સફળ બિઝનેસમેનની બીજી પેઢી જ્યારે ધંધો સંભાળે છે, ત્યારે એવું જોવા મળે છે, કે મોટે ભાગે આ નવી જનરેશન નિષ્ફળ જાય છે.
પોતે ઘણું ભણી ન શક્યા હોય, તો બિઝનેસમેનો પોતાની નવી પેઢીને ઉચ્ચ િશક્ષણ અપાવે છે. પરંતુ એમ.બી.એ. કે બીજી દેશ વિદેશની ગમે તેટલી િડગ્રીઓ લીધા પછી પણ નવી પેઢીને ધંધામાં ધારી સફળતા મળતી નથી. મોટા ભાગના કિસ્સામાં સો ના સાઠ થતા જોવા મળે છે. અમુક લોકો ધંધાને માત્ર જેમ હતો તેમ જાળવી રાખી શકે છે. અને માત્ર ગણ્યા ગાંઠ્યા કેસીસમાં જ નવી પેઢી ધંધાનો અનેકગણો વિકાસ કરી શકે છે.
આવું કેમ?
નવી પેઢી પાસે શિક્ષણ તો હોય છે, પણ જો અનુભવનો અભાવ હોય, તો ગાડી આગળ વધી નથી શકતી.
જેણે શૂન્યમાંથી સર્જન કર્યું હોય, તેણે ઘણા અનુભવો જાતે ઘસાઇને, ઠોકરો ખાઇને મેળવ્યા હોય છે. ખૂબ મહેનત કરવાનો, નિષ્ફળ જવાનો, વારંવાર હારવાનો, પડવાનો, આખડવાનો અને એમાંથી ઊભા થવાનો એમને અનુભવ મળ્યો હોય છે. તેમણે હાડમારીઓ, મુશ્કેલીઓ, અડચણો અને અવરોધોની નડતર ભોગવી હોય છે, અને એમાંથી માર્ગ કાઢવાનું દર્દ પણ સહ્યું હોય છે. અલગ અલગ પ્રકારના માણસો જીવનમાં ક્યાં, કેવી રીતે કામ આવી શકે અને સંબંધોની શું કીમત હોય છે, એ દરેક સફળ સ્થાપકે જાતે અનુભવ્યું હોય છે. નાના સ્તરેથી મોટી ઊંચાઇ પર પહોંચવાની સફરમાં કેટલાં પગથિયાં હોય છે, કેવો ઉબડખાબડ રસ્તો હોય છે, અને એના પર કાળા અંધકારમાં એકલા ચાલવાની, ઠોકરો ખાવાની પીડામાંથી તેઓ ગુજરેલા હોય છે. એક એક પૈસો કેટલો મહત્ત્વનો હોય છે, અને પૈસા વગરની અસહાયતા કેવી મજબૂર હોય છે, એ કારમી હકિકતનો તેમણે સામનો કર્યો હોય છે.
આવા અનુભવો ડાયરેક્ટ ગાદી પર બેસનાર પાસે નથી હોતા. એમનો વાંક નથી હોતો, પણ એમ.બી.એ. અનુભવોની જગ્યા નથી લઇ શકતું. અને ગ્રાઉન્ડ રીયાલિટીનો અનુભવ ન હોવાથી ફ્લાઇટ ઊંચાઇ પર નથી પહોંચી શકતી.
ઉપાય?
સૌ પ્રથમ નવી પેઢીને આ અથવા બીજા કોઇ ધંધાને માટે જાત મહેનતે યોગ્ય થવા દો. એમને આ ધંધામાં એન્ટ્રી મળશે જ એવી ખાતરી ન હોવી જોઇએ. રેડીમેડ સિંહાસન પર બેસવાની ગેરંટી એમની સંઘર્ષ કરવાની શક્તિને ક્ષીણ કરી નાખશે. આપણે એમને સોનાની થાળી આપી જઇએ, પણ જો સંજોગો માટીના વાસણ સુધી લઇ જાય, તો રીટર્ન મુસાફરી કેવી રીતે કરવી એનો તેમને અનુભવ નહીં હોય, તો તેઓ ખૂબ હેરાન થશે, એવી શક્યતા રહે છે.
દુનિયાની સૌથી ધનાઢ્ય વ્યક્તિઓમાંના એક એવા વોરન બફેએ પોતાની મિલકતનો માત્ર ૧ ટકો હિસ્સો પોતાના બાળકો માટે રાખ્યો, અને બાકીના ૯૯ ટકા દાનમાં આપી દીધો. એમના લોજીક પ્રમાણે આ ૧ ટકો બાળકોના જીવન નિર્વાહ માટે પૂરતો છે. બાકી જો એમનામાં ક્ષમતા હશે, તો તેઓ પોતાનું વધારે કમાઇ લેશે, અને જો નહીં હોય, તો મારી મૂડીને જ ઓછી કરશે. એના કરતાં તો હું જ મારી ઇચ્છા પ્રમાણે એનો ઉપયોગ કરી જઉં એ વધારે બહેતર છે.વોરન બફેએ જાતે ડોનેશન કરી નાખ્યું. પણ જો આપણી નવી પેઢીને અનુભવની એરણમાંથી પસાર નહીં કરી હોય, તો આપણી ભેગી કરેલી સંપત્તિ બહાર જતી જ રહેશે. ફક્ત ડોનેશનની રશિદ અને આશિર્વાદ નહીં મળે.આપણા સંતાનોને પણ આપણા ધંધાની જેમ તેજી-મંદીમાં ટકી રહેવાની ટ્રેનિંગ આપો. એમને સીધા સી.ઇ.ઓ. નહીં બનાવો. માત્ર તેજી નહીં, મંદીમાંથી માર્ગ કાઢવાની ક્ષમતા પણ ડેવલપ કરવા દો. એના પછી જ ગાદી આપો. અને એ ન કરી શકે, ત્યાં સુધી એને મહેનત કરવા દો. ત્યાં સુધી પ્રેક્ટીકલ બનીને કોઇ કાબેલ મેનેજર કે પ્રોફેશનલને ધંધાની ધૂરા સોંપો. કમ સે કમ ધંધો તો બચી જશે, અને તમારી નવી પેઢી પણ અનુભવની એરણમાંથી ટીપાઇને મજબૂત થઇને બહાર આવશે. પછી એ સાઠમાંથી સો કે હજાર પણ કરી શકશે.