કોઇ સ્વજનની અણધારી વિદાયનો શોક આપણા માટે અસહ્ય હોય, એમના વગરનું હવે પછીનું જીવન ધૂંધળું જણાતું હોય, એ સ્વાભાવિક છે.
જેણે પોતાનું સ્વજન ગુમાવ્યું હોય, એ દરેક આ વેદનામાંથી પસાર થયું જ હોય છે. એમના જવાથી ઊભું થયેલું ખાલીપણું અને ભવિષ્યની અનિશ્ચિતતા બિહામણા સ્વરૂપે આવીને આપણને જંપવા નથી દેતાં.
પરંતુ જીવન જીવવાનું અટકાવી નથી શકાતું. એનો પ્રવાહ અવિરત વહેતો રહે છે. એ પ્રવાહમાં આપણે પણ અત્યાર સુધી બધાની સાથે વહેતા જ હતા. શોકની ક્ષણોમાં આપણે એ પ્રવાહથી વિખૂટા પડી જઇએ છીએ. આપણી આજુબાજુ જિંદગી વહેતી હોવા છતાં આપણે એનાથી અલિપ્ત થઇને એક ખૂણાની જગ્યાએ ઊભી રહી ગયેલી હોડીની જેમ અટકી જઇએ છીએ.
જીવનયાત્રા ફરી પાછી શરૂ કરવાની હિંમત નથી થતી. સ્વજન વગરની એક એક ક્ષણ વસમી લાગતી હોય, એવામાં ક્ષણોના અગાધ મહાસાગર સમું આખું જીવન કેવી રીતે ઓળંગાશે? એ જવાબ વગરનો પ્રશ્ન આપણા વિષાદને વધુ ઘેરો બનાવે છે.
એ વખતે જીવનના પ્રવાહમાં પુનઃ પ્રવેશ કેવી રીતે કરવો?
કોઇને પેરેલિસીસનો અટેક આવે કે કોઇ મેજર એક્સિડન્ટને કારણે અમુક અઠવાડિયાં કે મહિનાઓ માટે ચાલવાનું એકદમ બંધ થઇ જાય, એ પછી એમણે ફરી ચાલવાનું શરૂ કરવાનું હોય, તો એ કેવી રીતે થાય?
એક સાથે અગાઉની જેમ સરળતાથી ચાલવું શક્ય નથી બનતું. માણસ ચાલવાનું સાવ ભૂલી ગયો હોય, એને ચાલવાનું નવું નવું શીખતા બાળકની જેમ એક એક ડગલું મૂકવાનું, પા-પા પગલી કરવાનું ફરીથી શીખવાડાતું હોય છે. પહેલાં તો એક ડગલું મૂકવાનો પ્રયાસ થાય છે. અને એ એક પગલું પાડી શકાયું એનો અપ્રતિમ આનંદ અનુભવાય છે. પછી એની પાછળ બીજું, ત્રીજું એમ એક એક ડગલું ઉમેરાય તેમ તેમ એ આનંદ ઉમેરાતો જાય છે. અને ધીરે ધીરે પહેલાંની જેમ જ ચાલવાનું શરૂ થઇ જાય છે.
વિષાદના ડુંગરની નીચે દબાઇ ગયેલી આપણી હામને આ રીતે જ ઊભી કરવાની જરૂર હોય છે. ક્ષણોના સરવાળા સમા જીવનને ભેદવું હોય, તો એક એક ક્ષણને કાળજીપૂર્વક ભેગી કરવી પડશે. વિષાદના ઘેરામાં અટવાયેલી એક એક ક્ષણને જીવનના પ્રવાહમાં પાછી વહેતી કરવી પડશે. આને માટે દરેક ક્ષણની અંદર છુપાયેલા આનંદને શોધવાનું શરુ કરવું પડશે.
દરેક ક્ષણ પોતાની રીતે સુંદર હોય જ છે. આપણે એ સુંદરતા તરફ પાછું ધ્યાન આપવાનું શરુ કરવું પડશે. કોઇ સાથે થયેલી વાતચીત, કોઇકે લખી મોકલેલા સહાનુભૂતિના અમુક શબ્દો, સ્વજનની સાથે વિતાવેલી કોઇ સુખદ પળની યાદ આવતાં આવેલું હળવું સ્મિત, આકાશમાં ઊડતાં પક્ષીઓ, આસપાસનાં ઝાડ પર લહેરાતું જીવન, કમને પીધેલી ચાનો ટેસ્ટ…. દરેક ક્ષણમાંના નાના નાના આનંદને એ ઘડીએ જ માણવાનું શરુ કરો. ભૂતકાળની યાદો અને ભવિષ્યની ચિંતાઓના બોજની વચ્ચે વર્તમાનની સુંદર ક્ષણો દબાઇને કરમાઇ જાય એ પહેલાં એ દરેક ક્ષણમાંના જીવનને માણવાનું શરૂ કરવું પડશે.
આ રીતે વર્તમાનમાં જીવવાની પ્રેક્ટિસ જ આપણને જીવન તરફ પાછા જવામાં મદદ કરી શકશે.
બીજી એક વાત. આપણા દિવંગત સ્વજનને પણ આપણી ખુશી વહાલી જ હતી. શું આપણું દુ:ખી હોવું એ હતા ત્યારે એમને ગમતું હતું? આપણે સતત વિષાદમાં રહીને, આપણી સામે પથરાતા જીવનને ઠુકરાવતા રહીને સતત દુ:ખમાં સમય વીતાવીએ તો આપણી એ ગમગીન સ્થિતિ એમને ગમશે ખરી?
સવારે રસ્તા પર પથરાયેલાં કુમળાં સુગંધિત ફૂલોને એમ ને એમ પડતા મૂકીને એમને કરમાઇને નાશ પામવા દેવાય અથવા તો એમને એક એક કરીને ચૂંટીને, એમને પરોવીને સૌંદર્ય અને સુગંધથી સભર એક માળા કે ગુચ્છ બનાવી શકાય. આપણે જેટલું જલદી જીવનની વિખેરાતી ક્ષણોને સાચવી સાચવીને ચૂંટવાનું, એમને એક સુંદર જીવનની માળામાં પરોવવાનું શરૂ કરી શકીશું એટલું જલદી એ દિવંગત આત્માને આપણી સ્વસ્થતાની, આપણા સુખી જીવનની શ્રદ્ધાંજલિ આપી શકીશું.
ગઇ કાલની યાદો કે આવતીકાલની ચિંતા નહીં, આ ક્ષણને અને એ પછીની ક્ષણેક્ષણને જીવવાની શરૂઆત કરીને સ્વજનને સાચી શ્રદ્ધાંજલિ આપીશું તો એમની ગેરહાજરી જીરવવી સહેલી થઇ શકશે.
– સંજય શાહ
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
તમે પણ કોઇકને માટે સેલેબ્રિટી જ છો.