કોઇ પણ ધંધામાં બે પ્રકારના હરીફો હોઈ શકે. એક, જે આપણાથી વધારે સફળ હોય. બીજા આપણા કરતાં ઓછા સફળ હોય.
આપણાથી વધારે સફળ હરીફો સાબિત કરે છે કે માર્કેટમાં જે કસ્ટમરો છે, તેમની જરુરિયાતોને તેમણે આપણાથી વધારે સારી રીતે સમજી છે, અને તેમણે એ જરુરિયાતોને સંતુષ્ટ પણ કરી છે. આ હરીફો આપણા ધંધામાં કયાં સુધારો કે ફેરફાર કરવાની જરૂર છે, એ આપણને શિખવાડી શકે છે.
બીજી બાજુ, જે હરીફો આપણી સરખામણીમાં પાછળ છે, તેમની પાસેથી આપણને એવા પગલાઓના ઉદાહરણો મળે છે, જે માર્કેટમાં નથી ચાલતા, નિષ્્ફળ જાય છે. આ હરીફો આપણે ધંધામાં શું ન કરવું જોઈએ એ આપણને શિખવાડે છે.
કમ્પીટીશનથી ડરવાને બદલે કે એના પર ગુસ્સો કરવાને બદલે દરેક હરીફ પાસેથી કશુંક શિખવાનું સલાહભર્યું છે. માર્કેટ એક ગતિશીલ જગ્યા છે. ત્યાં સતત ઘણું પરિવર્તન થતું રહે છે. આપણે સતત શીખતા રહીએ, સતત સુધારો કરતા રહીએ, તો અવિરત વિકાસના માર્ગ પર આગળ વધી શકીએ.