જીવનમાં આપણે અનેક પ્રકારના સંબંધોમાં જોડાઇએ છીએ. એમાંથી અમુક સંબંધો સારી રીતે વિકસે છે, તો બીજા અમુક આગળ નથી વધી શકતા. સંબંધોને ડેવલપ કરવા માટે, એમને ઘનિષ્ઠ બનાવવા માટે ખૂબ કોશિશો કર્યા બાદ પણ અમુક લોકો સાથે આપણો સંબંધ વિકસી નથી શકતો. દરેક સંબંધ આત્મીયતાની એકસરખી ઊંચાઇ પર પહોંચે એવું નથી બનતું.
આવું કેમ થાય છે?
આપણે થોડુંક આત્મમંથન કરીએ, તો સમજાઇ જશે.
આ જગતમાં તમે જેટલા લોકો સાથે કોઇ પણ પ્રકારના સંબંધોમાં છો, એ સંબંધનું નામ ગમે તે હોઇ શકે છે, દા. ત. સગાં (બધાં પ્રકારનાં), વહાલાં, મિત્રો, ઓળખીતા, ક્લાસમેટ, પડોશી, સહકર્મચારી, સ્ટાફ મેમ્બર, ક્લબ મેમ્બર, ગ્રુપ મેમ્બર, એસોસિએશન મેમ્બર, હરીફ, બોસ, નોકર, કસ્ટમર, ક્લાયન્ટ, સપ્લાયર વગેરે વગેરે.
વિવિધ પ્રકારના આપણા આ બધા જ સંબંધીઓને અંતે માત્ર બે જ ભાગમાં વહેંચી શકાય:
૧) એવા લોકો કે જેમની સાથેનો સંપર્ક, જેની સાથેનો સંબંધ તમને ગમે છે.
૨) એવા લોકો કે જેની સાથેનો સંપર્ક તમને ગમતો નથી, પણ ઔપચારિકતા કે મજબૂરી ખાતર તમારે એ સંબંધ નિભાવવો પડે છે.
તમારો કોઇ સાથે ગમે તે સંબંધ હોય, ફાઈનલી એ દરેક વ્યક્તિ ઉપરના બેમાંથી એક પ્રકારમાં જ ફીટ થાય છે. તમારા સગા બે ભાઇઓ કે બે સાળાઓ હોય, બન્ને સાથેના સંબધનાં નામ-પ્રકાર સરખાં હોવા છતાં એ બેમાંથી તમને એક સાથેનો સંપર્ક ગમે, અને બીજા સાથે ઓછું ફાવતું હોય, એવું બને. એક જ ક્લાસમાં દસ-બાર વર્ષ સુધી સાથે ભણ્યા હોઇએ એવા આપણા મિત્રો કે આપણી લગોલગ રહેતા ચાર-પાંચ પડોશીઓમાંથી પણ અમુક સાથેનો સંપર્ક આપણને ગમે છે, બીજાને આપણે નિભાવવા ખાતર નિભાવીએ છીએ, આપણને એ ગમતા નથી. આપણું મન આપોઆપ આ ભેદભાવ કરી જ નાખે છે.
આ ભેદભાવનું કારણ શું?
કારણ એટલું જ છે, કે પહેલા પ્રકારના લોકો આપણને ગમે છે, કેમ કે તેઓ સાથેનો સંપર્ક આપણને સુખદ અનુભવ કરાવે છે, એમને મળવાથી, એમની સાથે વાત કરવાથી કે એમની સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સંપર્કમાં આવવાથી લગભગ દરેક વખતે આપણને હમેશા સારી ફીલિંગ અનુભવાય છે. એમની સાથેના સંપર્ક બાદ આપણને સારું લાગે છે.
અને બીજા પ્રકારના લોકો સાથે જ્યારે જ્યારે આપણે સંપર્કમાં આવીએ છીંએ, એ દરેક વખતે તેઓ આપણને નેગેટિવ અનુભવ જ કરાવે છે, અને એટલે આપણને એમની સાથેનો સંપર્ક ગમતો નથી. દરેક વખતે તેઓ આપણા પર ગુસ્સો કરે, આપણી અવગણના કરે, આપણને ઉતારી પાડે, આપણી હાંસી ઉડાવે, ઇર્ષ્યા કરે, આપણને તુચ્છ મહેસૂસ કરાવે કે એવી બીજી કોઇ નેગેટિવ ફીલિંગ આપણી અંદર ઊભી કરે, એટલે આપણને એ લોકો ગમતા નથી.
આપણે પોતે પણ અમુક લોકો માટે પહેલા પ્રકારમાં ફીટ થઇએ છીએ, અને બાકીના આપણને બીજા પ્રકારમાં નાખશે.
હવે, આપણાં મનમાં આ બે પ્રકારનું વિભાજન થવાનું કારણ સમજીએ. આપણને પહેલા પ્રકારના લોકો ગમે છે, કેમ કે તેઓ આપણને સારું ફીલ કરાવે છે, એમનાથી આપણને સારું લાગે છે. બીજા પ્રકારના લોકો આપણને નથી ગમતા, કેમ કે તેઓ આપણને ખરાબ અનુભવ કરાવે છે.
અને સંબંધો સાચવવાની આ જ માસ્ટર-કી છે.
સંબંધોમાં આપણે સામેની વ્યક્તિને શું આપીએ છીએ, શું કહીએ છીએ કે એમનું કેટલું કામ કરીએ છીએ એ મહત્ત્વનું નથી. એ બધું આપ્યા પછી, એ બધુંય કહ્યા પછી, એમને માટે એ બધાંય કામો કર્યા પછી આપણે એમને ફીલ શું કરાવીએ છીએ, એમને અનુભવ શું થાય છે એ જ મહત્ત્વનું છે. બધું જ આપ્યા, કહ્યા કે કર્યા બાદ સામેની વ્યક્તિને જે અનુભવ થાય છે, એ જ સંબંધોને સાચવવાની માસ્ટર-કી છે.
આપણા વર્તનથી સામેની વ્યકિતને થતી લાગણીઓ પર, એમના અનુભવ પર ધ્યાન આપીને એને સુખદ બનાવી શકીએ, તો એ માસ્ટર-કી આપણે હાંસલ કરી લીધી કહેવાય.
આના પછી શું વાંચશો?
પૂર્વ લેખ:
તમે પણ કોઇકને માટે સેલેબ્રિટી જ છો.