આપણા જીવનમાં સોશિયલ મિડિયાના આગમને આપણને, આપણી અંદરની ખૂબીઓને અભિવ્યક્તિનું માધ્યમ પૂરું પાડ્યું છે. આપણને ગમતી વાતો, આપણું સર્જન, આપણા જીવનની અમુક ઘટનાઓની માહિતી આપણા સંપર્કમાંના લોકો સુધી પહોંચે એ માટે અને આપણો એમની સાથેનો સંપર્ક અને સંવાદ જાળવી રાખવા માટે આ માધ્યમ બહુ કામ લાગે છે.
દરેક માધ્યમમાં હોય છે તેમ આ માધ્યમની પણ અમુક સાઇડ ઇફેક્ટ્સ છે. સંવાદના માધ્યમ તરીકે આવેલા આ સાધનને આપણામાંથી અમુકે પ્રદર્શનનું માધ્યમ બનાવી નાખ્યું છે.
આપણે આપણા જીવનની માત્ર ચળકતી બાબતોને દુનિયા સમક્ષ રજૂ કરવાના સાધન તરીકે સોશિયલ મિડિયાને વાપરીએ છીએ. આપણી નાની-મોટી સિદ્ધિઓ, આપણા જીવનની ઉજળી ક્ષણો, આપણા સેલિબ્રેશન વગેરે ચકચકિત વાતો જોઇને ઘણીવાર બીજાંને એમ લાગવા માંડે છે કે એમના પોતાના જીવનમાં તો બધું કાટ ખાઇ ગયું છે, એમના જીવનમાં ખાસ કંઇ રસપ્રદ છે જ નહીં, એમનું જીવન સાવ ફીક્કું છે. આપણી કલરફૂલ જિંદગીની સામે એમને પોતાનું જીવન એકદમ બ્લેક એન્ડ વ્હાઇટ અને બોરીંગ જણાય છે.
પરંતુ જ્યારે આપણે આપણી ખુશીઓ અને સિદ્ધિઓનો ઢંઢેરો પીટવો પડે, ત્યારે આપણી ખુશી કરતાં આપણી અંદરનો ખાલીપો અજાણપણે અભિવ્યક્ત થઇ જાય છે. કેમ કે જ્યારે જ્યારે આપણે બહુ સફળ છીએ, બહુ ખુશ છીએ એ દેખાડવાની ઘેલછામાં પડી થઇ જઇએ છીએ, ત્યારે ત્યારે આપણી અપૂર્ણતા, આપણી અંદરખાને અનુભવાતી ઉણપ દેખાઇ જતી હોય છે. કહેવાય છે ને કે “અધૂરો ઘડો છલકાય ઘણો”…!
એમાંય આ પ્રદર્શન જ્યારે આપણા સંબંધોની આત્મીયતાની રજૂઆત સુધી પહોંચે ત્યારે ખરેખર વિચારીને થોભી જવા જેવું હોય છે. આપણા કુટુંબીજનો સાથેના સંબંધો કેટલા આત્મીય છે, એ બધાંને બતાવવા જ્યારે આપણે સોશિયલ મિડિયાનો આશરો લઇએ, એનાથી આત્મીયતા કરતાં, એનો અભાવ વધારે પ્રગટ થતો હોય છે. આપણા જીવનસાથીના જન્મદિવસે “હેપી બર્થ ડે ટૂ માય ડાર્લીંગ” કે એનીવર્સરીના દિવસે “હેપી એનીવર્સરી ટૂ માય સ્વીટહાર્ટ” એ ફેસબૂક, ઇન્સ્ટાગ્રામ કે વોટ્સએપ મારફતે ૫૦૦ જણને કહીએ એના કરતાં એ ડાર્લીંગ સમક્ષ આપણી સાચુકલી લાગણીઓ સાથે એકાંતમાં વ્યક્ત કરીએ તો એને ૫૦૦ ગણી વધારે ખુશી મળે, કેમ કે એ અભિવ્યક્તિની મૌલિકતા એને પ્રદર્શનમાંની કૃત્રિમતા કરતાં વધારે મીઠી લાગશે.
પરંતુ જિંદગીનો બધો ચળકાટ સોશિયલ મિડિયા પર શેર કરવાની આપણી ઘેલછાના સપાટામાં આપણી આત્મીયતા પણ આવી જાય, ત્યારે આપણી એ પોસ્ટ જોનારને સવાલ થવા માંડે કે જેટલું ચમકે એ બધું સોનું જ હોયકે?
આપણને જિંદગીના ચળકાટને સોશિયલ મિડિયા પર પ્રદર્શિત કરવાની આદત પડી ગઇ હોય તો પણ પ્રિયજનો સાથેની આત્મીયતાને એ દેખાડાનો ભાગ ન બનાવવો જોઇએ, જો એ આપણને ખરેખર પ્રિય હોય, તો.