આપણે નાના હતા ત્યારે છાપાં કે મેગેઝિનોમાં દર અઠવાડિયે અમુક વાર્તાઓ આવતી.
આ વાર્તાઓ જાણે કે અનંત હતી.એ આવતી જ રહેતી. એનો ક્યારેય અંત નહોતો આવતો. એને કારણે આપણા મનમાં એ સતત તાજી રહેતી. આપણો એ વાર્તાઓ સાથે ઘનિષ્ઠ સંબંધ બંધાયેલો રહેતો. જે વાર્તાઓ આવતી બંધ થતી, એ ધીરેધીરે વીસરાઇ જતી.
બ્રાન્ડનું પણ આ વાર્તાઓ જેવું જ છે. સફળ બ્રાન્ડ્સ એક સતત ચાલતી વાર્તા જેવી હોય છે. એક વાર થોડોક પ્રચાર કરી લીધો, માર્કેટમાં થોડો શોરબકોર કરી લીધો, એટલે કાયમી બ્રાન્ડ બની ગઇ, એ માનવું ભૂલભર્યું છે.
કસ્ટમરોની સ્મૃતિ પર આજકાલ બહુ મોટો બોજ છે. દરરોજ હજારો બ્રાન્ડ્સ એમની સામે આવે છે. એમને માટે, બ્રાન્ડને યાદ રાખવી આસાન નથી. પરંતુ હા, જો બ્રાન્ડ પોતે એના કસ્ટમરના મનમાં સતત ફ્રેશ રહે, કંઇકને કંઇક કરતી રહે, તો એ ભૂલાતી નથી.
આને કારણે સફળ બ્રાન્ડ્સ સતત કસ્ટમરના મનમાં પોતાની હાજરી નોંધાવતી રહે છે. માત્ર જાહેરખબરો જ નહીં, બ્રાન્ડ્સ કંઇક બીજું પણ અવનવું કરતી જ રહે છે.
કોલગેટની જાહેરખબરો અને નવી નવી પ્રોડક્ટ્સ આવતી રહે છે.
ફેવિકોલ કસ્ટમરોના મનમાં ચીટકેલી પોતાની ઇમેજને ખસવા દેતું નથી.
લક્સ સાબુ નવી નવી હીરોઇનોને લઇને પોતાની બ્રાન્ડની મહેંક તાજી રાખે છે.
બીજી બાજુ, એક જમાનાની પ્રખ્યાત બ્રાન્ડ્સ અવગણનાના પરિણામે મરી જતી જોવા મળે છે.
સફળ બ્રાન્ડીંગ એક કાયમી ચાલતી પરિક્ષા છે, જે બ્રાન્ડે રોજ પાસ કરવાની હોય છે. કસ્ટમરના મનમાં ફેવરીટ રહેવા માટે બ્રાન્ડે સતત પ્રયાસો કરતાં રહેવું પડે છે. જો ક્યાંક ઢીલાશ થઇ, તો કસ્ટમરના મનમાં એની જગ્યા હડપી લેવા અનેક વિકલ્પો ઉપલબ્ધ છે.