કોઇ પણ ધંધાના અસ્તિત્વનું એક કારણ, એક પ્રયોજન હોય છે. ધંધાર્થી લોકોને પૂછવામાં આવે કે ધંધો શા માટે કરો છો? એનું પ્રયોજન શું છે? તો મોટા ભાગે જવાબ એવો મળે કે “ધંધો કોઇ શું કામ કરે? પૈસા કમાવા માટે જ તો….!”
પણ જરા વિચારો. આપણને ધંધામાં પૈસા આપે કોણ? આપણા કસ્ટમરો. આ કસ્ટમરો આપણને શું કામ પૈસા આપશે? આપણે ધંધો ચાલુ કર્યો છે, એટલે કસ્ટમરોએ આવી આવીને આપણને પૈસા આપી જવા જોઇએ? જે ધંધાઓ નિષ્ફળ જાય છે, એ બધાંય કિસ્સાઓમાં આવી માન્યતા મહદ્ અંશે જવાબદાર હોય છે.
આપણે એક વાત હંમેશાં યાદ રાખવી જોઇએ કે કસ્ટમરને આપણા ધંધાની કંઇ પડી નથી હોતી. કસ્ટમરોને દરકાર હોય છે, પોતાના પ્રોબ્લેમ્સને સોલ્વ કરવાની. દરેક કસ્ટમરની કંઇક જરૂરિયાતો હોય છે, જે સંતોષવા એ કોશિશો કરે છે. જે ધંધો કે વ્યવસાય એની જરૂરિયાત પૂરી પાડે છે, એના પ્રોબ્લેમ્સ સોલ્વ કરે છે, ત્યાં એ વારંવાર જાય છે, એની પાસેથી વારંવાર ખરીદી કરે છે. જે ધંધો આવા સંતુષ્ટ કસ્ટમરોની સંખ્યા વધારી શકે છે, એ ધંધો સફળ થાય છે. અને જે ધંધો કસ્ટમરોની જરૂરિયાતો પૂરી પાડવામાં નિષ્ફળ જાય છે, એ ધંધો આગળ નથી વધી શકતો.
માટે, નાના-મોટા કોઇ પણ ધંધાનું એક માત્ર પ્રયોજન હોવું જોઇએ: કસ્ટમરની જરૂરિયાતો પૂરી કરવાનો.</p><p>આપણને એમાંથી શું મળશે, એને બદલે આપણે એ ધ્યાન રાખવું જોઇએ, કે આપણા કસ્ટમરને એમાંથી શું મળશે? આ માટે આપણે ધંધાને આપણા સ્વકેન્દ્રી લાભના દ્રષ્ટિકોણથી નહીં, પરંતુ કસ્ટમરના દ્રષ્ટિકોણથી જોવું જરૂરી છે. આ જાગ્રતિ આપણા દરેક સ્ટાફ મેમ્બરમાં પણ આવે એ જરૂરી છે. કસ્ટમરના પ્રોબ્લેમ્સનું સોલ્યુશન કરી આપવા માટે આપણી ટીમનો દરેક જણ હંમેશાં તત્પર રહેવો જોઇએ.</p><p>ધંધાની સફળતા માટે આ ખાસ જરૂરી છે.</p>