આપણા જીવનમાં ઘણું બનતું રહે છે. અનેક સારી-માઠી ઘટનાઓ, અનેક સુખદ-દુ:ખદ સંજોગો, અનેક સહેલી-કપરી પરિસ્થિતિઓ સર્જાતાં જ રહે છે.
એ બધું જ જ્યારે થતું હોય, ત્યારે ઘણીવાર આપણને એ સમજાતું નથી હોતું. આપણને ન ગમે એવું કંઇક થાય, ત્યારે આપણને એવો સવાલ થાય છે કે:
“મારી સાથે આવું કેમ થયું?વ્હાય મી?”
જ્યારે એ થયું હોય, ત્યારે આપણને એ સમજાયું ન હોય તો પણ એ પસાર થઇ જાય એ પછી અમુક સમય બાદ મોટેભાગે આપણને એવું લાગવા માંડે છે કે જે કંઇ થયું એ આપણને કંઇક શીખવવા માટે, આપણને કંઇક બનાવવા માટે, આપણને કોઇક વાત માટે તૈયાર કરવા માટે જ થયું હોય છે. એ વખતે જે અળખામણું લાગ્યું હતું એ પાછળથી ઘણીવાર સારો સંકેત લાગવા માંડે છે. એ વખતે જે શાપ જણાતું હતું, એ સમય જતાં ઇશ્વરના કોઇ મંગળ આશીર્વાદ જેવું લાગવા માંડે છે.
જીવનમાં સારું કે નરસું જે કંઇ થાય છે, એને સ્વીકારી લઇએ, તો આપણે આપણા નસીબને પણ જાગૃત કરી શકીએ.એવું કહેવાય છે કે કંઇ પણ કર્યા વગર બેસી રહેનારનું નસીબ પણ કામ નથી કરતું. નસીબ પણ એનો જ સાથ આપે છે, જે જીવનમાં આવનારી તકને ઝીલવા તૈયાર અને તત્પર રહે છે, જે પોતાના પ્રયત્નોની પાંખોને શક્યતાઓના આકાશમાં વીંઝતું રહે છે, જે કંઇક કરવા મથતું રહે છે.
જે કંઇ થાય એને ઇશ્વરના સંકેત તરીકે માની લઇએ અને એ અનુસાર કામ કરવા લાગી જઇએ, તો ઘણી મૂંઝવણો ઓછી થઇ જાય. ઘણા સવાલો શમી જાય. કોઇ અદ્રશ્ય હાથ, આપણને જે દિશામાં જવું જોઇએ ત્યાં દોરી જઇ રહ્યા છે, એવી શ્રદ્ધા રાખીએ તો આપણા જીવનમાં બધું સારું કરવાના ઇશ્વરના પ્લાનમાં આપણે આપણો સહયોગ આપી શકીએ.
આપણે ભણતા હોઇએ ત્યારે અમુક વિષયો વિશે આપણને સવાલો થતા હોય, કે આ બધું મને જીવનમાં ક્યાં કામ આવશે? શૈક્ષણિક માળખાની મર્યાદિતતાને કારણે મોટા ભાગનું ભણેલું ભલે જીવનમાં બહુ પ્રેક્ટીકલી કામ નથી આવતું, પરંતુ મેં એ જોયું છે કે જે લોકો પોતાના વિદ્યાર્થી જીવનમાં જે કંઇ પણ ભણ્યા હોય, એને ગંભીરતાથી લઇને બધી પરીક્ષાઓ સારી રીતે પાસ કરી હોય, તેમને બીજું કંઇક આવડે નહીં તો પણ તેઓ પોતે કંઇક શીખી શકે છે, કોઇકે આપેલી સૂચનાઓનું આજ્ઞાપૂર્વક પાલન કરીને એને અનુસરીને પોતાનો વિકાસ કરી શકે છે. તેઓ ભણવાનું પૂરું થયા બાદ પણ જીવનમાંથી સતત શીખતા રહે છે, અને એના કારણે એમના આગળ વધવાની શક્યતાઓ વિસ્તરતી રહે છે.
એ જ રીતે, જીવનના દરેક સંજોગો આપણને કંઇક શીખવવા માટે જ આવે છે, દરેક ધટના આપણને ભવિષ્યમાં આવનારી સમસ્યાઓનો સામનો કરવા માટે સજ્જ કરે છે એવા અભિગમ સાથે જીવીશું, તો દરેક નાની-મોટી ઘટનાઓ આવનારા દિવસોની વધારે અઘરી પરીક્ષાઓ પાસ કરવા માટે જરૂરી પાઠો બની રહેશે.
હમણાં ધૂંધળું જણાતું હોય તો પણ દરેક ધટનાને જેમ થાય છે એમ એક શુભ સંકેત તરીકે સ્વીકારી લઇશું, તો આગળ જતાં બધું ક્લીયર થઇ જશે. બધું બરાબર થઇ જશે.
હમણાં ન સમજાતું હોય, તો પણ આગળ ધપતા રહો.
યાદ રાખો: અમુક વસ્તુઓ ફ્લેશબેકમાં જ પૂરી સમજાય છે.
– સંજય શાહ