માત્ર પૈસા કમાવવા માટે કોઇ ધંધો શરૂ ન કરો. કસ્ટમરોને સારી પ્રોડક્ટ કે સેવા આપીને, આપણા કામ મારફતે આ જગતને વધારે સારું બનાવવામાં આપણે કંઇક પ્રદાન કરી શકીએ એવી ઉમદા ભાવના પણ ધંધામાં સાથે રાખીએ એ બધી રીતે હિતાવહ છે.
કોઇ પણ ધંધો હંમેશાં તેજીમાં જ રહેશે, એવું નથી હોતું. ધંધામાં તેજી મંદીનો ક્રમ તો ચાલ્યા જ કરે છે. ધંધાના અમુક તબક્કે ધાર્યા પ્રમાણે પૈસા ન મળે કે ગુમાવવા પણ પડે. જો માત્ર પૈસા કમાવા પર જ ફોકસ હશે,આવા કપરા સમયમાં પૈસા નહીં મળવાથી થાક લાગશે, ઉત્સાહ ઘટી જશે, આગળ વધવાનું જોશ પણ ઓછું થઇ જશે.
આવે વખતે, પૈસાથી વિશેષ પણ કોઇક આકર્ષણ હશે, કોઇક ઉમદા ભાવ હશે, તો લાંબા સમય સુધી ટકી શકાશે.
બીજું, જો આપણું ધંધો કરવાનું મોટીવેશન, આપણી પ્રેરણા પૈસા ઉપરાંત જો કોઇ ઉમદા ભાવ સાથે જોડાયેલી હશે, તો આપણી પ્રેરણાનું ઝરણું કોઇ દિવસ સુકાશે નહીં. એ અવિરતપણે વહેતું રહેશે, કારણ કે કેટલા પૈસા કમાવવા એ દરેક વ્યકિતનું લક્ષ્ય અલગ અલગ હોય. આવા ધ્યેય વ્યકિતગત મૂલ્યો, સ્વપ્નો અને જીવનની પ્રાથમિકતાઓ-પ્રાયોરિટીઝ પર આધારિત હોય. આ લક્ષ્ય સિદ્ધ થઇ જાય એટલે એ વ્યકિતનું ધંધા પ્રત્યેનું મોટીવેશન ઓછું થઇ જાય. પણ જો લક્ષ્ય કોઇ ઊંચા ભાવ સાથેનું હોય, કોઇ કસ્ટમર વર્ગ અને એ દ્વારા માનવસમાજનું ભલું કરવા તરફ હોય, તો એ મોટીવેશન કાયમી રહેશે. ધંધો ટકી રહેશે.અને ધંધો ટકી રહેશે તો પૈસા પણ મળશે જ.