બે પ્રકારના પ્રયોજને કામો આરંભાતા હોય છે.
એક, કંઇક બનવા માટે, કંઇક સાબિત કરવા માટે. આપણે બીજાંથી કંઇક વિશેષ છીએ, ક્યાંક ચડિયાતા છીએ એ દેખાડવા માટે.
બીજું, કંઇક હેતુ પાર પાડવા માટે, કોઇક કામ કરવા માટે, કંઇક પરિણામ લાવવા માટે.
આપણે જ્યારે કંઇક બનવા માટે કંઇક કરીએ છીએ, ત્યારે આપણે બહુ હાંસલ નથી કરી શકતા. પરંતુ જ્યારે આપણે કંઇક કરવા માટે, કંઇક પરિણામ લાવવા માટે કંઇક કરીએ છીએ, ત્યારે વિશેષ કક્ષાનું સર્જન શક્ય બને છે.
સંસદસભ્ય કે ધારાસભ્ય બનવા માટે કરાતી કોશિશોથી જે હાંસલ થાય, એના કરતાં લોકોની કે દેશની સેવા કરવાના આશયથી શરૂ કરાયેલા પ્રયત્નો અનેકગણું પરિણામ લાવી શકે છે, અને એમાંના એક પરિણામ સ્વરૂપે સંસદસભ્ય કે ધારાસભ્ય પણ બની શકાય. પરંતુ એ બાયપ્રોડક્ટ હોય. મુખ્ય પરિણામ તો ઈચ્છિત સેવા જ હોવી જોઇએ.
પૈસાદાર બનવાના ઇરાદાથી શરૂ કરાયેલા ધંધાઓ એક લેવલ પર આવીને થંભી જાય, કેમ કે જે હાંસલ કરવું હતું, જે સાબિત કરવું હતું, એ થઇ ગયા બાદ કંઇ કરવાનું મોટિવેશન રહેતું નથી. એને બદલે, કસ્ટમરોની જિંદગીમાં કંઇક સકારાત્મક પરિવર્તન લાવીને એ દ્વારા આ દુનિયાને બહેતર બનાવવામાં સહયોગ આપવાના મિશનથી શરૂ થતા ધંધાઓ અનેકગણી ઊંચાઇઓ પર પહોંચે છે, કેમ કે દુનિયાને બહેતર બનાવવાના પ્રકલ્પમાં કોઇ લિમિટ નથી હોતી, અને એથી અનેકગણું સર્જન થઇ શકે છે.
કંઇક બનવા માટે નહીં, કંઇક પરિણામ લાવવા માટે કોશિશ કરો.
કંઇક કરવા મથીએ, તો એ પ્રોસેસમાં આપોઆપ કંઇક બની પણ જવાશે.
અને એ બનવું કદાચ તમારી અગાઉની કલ્પના કરતાં અનેકગણું વિશેષ હશે.
કંઇક પરિણામ લાવવા માટે કોશિશ કરો,
કંઇક બનવા માટે નહીં.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
સંબંધોની આત્મીયતાનું પ્રદર્શન ટાળીએ…