માર્કેંટિંગનો મતલબ છે કસ્ટમરની જરૂરિયાતો સંતોષવી અને એમાંથી નફો કમાવવો. સમયની સાથે કસ્ટમરની જીવનશૈલી બદલે છે. એની પસંદગીઓ બદલે છે. આને કારણે કસ્ટમરની જરૂરિયાતો પણ બદલતી રહે છે. સાથે સાથે ટેકનોલોજીમાં પણ પરિવર્તનો આવતાં રહે છે, આપણાં હરીફો પણ કંઇક નવું નવું માર્કેંટમાં લાવતા રહે છે. આ બધાંને કારણે કોઇ પણ કંપની કોઇ એક-બે પ્રોડક્ટના આધારે લાંબો સમય ટકી શકે નહીં. સમય જતાં એ પ્રોડક્ટ્સની ડીમાન્ડ સ્વાભાવિકપણે ઘટતી જ જશે. બીજું, એક પ્રકારના કસ્ટમરની જરૂરિયાતો સંતોષ્યા બાદ કંપની પોતાની જાતે પણ બીજા પ્રકારના કસ્ટમરોને પોતાની પ્રોડક્ટ ઓ કરવાનો વિચાર પણ કરે. આ બધાં કારણોસર એ જરૂરી છે કે કંપની સતત જૂની પ્રોડક્ટ્સ કે સર્વિસમાં સુધારા-વધારા-ફેરફાર કરતી રહે અને નવી નવી પ્રોડક્ટ-સર્વિસ ઉમેરતી રહે. આને માટે કંપનીમાં એક કાયમી વ્યવસ્થા હોવી જોઇએ કે જેનાથી સતત નવી પ્રોડક્ટ્સ કે સર્વિસ ઉમેરાવાનો પ્રવાહ ચાલુ રહે. ભલે કંપની પોતાની કોઇ જૂની પ્રોડક્ટમાં નવી રેન્જ ઉમેરતી હોય, કે કોઇ નવા કસ્ટમર ગ્રુપ માટે બિલકુલ નવી જ પ્રોડક્ટ ડેવલપ કરતી હોય – દરેક કિસ્સામાં કંપનીમાં નવી પ્રોડક્ટ ડેવલપમેન્ટની નિયત કરેલી પ્રક્રિયાનો અમલ થાય એ જરૂરી છે. નવી પ્રોડક્ટ ડેવલપ કરવાની પ્રક્રિયાના આઠ તબક્કા અહીં વર્ણવેલા છે.
તબક્કો-૧: નવા આઇડીયાનું સર્જન (Idea Generation)
- નવી પ્રોડક્ટના ડેવલપમેન્ટની પ્રક્રિયાનું પ્રથમ પગલું એટલે નવી પ્રોડક્ટ કેવી હોઇ શકે એના નવા નવા વિચારોનું સર્જન. નવી પ્રોડક્ટ કેવી હોઇ શકે એના નવા-નવા પ્રકારના આઇડીયાનો પ્રવાહ અવિરતપણે ચાલતો રહેવો જોઇએ.
- પ્રોડક્ટ માટે નવા નવા આઇડીયાઝ શોધવા માટે આપણી કંપનીમાં કોઇક પદ્ધતિસરની વ્યવસ્થા હોવી જોઇએ.
- પોતાની પ્રોડક્ટ કે સર્વિસ માટે નવા નવા આઇડીયા જ્યાંથી આવી શકે એવા દરેક સ્ત્રોત પર કંપનીએ સતત નજર રાખવી જોઇએ. આવા આઇડીયાઝના અમુક સંભવિત સ્ત્રોત આ મુજબ છે:
- કસ્ટમરો પાસેથી મળેલા ફીડબેક-પ્રતિક્રિયા, મંતવ્યો, સજેશનો-સૂચનો
- આપણા હરીફો દ્વારા માર્કેંટમાં રજૂ થતી પ્રોડક્ટ્સ
- આપણા ચેનલ પાર્ટનરો (ડીલર, હોલસેલર, ડિસ્ટ્રીબ્યુટર્સ) પાસેથી મળતા ફીડબેક કે સજેશનો
- આપણી ઇન્ડસ્ટ્રીના પ્રકાશનો, મેગેઝિનો, વેબ-સાઇટો વગેરે
- આપણાં સ્ટાફ મેમ્બરો
- આપણા સપ્લાયરો
- ઇન્ડસ્ટ્રીના ટ્રેડ-શો, એક્ઝીબીશનો, કોન્ફરન્સીસ વગેરે
- આપણી કંપની દ્વારા કરાયેલ માર્કેંટ રીસર્ચ
- આપણી ટીમમાં કરાયેલ બ્રેઇન-સ્ટોર્મીંગ દ્વારા નવા આઇડીયા સૂઝાડવાની કસરત
- ઉપરોક્ત લિસ્ટ ઉપરાંત પણ બીજા કોઇ સ્ત્રોતમાંથી આઇડીયા આવી શકે. આપણી કંપનીને યોગ્ય હોય એવા સ્ત્રોતની પસંદગી આપણે કરવી જોઇએ.
- આઇડીયા સર્જનનો તબક્કાનો મુખ્ય હેતુ મોટી સંખ્યામાં નવા નવા સંભવિત આઇડીયા ઊભરે એ હોય છે.
- નવી પ્રોડક્ટ્સ માટે જેની પર વિચારણા કરી શકાય એવા, વિભિન્ન સ્ત્રોતમાંથી ઉદભવતા આઇડીયાઝને એકઠા કરીને એક જગ્યાએ ભેગા કરવા માટે પદ્ધતિસરની ગોઠવણ આપની કંપનીમાં હોવી જોઇએ.
તબક્કો-૨: આઇડીયાની ચકાસણી (Idea Screening)
- દરેક વિચાર – આઇડીયાનો અમલ કરીને એને સંપૂર્ણ પ્રોડક્ટનું સ્વરૂપ આપવું શક્ય નથી હોતું.
- દરેક આઇડીયાની ચકાસણી કરવી, યોગ્ય મૂલવણી કરીને એની યોગ્યતા નક્કી કરવી જરૂરી છે.
- જે આઇડીયા નક્કર લાગતો હોય, એમાં કંઇક વજૂદ જણાતું હોય, એને વધારે તપાસ અને મૂલ્યાંકન માટે શોર્ટ-લિસ્ટ કરવામાં આવે છે અને અમલીકરણની પ્રાથમિક પરિક્ષામાંથી પાસ ન થઇ શકે એવા આઇડીયાઝને પડતા મૂકવામાં આવે છે.
- છવેટે, જે આઇડીયાઝ વ્યવહારુ જણાતા હોય, વાસ્તવિક અમલ કરી શકાય એવા હોય, એમને પસંદ કરવામાં આવે છે.
- જે આઇડીયાઝ અવાસ્તવિક લાગતા હોય, એવા આઇડીયાઝને તાત્કાલિક ધોરણે પડતા મૂકવા જોઇએ અને એમની પાછળ સમય-શક્તિનો બગાડ ન કરવો જોઇએ.
- આઇડીયા સ્ક્રીનીંગનો એક માત્ર હેતુ સંભવિત આઇડીયાઝની યાદીમાં માત્ર સોલીડ-નક્કર આઇડીયાઝ જ બચે એવું કરવાનો હોય છે.
તબક્કો-૩: પ્રોડક્ટની રૂપરેખાનો વિકાસ અને પરિક્ષણ (Concept Development and Testing)
- આ તબક્કો માત્ર નવી પ્રોડક્ટના ડેવલપમેન્ટને લાગુ પડે છે. જૂની પ્રોડક્ટ તો વિકસિત થઇ ચૂકી હોય છે, એટલે એની વ્યાવહારિકતા તો માર્કેંટમાં સાબિત થઇ ચૂકી હોય છે, પરંતુ જે પ્રોડક્ટ કસ્ટમરો સમક્ષ પહેલી વાર રજૂ થવાની હોય, એની સંકલ્પના કેટલી નક્કર છે, એનું પરિક્ષણ જરૂરી છે.
- વૈચારિક સ્તર પર કોઇ પ્રોડક્ટ સારી લાગતી હોય, પરંતુ એ વિચારને થોડો વાસ્તવિકતાના પથ પર આગળ વધારીને, એના પર થોડું મંથન કરીને એની રૂપરેખાને વધારે સ્પષ્ટ કરીને એને ટાર્ગેટ કસ્ટમરના અમુક નાનકડા વર્ગ સામે રજૂ કરીને એની નક્કરતાનું પરિક્ષણ કરવામાં આવે છે.
- આ તબક્કે આઇડીયાની રૂપરેખાને વિકસિત કરીને એ રીતે રજૂ કરવામાં આવે છે કે જેનાથી કસ્ટમર ગ્રુપ સમજી શકે કે પ્રોડક્ટમાં એના માટે શું સંભવિત છે.
- પ્રોડક્ટ કન્સેપ્ટ-સંકલ્પના એટલે કે કસ્ટમર સમજી શકે એવી ભાષામાં એ આઇડીયાની રૂપરેખાનું વિસતૃત વર્ણન.
- રુપરેખાના આ તબક્કે પ્રોડક્ટ ડેવલપમેન્ટ માટેની પાયાની દિશા અને આખી ડેવલપમેન્ટ પ્રક્રિયાના મુખ્ય પાસાંઓ નક્કી થાય છે. કયા પ્રકારની પ્રોડક્ટ છે, કસ્ટમરના કયા પ્રોબ્લેમ એ પ્રોડક્ટ સોલ્વ કરી શકશે, કંપનીને એનાથી પોતાના આર્થિક લક્ષ્યો સિદ્ધ કરવામાં શું મદદ થશે અને પ્રોડક્ટ રેન્જ અને હરીફાઇના સંદર્ભમાં આ પ્રોડક્ટ કંપનીની ટેકનિકલ શક્તિઓ કઇ રીતે વિસ્તારશે એ બધું સ્પષ્ટ થવા મંડે છે.
- આ તબક્કે એ પ્રોડક્ટની ડિમાન્ડનો અંદાજ પણ બાંધવામાં આવે છે.
તબક્કો-૪: માર્કેંટિંગ વ્યૂહનો વિકાસ (Marketing Strategy and Development)
- જૂની પ્રોડક્ટ રેન્જના વિસ્તાર તરીકે જો આ પ્રોડક્ટ ઉમેરાતી હોય, તો કંપનીની એ પ્રોડક્ટ રેન્જ માટેની વર્તમાન માર્કેંટિંગ સ્ટ્રટેજી આ નવી પ્રોડક્ટને પણ કદાચ નાના-મોટા સુધારા-વધારા સાથે લાગુ પાડી શકાય. આ તબક્કે નવી પ્રોડક્ટની કીમત નક્કી કરવામાં આવે છે.
- નવી પ્રોડક્ટ માટે એનું માર્કેંટિંગ મીક્ષ એટલે કે ૪-P (પ્રોડક્ટ, પ્રાઇસ, પ્લેસ અને પ્રમોશન), ટાર્ગેટ કસ્ટમર વર્ગ અને અપેક્ષિત પોઝીશનીંગ નક્કી કરવામાં આવે છે.
- આ તબક્કે પ્રોડક્ટનું વેચાણ આશરે કેટલું થશે અને એના પર પ્રોફીટ કેટલો થશે, એનો અંદાજ લગાડવામાં આવે છે.
તબક્કો-૫: બિઝનેસ એનાલીસીસ (Business Analysis)
- આ તબક્કો પણ નવી પ્રોડક્ટ્સને જ લાગુ પડે છે.
- કંપનીનો પ્રોડક્ટ આઇડીયા જબરદસ્ત લાગે છે. એની માર્કેંટિંગ સ્ટ્રેટેજીમાં સફળતા પણ શક્ય લાગે છે. પરંતુ, કંપનીના પ્રોડક્ટ લિસ્ટમાં આ પ્રોડક્ટ ઉમેરવું શું નાણાકીય રીતે અર્થપૂર્ણ છે ખરું?
- ધંધાકીય રીતે એ પ્રોડક્ટની દરખાસ્ત કેટલી વજૂદભરી છે, એની મૂલવણી આ તબક્કે થાય છે.
- પ્રોડક્ટની પ્રોડક્શન અને માર્કેંટિંગ કોસ્ટ કેટલી હશે અને કંપનીના કેશ-ફ્લો પર એની શું અસર થશે, એના પર અહીં ધ્યાન આપવામાં આવે છે.
- આ પ્રોડક્ટનો માર્કેંટમાં અંદાજીત હિસ્સો-માર્કેંટ શેર – કેટલો હોઇ શકે અને પ્રોડક્ટનું આયુષ્ય કેટલા વર્ષ હશે, એના વિશે આ તબક્કે વિચારણા કરવામાં આવે છે.
- આ તબક્કે એ પ્રયાસો કરાય છે, કે કોઇ પણ પ્રોડક્ટ માર્કેંટમાં મૂકવામાં આવે, તો એ સંતોષકારક માત્રામાં વેચાઇ શકે એવી હોવી જોઇએ અને કંપનીના ટર્નઓ-ટોપ લાઇન અને નફો – બોટમ લાઇનમાં મહત્ત્વનો ફાળો આપી શકે.
- ઘણીવાર પૂરતું ધ્યાન ન અપાવાને કારણે બિલકુલ ચાલે નહીં એવી મૃત:પ્રાય પ્રોડક્ટ્સ કંપનીના પોર્ટફોલીઓં દાખલ થઇ જાય છે અને એને કારણે બીજી પ્રોડક્ટ દ્વારા કમાયેલ નફો પણ ધોવાઇ જાય છે. આવી પ્રોડક્ટ્સ કંપનીની નાણાકીય સદ્ધરતા પર જબરદસ્ત હાનિકારક ફટકો મારે છે.
- કંપનીના ફાઇનાન્સીસ પર બોજ બને એવી પ્રોડક્ટ્સની સંખ્યા જેમ બને તેમ ઓ રહે એની તકેદારી રાખવી જોઇએ.
- વ્યાપારિક રીતે નફાકારક જણાતી હોય તેવી પ્રોડક્ટ્સને જ ડેવલપ કરવા માટેનું ગ્રીન સિગ્નલ આ તબક્કાથી આગળ જવા માટે આપવામાં આવે, એ જરૂરી છે.
તબક્કો-૬: પ્રોડક્ટ ડેવલપમેન્ટ (Product Development)
- નવી પ્રોડક્ટનું ડેવલપમેન્ટ અહીંથી નક્કર તબક્કામાં પ્રવેશ કરે છે.
- આ તબક્કે પ્રોડક્ટનું સેમ્પલ અથવા પ્રતિકૃતિ-નમૂનો બનાવવામાં આવે છે.
- સેમ્પલ કે પ્રતિકૃતિને ગંભીરતાથી ચકાસવામાં આવે છે. ટાર્ગેટ કસ્ટમરોના ગ્રુપમાંથી અમુક જણને પણ એ સેમ્પલ બતાવવામાં આવે છે, જેથી તેઓ પણ એ ચકાસણી કરી શકે અને કહી શકે કે એ પ્રોડક્ટ જેમ છે તેમ સ્વીકાર્ય છે, કે એમાં કંઇક ફેરફારો જરૂરી છે.
- જો પ્રોડક્ટમાં કંઇક ફેરફારો સૂચવવામાં આવે, તો ફરીથી નવું સેમ્પલ-નમૂનો બનાવવામાં આવે છે અને ફરીથી એની ચકાસણી કરવામાં આવે છે. જ્યાં સુધી ટાર્ગેટ કસ્ટમરની સ્વીકૃતિ ન મળે, ત્યાં સુધી આ પ્રક્રિયા ચાલ્યા કરે છે.
તબક્કો-૭: માર્કેંટિંગ પરિક્ષણ (Test Marketing)
- આ તબક્કો પણ નવી પ્રોડક્ટ્સને લાગુ પડે છે.
- પ્રોડક્ટ વાસ્તવિક માર્કેંટમાં કેવીક ચાલશે, એનું પરિક્ષણ કરવા માટે એને અમુક ચોક્કસ ભૌગોલિક વિસ્તારોની માર્કેંટમાં અથવા તો એક પ્રકારની ડિસ્ટ્રીબ્યુશન ચેનલમાં પ્રાયોગિક ધોરણે મૂકવામાં આવે છે.
- કંપનીની માર્કેંટિંગ સ્ટ્રેટેજીની અહીં ચકાસણી થાય છે અને એના પરિણામોની નોંધ કરવામાં આવે છે.
- આ પ્રારંભિક ચકાસણી બાદ જો જરૂર લાગે, તો બધા વિસ્તારોની માર્કેંટમાં ફાઇનલ રિલીઝ પહેલાં અમુક ફેરફારો કરવામાં આવે છે.
- આ તબક્કો શક્ય એટલો ટૂંકો હોવો જોઇએ, કેમ કે જો એમાં વધારે સમય લાગે, તો હરીફ કંપનીઓ આવું કંઇક ડેવલપમેન્ટ થઇ રહ્યું છે, એની ગંધ આવી જાય અને તેઓ પોતાની રીતે એના જેવી પ્રોડક્ટ માર્કેંટમાં લાવવાના ચક્રો ઝડપથી ગતિમાન કરે એવી શક્યતા રહે છે.
- જો ફાઇનલ પ્રોડક્ટ રિલીઝ કરતાં પહેલાં એમાં કંઇક ફેરફારો કરવાની જરૂર પડે, તો આ તબક્કાના પ્રાયોગિક પગલાંઓ કારણે રિલીઝ પહેલાંનો સંપૂર્ણ માર્કેંટિંગ પાછળનો મોટો ખર્ચો બચી જાય છે.
- આ ટ્રાયલને કારણે માર્કેંટિંગની મોટી, ખર્ચાળ ભૂલો પાછળ પૈસા બરબાદ થવાનો ખતરો ઓે થઇ જાય છે.
તબક્કો-૮: વ્યાપારિકરણ (Commercialization)
- પ્રાયોગિક માર્કેંટિંગ જો સફળ થાય, તો પ્રોડક્ટના સર્વાંગી માર્કેંટિંગની તૈયારીઓ શરૂ કરવામાં આવે છે.
- પ્રોડક્ટ રિલીઝ કરવાનું ટાઇમ ટેબલ, એની પદ્ધતિ અને તબક્કાઓ અહીં નક્કી કરવામાં આવે છે.
- પ્રોડક્ટને માર્કેંટમાં ધારી સફળતા મળે અને એમાંથી મહત્તમ વળતર મળે, એ માટે આ તબક્કાનો અમલ ખૂબ જ ધ્યાનપૂર્વક કરવો જોઇએ.
- કંપનીની અને બ્રાન્ડની માર્કેંટમાં જે છાપ છે એને અનુરૂપ હોય એ રીતે નવી પ્રોડક્ટનું લોંચીંગ થવું જોઇએ. પ્રોડક્ટની રિલીઝ બ્રાન્ડના મોભાને છાજે તેવી હોવી જોઇએ.
- પ્રોડક્ટ રિલીઝ થવાની સાથે જ, કંપનીની જેટલી ડિસ્ટ્રીબ્યુશન ચેનલો હોય, એ દરેક સુધી નવી પ્રોડક્ટ સમયસર પહોંચી જાય, એની તકેદારી કંપનીએ લેવી જોઇએ.
સારાંશ
- નવી પ્રોડક્ટના ડેવલપમેન્ટ માટેના ઉપરોક્ત તબક્કાઓ માત્ર સૈદ્ધાંતિક નથી, પરંતુ એમનો વ્યાવહારિક રીતે અમલ થવો જોઇએ કે જેથી સમય, શક્તિ અને સાધનોનો બિનજરૂરી વ્યય બચી શકે.
- માર્કેંટમાં નિષ્ફળ જતી પ્રોડક્ટ્સમાં પૈસાનો ખૂબ વ્યય થાય છે. નવી પ્રોડક્ટ ડેવલપમેન્ટની પ્રક્રિયાના ઉપરોક્ત તબક્કાઓે જો વ્યવસ્થિત રીતે અમલ કરવામાં આવે, તો આમાંથી ઘણો વ્યય બચી શકે.
- દરેક કંપનીમાં કોઇ પણ સમયે અનેક પ્રોડક્ટ્સનું ડેવલપમેન્ટ એક સાથે ચાલતું હોઇ શકે. આ દરેક પ્રોડક્ટ, ડેવલપમેન્ટના ઉપરોક્ત તબક્કાઓંથી અલગ અલગ તબક્કાઓં હોય, એવું બની શકે.
- માલિકોએ કંપનીમાં નવી પ્રોડક્ટ્સના ડેવલપમેન્ટના જે વિભિન્ન પ્રોજેક્ટ્સ ચાલી રહ્યા હોય, તેમનું નિયમિતપણે સમીક્ષા-રીવ્યૂ કરતાં રહેવું જોઇએ.
(તમારા ધંધાના વિકાસ માટે એક્ષ્પર્ટ માર્ગદર્શન તમે જ્યાં હો ત્યાં, તમને જોઇએ ત્યારે..
આના પછી શું વાંચશો?
પૂર્વ લેખ:
ડિજિટલ માર્કેંટિંગ માટે ટીપ્સ