવાની કોશિશો કરી શકો. સામાન્યત: એનાથી બહુ ફરક નહીં પડે. મોટે ભાગે નેગેટિવ એટીટ્યૂડની બિમારીનો કોઇ ઇલાજ હોતો નથી.
કેરીની ટોપલીમાં એક કેરી સડી જાય, તો એને દૂર કરવામાં જ ભલું હોય છે. નહીંતર આખી ટોપલી સડશે.
જનરલી સમજાવવાથી દુ:ખાવા સુધરતા નથી. દવા કરવી પડે. એક્શન લેવું પડે.
માથાના દુ:ખાવાને જેટલો જલદી દૂર કરશો એટલી શાંતિથી બાકીના બીજાં બધાંય કામ કરી શકશે.
બિઝનેસમાં તકલીફ આવે, ત્યારે એમાંથી માર્ગ કાઢવા આખી ટીમની ક્રીએટિવીટીને કામે લગાડો.
આપણી ટીમમાંની ક્રીએટિવીટીને અભિવ્યક્તિ મળે, તો એ મોટા ભાગની સમસ્યાઓનું નિરાકરણ લાવી શકે છે.
અવારનવાર નાના-મોટા પ્રોબ્લેમ્સના સોલ્યુશન માટે તમારી ટીમને કામ આપો.
એનાથી ટીમ વર્ક પણ મજબૂત થશે, અને તમને તમારી સમસ્યાઓના હલ પણ મળશે.
બધું જાત અનુભવે જ ન શીખાય.
આપણે જો માત્ર આપણી પોતાની ભૂલોમાંથી જ શીખતા હોઇએ, તો આપણી સ્પીડ ઓછી રહેશે.
આપણે બિઝનેસમાં ત્વરાથી આગળ વધવું હોય, તો બીજાંના અનુભવો, બીજાંની ભૂલોમાંથી પણ શીખવું પડશે.
એના માટે આંખ-કાન ખુલ્લાં રાખો.
સૌથી પહેલાં તો મન ખુલ્લું રાખો. શીખવાની, સુધરવાની, સુધારવાની અને બદલવાની તૈયારી રાખો.
માણસની મજબૂરી સમજો.
એક વાર એક શેઠ બપોર બાદ કંપનીમાં રાઉન્ડ મારવા નીકળ્યા. એમાં એક જણ ખુરશી પર આંખો બંધ રાખીને સૂતો દેખાયો. શેઠ ભડકી ગયા. જાહેરમાં બધાની સામે એનો ઉધડો લઇ લીધો. બૂમાબૂમ કરી નાખી:
“તમને લોકોને પગાર શેનો આપું છું? અહીં સુવા માટે આવો છો? કામ નથી કરવું. ખાલી જલસા જ કરવા છે?”
પેલો માણસ છોભીલો પડી ગયો. શેઠ તો ગુસ્સામાં જતા રહ્યા. પણ એની આજુબાજુના બધા સહકર્મચારીઓ અપસેટ થઇ ગયા.
એમને ખબર હતી કે પેલા માણસનું કોઇ ફેમિલી મેમ્બર હોસ્પિટલમાં દાખલ હતું. રાત્રે એણે હોસ્પિટલમાં સુવા જવું પડતું, એટલે એની ઊંઘ બરાબર થતી નહીં. આને કારણે બપોરે એને ઝોકાં આવી જતા.
બાકીના સ્ટાફ મેમ્બરોને જે વાતની ખબર હતી, એની બોસને બિલકુલ ખબર જ નહોતી.
દરરોજ જે માણસ બરાબર કામ કરતો હોય, એ અચાનક એક દિવસ કંઇક અલગ કરતો દેખાય કે અપસેટ દેખાય, તો શાંતિથી એકલા બોલાવીને સમજો કે શું કારણ છે. ગુસ્સાવાળા ડાયલોગથી આખી ટીમ અપસેટ થશે, એ વિચારીને કે “અમારા બોસને અમારી જિંદગીની મજબૂરીઓનું જરાય ભાન નથી.”
કસ્ટમરોને કંઇક રાહત થાય, એમની કોઇક તકલીફ ઓછી થાય, એમને કંઇક મળે, કંઇક ફાયદો થાય, આ દુનિયામાં પોતાની હાજરીથી કંઇક સુધારો થાય એવો હકારાત્મક આશય હોય, એવા ધંધાઓ મોટે ભાગે સફળ થાય જ છે.
યેન કેન પ્રકારેણ માત્ર પૈસા મેળવવાના એકલક્ષી આશયથી શરૂ થયેલ ધંધાઓ મોટે ભાગે નિષ્ફળ જાય છે.
કારણ વગરની લાંબી મિટિંગો ન કરો
કંપનીઓમાં કામ માટે મિટિંગો જરૂરી હોય છે, અને જરૂર મુજબ એ કરવી જ જોઇએ. પરંતુ દરેક મિટિંગનો એક નિયત સમયગાળો હોવો જોઇએ. ઘણી વાર કંપનીઓમાં ૧૫ મિનિટ માટે શરૂ થયેલી મિટિંગ અનેક કલાકો સુધી ચાલે છે. અર્થ વગરની લાંબી લાંબી ચર્ચાઓમાં સમય વેડફાતો જોવા મળે છે.
યાદ રાખો, આપણી કંપનીમાં જે મિટિંગો ચાલે છે, એમાં સામેલ લોકો જે કારણ વગરની ચર્ચાઓમાં સમય વેડફે છે, એ વખતે એમનો પગાર ચાલુ હોય છે, અને એ આપણે ચૂકવતા હોઇએ છીએ. મિટિંગમાં સામેલ લોકોના સમયની કિંમત કરતાં વધારે મૂલ્યવાન બાબતમાં જ એ સમય વીતે એ જોવું જરૂરી છે. બિનજરૂરી મિટિંગો અને ચર્ચાઓ દ્વારા થતા સમયના વ્યયને બચાવો.
કમ સે કમ આપણે પોતે તો આવી અર્થ વગરની લાંબી મિટિંગો માટે જવાબદાર ન જ બનવું જોઇએ.
ધંધામાં કે જીવનમાં જે બાબત આપણને સમજાતી ન હોય, એ વિશે આપણને બહુ ડર લાગતો હોય છે.
આ અજ્ઞાનનો ડર છે. આપણને કંઇક ન સમજાય, તો જેને એ સમજાતું હોય, એની સલાહ લેવી જોઇએ.
જે રસ્તે આપણે નથી ગયા, એ માર્ગના ભોમિયાને પૂછીએ, તો માર્ગદર્શન મળી રહે.
આગળ વધવા માટે યોગ્ય સ્ત્રોત પાસેથી જરૂરી માર્ગદર્શન મેળવીને આગળ વધતા રહો.
એક સ્ટાફ મેમ્બરે કંઇક ભૂલ કરી. શેઠ ભડકી ગયા. જોરથી, બધાને સંભળાય એવી રીતે બોલ્યા:
“તમને લોકોને કંઇ આવડતું જ નથી. બધા નક્કામા છો. અહીં આવીને ખાલી ખાલી કામ વધારો છો.”
એક માણસને એની ભૂલનું ફીડબેક આપતી વખતે “તમને લોકોને”, “તમને બધાંને” આવા બધા ડાયલોગ મારીને આપણે આખી ટીમના બાકીના સભ્યોને અજાણતાં જ કારણ વગર મેટરમાં સામેલ કરીએ છીએ અને આપણી વિરુદ્ધ સંગઠિત થવા અને આપણા અંગે ગ્રંથિ બાંધવા પ્રેરિત કરીએ છીએ.
જેણે ભૂલ કરી હોય, એને એકલા બોલાવીને ફીડબેક આપો. બધાંયને કારણ વગર મામલામાં સામેલ ન કરો. બધાંયને એક સાથે ખરાબ લાગે એવું નેગેટિવ ફીડબેક ન જ આપો.
એક માણસની ભૂલની બધાંને સજા ન આપો.
આપણા બિઝનેસનો ગોલ જેટલો મોટો હોય, એને અનુરૂપ મજબૂત ટીમ આપણી પાસે હોવી જોઇએ.
જો આપણે વિવિધ વિશેષતાઓ ધરાવતા લોકોને આપણી ટીમમાં સામેલ કરી શકીએ, અને એ બધાંને એક સાથે કામ કરવા પ્રેરિત કરી શકીએ, તો આપણે કોઇ પણ બિઝનેસ ગોલ હાંસલ કરી શકીએ.
આવો ડાયલોગ ક્યારેક સાંભળવા મળે છે:
“અમારા સ્ટાફને કે મેનેજરોને આટલું પણ સમજાતું નથી?”
આપણા બધા માણસોને આપણા ધંધામાં ક્યારે શું કરવું જોઇએ, એ સમજાતું હોત, તો બધાંય પોતપોતાના ધંધા ચલાવતા હોત. બધાય પોતે શેઠ જ હોત. આપણને કામ કરનાર કોઇ મળત જ નહીં.
અલગ અલગ ક્ષમતા, સ્વભાવ, ખૂબીઓ, ખામીઓ અને ખાસિયતો ધરાવતા લોકોને સામેલ કરીને એક ટીમ તરીકે કાર્યરત કરવા હોય, તો અવારનવાર આપણા અમુક સ્ટાફ મેમ્બરોને સમજાવવું પડશે, શીખવવું પડશે. આપણી ટીમને ડેવલપ કરવી એ આપણી જવાબદારી છે. બિઝનેસના લીડર તરીકે આ આપણું સૌથી મહત્ત્વનું કામ છે.
તમારા ધંધામાં તમે જે કંઇ પ્રવૃત્તિઓ કરો છો, એ બધું જ સંપૂર્ણ પ્રામાણિકતા અને નિષ્ઠાથી કરો. એમાં કોઇ અપવાદ, કોઇ ખોટા વાયદા, કોઇ બહાના ન હોવા જોઇએ. બેઇમાનીથી શોટર્કટ મારી શકાતો હશે, પરંતુ ધંધામાં અંતે તો ઇમાનદારી જ ટકે છે.
પ્રામાણિકતા હજી પણ બેસ્ટ પોલિસી જ છે.
મિટિંગોમાં બધાંયને સામેલ કરો.
સ્ટાફને કંઇક સમજાવવા કે ટ્રેનિંગ આપવા માટેની મિટિંગમાં એક જ વ્યક્તિ બોલતી હોય એ બરાબર છે.
પરંતુ બોસ સાથેની ચર્ચા, રીવ્યૂ કે રીપોર્ટીંગની મિટિંગોમાં માત્ર બોસ કે એકાદ બે બીજા જ બોલતા હોય અને બાકીના લોકો પ્રેક્ષક કે શ્રોતા બનીને સાક્ષી ભાવે બધું જોયા કરતા હોય, એવી મિટિંગો સમયના વ્યય સિવાય બીજું કંઇ કરતી નથી.
સ્ટાફ મિટિંગો માત્ર ઉપદેશ આપવા માટે નહીં, પરંતુ ટીમને સંગઠિત રીતે એક દિશામાં કાર્યરત કરવા માટે હોવી જોઇએ.
આપણા ધંધામાં અગ્રેસર રહેવા માટે આપણે હંમેશાં કંઇક નવું કરતાં રહેવું જોઇએ.
નવું કરવા માટે અખતરા-પ્રયોગો કરતાં રહેવું પડે.
અમુક અખતરાઓ-પ્રયોગો નિષ્ફળ પણ જાય.
સાચા બિઝનેસ લીડરે આવી અનેક નિષ્ફળતાઓ પચાવી હોય છે.
દરેક સફળતાની પાછળ અનેક નિષ્ફળતાઓનો અનુભવ છૂપાયેલો હોય છે.
નિષ્ફળતાઓથી ડરો નહીં.
સફળતાના શિખરનો રસ્તો ખરબચડી નિષ્ફળતાઓ વચ્ચે થઇને જ પસાર થતો હોય છે.
દુનિયામાં લોકોને નાની-મોટી ઘણી સમસ્યાઓ છે. સફળ ધંધાર્થીઓ પોતાની પ્રોડક્ટ કે સર્વિસ મારફતે લોકોને આ સમસ્યાઓમાંથી બહાર નીકળવાના વિકલ્પો આપે છે. એમની સમસ્યાઓનું સમાધાન કરી આપે છે.
કસ્ટમરોના પ્રોબ્લેમ્સને સોલ્વ કરવા તરફ જે કંપની ધ્યાન કેન્દ્રિત કરે છે, એ અચૂક સફળ થાય છે.
મિટિંગમાં જો માત્ર વાતો જ થાય, શું કરવાનું છે એની કોઇ નોંધ ન કરતું હોય, તો એવી મિટિંગ પછી કંઇ પરિણામ આવતું નથી. સોસાયટીની મિટિંગોમાં ઘણીવાર આવી પરિણામો તરફના કમિટમેન્ટ વગરની ચર્ચાઓ થતી જોવા મળે છે. સમય અને શક્તિના વ્યય સિવાય એમાંથી કંઇ સરતું નથી. આપણા બિઝનેસની મિટિંગો સોસાયટીની મિટિંગો જેવી બિનઅસરકારક ન હોવી જોઇએ.
અસરકારક મિટિંગ માટે મિટિંગમાં હાજર રહેનાર દરેક જણ નોટ કરવા માટે કંઇક સામગ્રી લઇને આવે અને ક્યારે, શું કરવાનું છે એ નોટ-ડાઉન પણ કરે એ જુઓ. આ નિયમનો અમલ આપણે પણ કરવો જ જોઇએ. આપણે પણ નોટપેડ-ડાયરી વગર કોઇ સ્ટાફ મિટિંગ ન કરવી જોઇએ.
મિટિંગ પૂરી થયા બાદ યોગ્ય સમયે એ માણસે પોતે જે નોટ કર્યું હોય, એ મુજબ કામ થઇ રહ્યું છે કે નહીં, એનું એક્ટીવ ફોલો-અપ જાતે કરો અથવા તો કોઇ આસિસ્ટન્ટ દ્વારા કરાવો. જો તમે આ કરશો, તો એના પરિણામોથી ખુશ થશો.
જૂની ચાવીઓથી નવા જમાનાના મોડર્ન તાળાંઓ નહીં ખુલે.
આજની નવી સમસ્યાઓમાંથી માર્ગ કાઢવા કંઇક નવી વિચારસરણી અપનાવવી પડશે.
આવતીકાલને સફળ બનાવવી હોય, તો ધંધામાં આજના વર્તારા અનુસાર પરિવર્તન કરો.
માણસોના એટીટ્યૂડ પર ધ્યાન આપો, સ્કીલ્સ પર નહીં
નવા માણસની નિમણૂક કરતી વખતે એની ડિગ્રીઓ પર કે માત્ર એના અનુભવનાં વર્ષો પર ધ્યાન ન આપો.
એ બધું જુઓ પરંતુ મુખ્ય ધ્યાન એના અભિગમ પર આપો.
એના એટીટ્યૂડને સમજવાની કોશિશ કરો. એવા સવાલો પૂછો કે જેથી એની વિચારસરણી, એની વાસ્તવિક પર્સનાલિટી છતી થઇ શકે.
ગમે તેટલી ડિગ્રીઓ કે કૌશલ્યો હોય, પણ જો એટીટ્યૂડ નેગેટિવ હશે, તો એ માણસ કોઇ પરિણામો નહીં લાવી શકે.
કૌશલ્યો-સ્કીલ્સ શીખવાડી શકાય. નેગેટિવ એટીટ્યૂડનો કોઇ ઇલાજ નથી હોતો.
તમે અમુક દિવસ ઘરથી બહાર જાઓ છો, ત્યારે તમારા ફેમિલી મેમ્બર્સ તમને યાદ કરે છે, મીસ કરે છે, તમારા પાછા આવવાની રાહ જુએ છે, બરાબર?
પણ જ્યારે તમે તમારી ઓફિસ, દુકાન કે ફેક્ટરીમાં અમુક દિવસે ગેરહાજર રહો છો, ત્યારે ત્યાં શું થાય છે?
તમારો સ્ટાફ પણ તમને યાદ કરે છે? તમને મીસ કરે છે? તમારા પાછા આવવાની રાહ જુએ છે?
કે સેલિબ્રેટ કરે છે?
જવાબ જો બીજું ઓપ્શન હોય, એટલે કે સ્ટાફ તમારી ગેરહાજરી ઉજવતો હોય, તો એનો મતલબ કે ધંધામાં ટીમ તમારી સાથે નથી. ટીમને તમારી સાથે લઇને આગળ વધવાના પ્રકલ્પમાં હજી થોડું કામ કરવાનું બાકી છે.
આપણાં સંતાનો અને આપણા સ્ટાફ મેમ્બર્સ આપણે એમને જે કહીએ છીએ એ નહીં કરે, આપણે જેવું કરીએ છીએ, એવું એ લોકો કરશે.
એમને જો સુધારવા હોય, તો આત્મસુધારથી શરૂઆત કરવી પડશે.
ઉપદેશ આપતાં પહેલાં એની યોગ્યતા મેળવવી પડશે.
ઘણી વાર ધંધામાં જૂના માણસોની જડતા કે લાગણીઓની અપરિપક્વતા ધંધાને આગળ વધારવામાં નડતરરૂપ બનતી હોય છે. જૂના માણસો આપણને શરૂઆતના સમયમાં ખૂબ કામ આવ્યા હોય છે. પરંતુ ધંધાની સાઇઝ વધતાં પ્રોબ્લેમ્સના પ્રકાર બદલે છે. એમાં ઘણાં પરિવર્તનો કરવાં પડે છે. ખુલ્લા મન વગર એ થઇ શકતું નથી. ઘણા જૂના માણસો પોતાનું મહત્ત્વ કે સત્તા જતી રહેશે એવા ડરથી અથવા તો શિક્ષણ કે જાણકારીના અભાવે પોતાની જાતને બદલી શકતા નથી. વિકાસના માર્ગે આવી જડતા અવરોધરૂપ બને છે. ધંધાના વિકાસમાં એમની અણસમજ કે કમજોરીઓને તમારી મજબૂરી ન બનવા દો.
ધંધામાં જો નવી વિચારસરણી, નવું લોહી, નવું જોમ, નવી તાજગી નહીં આવે, તો ધંધો વાસી થઇ જશે. હરીફાઇમાં ટકી નહીં શકે.
એમને આ વાત સમજાવે. આ નવા રૂટની યાત્રામાં તેઓ નવી વિચારસરણી સાથે પૂરેપૂરા દિલો-દિમાગથી સહભાગી બને એવી સંપૂર્ણ કોશિશ કરો. પરંતુ જો પેસેન્જર ન જ માને, તો બસ એની રાહ જોયા વગર આગળ જવી જોઇએ. પેસેન્જર માટે બસ પોતાનો રૂટ કે સ્પીડ બદલી ન શકે. તમારે જો જૂના માણસોને સાચવી રાખવા હોય, કૃતજ્ઞતાના ભાવે એમને કાઢી ન નાખવા હોય, તો એમને, કશેક નુકસાન ન થાય એવી જગ્યાએ ધંધામાં પાર્ક કરો. ધંધા પર એમની સ્વભાવગત આડઅસરને બાયપાસ કરો. ધંધાના નિર્ણયો નક્કર વાસ્તવિકતાની જરૂરિયાતોને આધારે જ લો. લાગણીઓને એમાં વચ્ચે ન લાવો.
તમારી ઓફિસમાં આનંદ છે?
મારે બે અલગ અલગ ઓફિસોમાં અવારનવાર જવાનું થાય છે. બન્ને જગ્યાએ આનંદ નામના ઓફિસ આસિસ્ટન્ટ છે. બન્ને નાના હોદ્દા પર છે, પરંતુ બન્ને પોતાનું કામ પૂરી જવાબદારી, નિષ્ઠા અને પોઝીટીવ એટીટ્યૂડ સાથે કરે છે. બન્ને આનંદ ઓફિસની મુલાકાતે આવનારા દરેક ગેસ્ટ સાથે વિનમ્રતાથી વાત કરે છે. એમનું બરાબર ધ્યાન રાખે છે. અવારનવાર આવતા મુલાકાતીઓની ચા-કોફી વગેરેની પસંદગીઓ પણ યાદ રાખે છે.
એનાથી આવનારના મનમાં આ લોકો અને એમની કંપની વિશે એક પોઝીટીવ છાપ ઊભી થાય છે.
આપણી ઓફિસ-દુકાન-ફેક્ટરીમાં પણ આવા આનંદ હોવા જોઇએ.
આનંદોને ગોતવા અને ટકાવી રાખવા આપણે પણ કંઇક કરવું પડશે. એ કરશું તો જ આનંદ આવશે અને ટકશે.
નહીંતર આનંદ જતો રહેશે… !
નોકરી કે ધંધામાં
“મને આમાંથી શું મળશે?”
એ સવાલને બદલે
“હું આમાં શું મદદ કરી શકું?”
એ સવાલનો જવાબ શોધનાર હંમેશાં વધારે સફળ થતો જોવા મળે છે.
તમારા ધંધા-ઇન્ડસ્ટ્રીમાં તમારા કમ્પીટીટર તમારું અનુસરણ કરે છે
કે
તમે એમનું અનુસરણ કરો છો?
ધંધામાં જે લીડ કરે છે, જેને બધા અનુસરે છે, એ જ જીતે છે.
ઘણીવાર આવો ડાયલોગ સાંભળવા મળે છે
“આપણા માણસોની વાત સાંભળીએ, તો એ લોકો આપણને ઊંધું શીખવાડે.”
શું આપણા કોઇ માણસો આપણને કંઇ પણ ન શીખવાડી શકે?
જરા પ્રેક્ટીકલી વિચાર કરો. ટાટા ગ્રુપની સવા સો જેટલી કંપનીઓ છે. એમના ટોપ મેનેજરોને એમની કંપનીના ફિલ્ડ વિશે રતન ટાટા કે ટાટા ગ્રુપના હાલના ચેરમેન કરતાં વિશેષ માહિતી હશે જ ને?
શું મુકેશ અંબાણી પોતાની દરેક કંપનીની દરેક પ્રકારની ટેકનિકલ બાબતોથી માહિતગાર હશે?
એમની કંપનીના ટેકનિકલ લોકો પણ એમને એ ધંધાની અનેક આંટીઘૂંટી સમજાવતા જ હશે ને?
આપણે જો આગળ વધવું હોય, તો અલગ અલગ વિષયોમાં આપણાથી વધારે એક્ષ્પર્ટ લોકોને આપણી ટીમમાં સામેલ કરવાથી ગભરાવું ન જોઇએ.
આપણને શીખવાડી શકે એવા લોકો આપણી ટીમમાં હોય, એ તો મોટી વાત છે. દરેક મોટા માણસોની ટીમમાં આવા લોકો હોય જ છે.
ધંધામાં સલાહ કોની લેશો?
આપણા ધંધાના વિકાસ માટે, એની સમસ્યાઓ સુલઝાવવા માટે, અલગ અલગ બાબતોમાં માર્ગદર્શન માટે આપણે યોગ્ય લોકોની સલાહ લેવી જોઇએ.
પણ આવી બાબતોમાં સલાહ લેવી કોની?
ગુજરાતીની એક કહેવત છે, એમાંથી સમજાઇ જશે.
ગાંડી પોતે સાસરે જાય નહીં, અને ડાહીને સલાહ આપે.
લગ્નજીવન અંગે સલાહ લેવી હોય, તો ડાહીએ પહેલાં એ ચેક કરવું જોઇએ કે ગાંડીએ પોતે લગ્ન કર્યાં છે કે નહીં.
ધંધા માટે સલાહ લેવામાં પણ એ જ ધ્યાન રાખવું.
જેણે એ ક્ષેત્રમાં કામ કર્યું હોય, જેને અનુભવ હોય, એની જ સલાહ લેવાની.
ઘણીવાર અમુક ધંધાર્થીઓ આવું કહેતાં સંભળાય છે:
“હું મારા સ્ટાફને મારા ફેમિલી મેમ્બર ગણું છું. અમારી કંપનીમાં સ્ટાફમાં બધાંય એક ફેમિલીની જેમ કામ કરે છે.”
આ ખરેખર સાચું હોય, તો આપણે એ દરેકની સાથે એવો વ્યવહાર કરવો જોઇએ જેવો આપણે આપણા સંતાનો કે કુટુંબીજનો સાથે કરતાં હોઇએ.
જો નિયમોની બાબતમાં આપણે સ્ટાફને અને પરિવારને અલગ કરી નાખતા હોઇએ, પક્ષપાત કરીએ, તો આ ફેમિલીવાળી વાત માત્ર એક થિયરી છે.
આપણા પ્રેક્ટીકલ અને થિયરીમાં ફરક છે, આપણી વાતો પોકળ છે, એવું આપણા સ્ટાફને સમજાતું જ હોય છે.
આપણું પ્રેક્ટીકલ વર્તન એવું હોવું જોઇએ કે ફેમિલીવાળી થિયરી પણ સ્ટાફને સાચી લાગે.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:

ધંધાની વાત બુક-1, ચેપ્ટર-1