કંપનીઓનાં મિશન હોય છે, કે એમના કસ્ટમરોની જિંદગીઓમાં કોઇક રીતે સકારાત્મક પરિવર્તન લાવવું.
એક ધંધા કે વ્યવસાય માટે, પોતાની પ્રોડક્ટ કે સર્વિસ મારફતે હજારો, લાખો કે કરોડો લોકોની જિંદગીઓને સ્પર્શવાનું, એમને બહેતર બનાવવાનું શક્ય હોય. અને એને કારણે એમનું કંઇક વજૂદ હોય એમ કહી શકાય.
પરંતુ એક વ્યક્તિનું શું વજૂદ હોય? એક સામાન્ય જિંદગીનું શું મહત્ત્વ હોય? આપણને પણ ક્યારેક આપણી જિંદગી વિશે આવા સવાલો થતા હોય, એવું બને.
આપણને જ્યારે એવું લાગતું હોય કે આપણા જીવનની તો કંઇ કિંમત જ નથી, આપણું જીવવું અર્થહીન છે, ત્યારે યાદ રાખવા જેવી અમુુક વાતો :
તમે કોઇકને કંઇક ગિફ્ટ આપી હોય, અને સામેની વ્યક્તિ અવારનવાર એ ગિફ્ટને વાપરતાં તમને યાદ કરે, ત્યારે તમારું અસ્તિત્વ કોઇકની સ્મૃતિમાં જીવતું હોય છે.
તમે કોઇકને પ્રશંસાના અમુક શબ્દો કહ્યા હોય, એ પેલી વ્યક્તિને કપરા સમયમાં યાદ આવે અને એમને મુશ્કેલીમાં ટકી રહેવાની પ્રેરણા મળે, ત્યારે તમારા બોલાયેલા એ શબ્દો, કોઇકને હિંમત આપીને એમને તમારું સતત એમની સાથે હોવાનો અનુભવ કરાવતા જ રહે છે.
તમે કોઇકને કોઇ વિડિયો કે ફિલ્મ જોવા કે કોઇ પુસ્તક કે આર્ટિકલ વાંચવા ભલામણ કરી હોય, અને એ જોઇ કે વાંચીને એમને થોડી-ઘણી પ્રેરણા મળી હોય, તો એ ભલામણમાં અને એમની કૃતજ્ઞતામાં તમારા જીવનની સાર્થકતા મહેકતી રહે છે.
ભલે ને તમે કોઇને કરોડો રૂપિયાનું દાન કર્યું ન હોય, તો પણ એકાદ જરૂરતમંદને તમારાં એક-બે જૂના કપડાં કે બીજી કોઇ જૂની વસ્તુ આપી હોય, તો એ ક્ષુલ્લક લાગતાં દાનમાં પણ તમારી માનવતા મ્હોરતી રહે છે.
બીજું કંઇ નહીં, તો તમને વોટ્સએપ પર આવેલો કોઇ રમૂજી મેસેજ કે કોઇ વિડિયો તમે કોઇકને ફોરવર્ડ કર્યો હોય, અને તેમને એ વાંચી કે જોઇને ખુશી થઈ હોય તો એ ખુશીમાં પણ તમારી પરોક્ષ હાજરી હોય જ છે.
જેની સાથે દરરોજ અનેક લોકો ફોટા પડાવતા હોય, એવા કોઇ સેલેબ્રિટીની પાસે ઊભા રહીને ફોટો પડાવીને પોતાના સોશિયલ મિડિયામાં ગર્વભેર શેર કરતાં લોકોની ખુશીમાં જે રીતે પેલા સેલેબ્રિટીએ એક વિવેકભર્યું સ્માઇલ આપતાં આપતાં ફોટો પડાવવાની નમ્રતા દાખવ્યા સિવાય બીજું ખાસ કંઇ કર્યું ન હોય, તો પણ એ ખુશીમાં એનો આડકતરો ફાળો હોય જ છે, એ જ રીતે આપણને નજીવી લાગતી આપણી ચેષ્ટાઓ ઘણી વખત બીજા લોકોના જીવનમાં મહત્ત્વનો પ્રસંગ બની જતી હોય છે.
જાણતાં કે અજાણતાં તમે પણ અમુક જિંદગીઓને સકારાત્મક રીતે સ્પર્શી હોય છે. તમને યાદ હોય કે ન હોય તો પણ અમુક જીવનમાં તમે પણ ખુશીની થોડીક ક્ષણો તો ભરી જ હોય છે. કોઇ પણ જીવન અર્થહીન નથી જ હોતું.
કોઇના જીવનમાં આનંદની અમુક પળો આપનાર દરેક વ્યક્તિ, સામેની વ્યક્તિ માટે સેલેબ્રિટી જેવું જ મહત્ત્વ ધરાવે છે.
તમે પણ કોઇકને માટે સેલેબ્રિટી જ છો.
હા, કદાચ તમને ખબર ન હોય, તો હવેથી યાદ રાખજો.