મુંબઈ નજીક ગુજરાતનું એક બીચ-હોલી ડે માટેનું જાણીતું સ્થળ છે. દર વર્ષે હજારો લોકો પોતાનુ સ્વાસ્થ્ય સુધારવા, હવા-ફેર કરવા કે માત્ર રીલેક્ષ થવા એની મુલાકાત લે છે. આ ગામમાં જમવા માટે ત્રણ ચાર સીધા-સાદા રેસ્ટોરન્ટ્સ-ભોજનાલયોની સુવિધાઓ છે. એમાંના બે વિશે આજે આપણે વાત કરીએ.
ધારો કે એકનું નામ છે પૂર્તિ ભોજનાલય અને બીજાનું નામ છે, ત્રુપ્તિ ભોજનાલય.
પૂર્તિ ૨૦ વર્ષ જૂનું ભોજનાલય છે. પણ ૨૦ વર્ષોથી ડગુ-મગુ રીતે જ ચાલે છે. એનો બહુ ખાસ વિકાસ થયો નથી. એના માલિક-સંચાલકનું ફેમિલી વર્ષોથી આ જ વ્યવસાયમાં છે. ૧૫ વર્ષ સુધી ગામમાં એ એક જ ભોજનાલય હતું, કોઇ હરીફાઈ નહોતી. પાંચેક વર્ષોથી બે-ત્રણ નવા ભોજનાલયો શરુ થયા છે. છેલ્લા અમુક વર્ષો થી એ ગામમાં આવેલ એક પ્રખ્યાત આશ્રમના ઓફિશિયલ ભોજનાલય તરીકે પણ તેને માન્યતા મળેલી, જે ગયા વર્ષે પાછી ખેંચવામાં આવી. પૂર્તિની કોશિશો ચાલુ છે, પરંતુ ટકી રહેવા સિવાય કંઈ ખાસ પ્રગતિ થઈ શકી નથી.
બીજી બાજુ, પાંચ વર્ષ અગાઉ શરુ થયેલ ત્રુપ્તિ ભોજનાલયને કોઈનો સપોર્ટ નથી. એનો માલિક-સંચાલક એકલે હાથે બધું વિકસાવી રહ્યો છે. પાંચ જ વર્ષોમાં ત્રુપ્તિ ભોજનાલય પૂર્તિ કરતાં ખૂબ આગળ વધી ગયું છે. ગયા વર્ષે પેલા આશ્રમના મેનેજમેન્ટે પણ પોતાના ઓફિશિયલ ભોજનાલયની માન્યતા પૂર્તિ ને બદલે ત્રુપ્તિને આપી.
જમવાની થાળીના બંન્નેના ભાવ અને દેખીતી રીતે બીજું બધું પણ સરખું હોવા છતાં, પૂર્તિને ૨૦ વર્ષોમાં જે સફળતા નથી મળી શકી એનાથી અનેકગણી સફળતા ત્રુપ્તિને પાંચ જ વર્ષોમાં કેવી રીતે મળી શકી?
કોઇ વ્યક્તિ પૂર્તિમાં જમવા જાય તો તરત જ એને અનુભવ થવા મંડે કે અહીં આવીને એણે ભૂલ કરી છે. એમની સર્વિસ એકદમ થર્ડ કલાસ. સ્ટાફ દર અમુક મહિને બદલાયા કરે એટલે નવા માણસો કસ્ટમરને બહુ સારી સર્વિસ આપી જ ન શકે. ગ્રાહકો ઓછું તીખું કે મોળું કે એવું કંઇક વિનંતી કરીને માંગે તો ધરાર ના પાડી દેવામાં આવે. સૌથી મોટી વાત તો એ કે પૂર્તિ ભોજનાલયના માલિકનો જીવ સાવ ટૂંકો. દરેક વાતમાં કંજૂસાઈ કરે. પીરસનારાઓને ખાસ સૂચના કે ગ્રાહકોને ઓછું જ આપવાનું. ત્રણ-ચાર વખત બોલાવે ત્યારે એક વાર વસ્તુ મળે. મીઠાઈ-ફરસાણ જેવું કંઇ બનાવ્યું હોય, તો માલિક પોતે જ એને પીરસે, વાનગીને જીવની જેમ સાચવે અને બનતી તમામ કોશિશ કરે કે ગ્રાહકોને એ ઓછામાં ઓછું જ મળે. એક વાર ત્યાં જમવા જનારને આ હદબહારની કંજૂસાઈનો અનુભવ તરત જ થઈ જાય. પૂર્તિના માલિકનું એવું માનવું છે કે જમવા આવનારા પૈસા વસૂલ કરવા માટે “બેટીંગ” કરે, અકરાંતિયાની જેમ ખાય, એટલે એમના પર બ્રેક મારવી જ પડે.
બીજી બાજૂ, ત્રુપ્તિ ભોજનાલયમાં એનાથી સાવ ઊલટું. ત્યાંના માલિક ગ્રાહકોનું ખૂબ ધ્યાન રાખે, વિનંતી મુજબ ભાવતી વસ્તુઓ બનાવી આપે, સાચા દિલથી, આગ્રહ કરી કરીને ખવડાવે. એક વાર ત્યાં જમવા જનારને ત્યાં વારંવાર જવાની ઇચ્છા થાય અને બીજાને પણ ભલામણ કરે. ત્રુપ્તિ ભોજનાલયના માલિકનું એવું માનવું છે કે આ સ્થળે ફરવા આવતા મોટા ભાગના લોકો સુખી ઘરના અને સ્વાસ્થ્ય અંગે જાગ્રત લોકો હોય છે. સામાન્ય રીતે આ લોકો જરૂર કરતાં વધારે ખાતા જ નથી. અને કદાચ અમુક લોકો “બેટીંગ” કરે, તો પણ ખાઈ-ખાઈને કેટલું ખાય? અહીં આવતા મોટા ભાગના ગ્રાહકોને સાફ-સુથરી જગ્યા, સારું ખાવાનું અને સારી સર્વિસની તલાશ હોય છે. પોતે પોતાના ત્રુપ્તિ ભોજનાલયમાં ગ્રાહકની એ જરુરિયાતોને પૂરી પાડવાની કોશિશ કરે છે.
પોતાના ગ્રાહકોને સમજી ન શકવાને કારણે અને અતિ લોભ-વૃત્તિને કારણે પૂર્તિ ભોજનાલયનો માલિક આગળ વધી શકતો નથી. બીજી બાજુ પોતાના ગ્રાહકની જરુરિયાતોને બરાબર ઓળખીને એને અનુરૂપ સેવા આપવાનો ત્રુપ્તિ ભોજનાલયના માલિકનો વ્યૂહ માર્કેટીંગની પાયાની બાબતોના સફળ અમલનું ઉદાહરણ પૂરું પાડે છે.
– સંજય શાહ (SME બિઝનેસ કોચ. લેખક: “બિઝનેસ મેનેજમેન્ટ સિમ્પ્લીફાઇડ”)