માર્કેંટિંગ વિશેની સૌથી મોટી ગેરસમજ
બિઝનેસમાં માર્કેંટિંગ શબ્દ વિશે ઘણી ગેરસમજ પ્રવર્તે છે. ખાસ કરીને જાહેરાતો, પબ્લિસિટી અને સેલ્સ (વેચાણ) ની ટેકનિક્સ કે નુસખાંઓને જ માર્કેંટિંગ માનવામાં આવે છે. એવું મનાય છે, કે પ્રોડક્ટ કે સર્વિસ તૈયાર થઇ ગયા બાદ એને વેચીને ડિલિવરી કરવાનો સમય આવે, ત્યારે જ માર્કેંટિંગની શરૂઆત થાય. આ માન્યતા જ માર્કેંટિંગ અંગેની ગેરસમજને માટે જવાબદાર છે.
જાહેરાતો, પબ્લીસીટી અને સેલ્સનાં નુસખાંઓ એ બધુંય માર્કેંટિંગનો ભાગ છે, પરંતુ માર્કેંટિંગ આ બધાંથી વિશેષ કંઇક વધારે છે. માર્કેંટિંગની શરૂઆત ઘણી પહેલેથી થઇ જાય છે.
સફળ અને અસરકારક માર્કેંટિંગ માટે માર્કેંટિંગની પ્રવૃત્તિનો વ્યાપ સમજવો ખૂબ જરૂરી છે. કોઇ પણ પ્રોડક્ટ કે સર્વિસના અસરકારક માર્કેંટિંગ માટેના પ્રયત્નો અને પ્રવૃત્તિઓમાં નીચેની બાબતોને કેન્દ્રમાં રાખવી જરૂરી છે:
- કઇ ટાઇપના કસ્ટમરો આપણા ટાર્ગેટ કસ્ટમરો છે, એ વિશે કંપનીમાં ક્લીયર સમજ ડેવલપ કરવી.
- આપણા ટાર્ગેટ કસ્ટમરને જેની જરૂર હોય અથવા તો એને ઉપયોગી થઇ શકે એવી પ્રોડક્ટ કે સર્વિસને ડીઝાઇન કરી, ડેવલપ કરીને એનું પ્રોડકશન કરવું.
- આપણી પ્રોડક્ટ કે સર્વિસના ફાયદાઓ વિશે ટાર્ગેટ કસ્ટમરને યોગ્ય માધ્યમે જાણ કરવી. રેગ્યુલર માર્કેંટિંગ કોમ્યુનિકેશન દ્વારા કસ્ટમરના મનમાં એક આગવી જગ્યા, એક ખાસ સ્થાન ગ્રહણ કરવું.
- આપણા કસ્ટમર સુધી એ પ્રોડક્ટ કે સર્વિસ પહોંચે અને તેમને એનાથી અપેક્ષિત લાભ મળે, એવી વ્યવસ્થા કરવી.
- આ બધું કરીને અંતે આપણી કંપનીને એનાથી નફો થાય એ જોવું.
માર્કેંટિંગ આ બધું જ છે.
આપણા કસ્ટમરની જરૂરિયાતોને સંતોષીને એમાંથી પ્રોફીટ કમાવવો એ જ માર્કેંટિંગની તમામ પ્રવૃત્તિઓનું પ્રયોજન હોવું જોઇએ. માર્કેંટિંગ કોઇ એકાદ છૂટી-છવાઇ પ્રવૃત્તિ નથી. આપણા બિઝનેસની તમામ પ્રવૃત્તિઓમાં માર્કેંટિંગ વણાઇ જવું જોઇએ. આવું કરવા માટે આપણા બિઝનેસમાં ચાલતી દરેક પ્રવૃત્તિ એવી રીતે થવી જોઇએ કે જેનાથી કસ્ટમરને આપણી કંપની સાથે સારો અને સંતોષકારક અનુભવ થાય. જો આ કોશિશ દરેક લેવલની પ્રવૃત્તિમાં કરવામાં આવે, તો એ નાનું-મોટું દરેક કામ કંપનીને પ્રોફીટ અને સફળતા પામવામાં પોતાનો ફાળો ચોક્કસ આપશે. અત્રે અમુક ઉદાહરણો પ્રસ્તુત છે:
- આપણી પ્રોડક્ટ કે સર્વિસની ક્વોલિટી, કસ્ટમરની અપેક્ષાની સરખામણીમાં એનું પરફોર્મન્સ, એની કીમત અને માર્કેંટમાં એ ક્યાં ઉપલબ્ધ છે, આ બધુંય આપણા માર્કેંટિંગના પ્રયત્નોને અસર કરે છે.
- જ્યારે આપણા બિઝનેસના કોઇપણ ડીપાર્ટમેન્ટ, જ્ગ્યા કે વ્યક્તિ સાથે કસ્ટમર સંપર્કમાં આવે છે, ત્યારે કસ્ટમરને કેવો અનુભવ થાય છે, એ માર્કેંટિંગમાં ધ્યાન આપવાનો વિષય છે.
- આપણો સ્ટાફ આપણા કસ્ટમર સાથે કેવી રીતે વર્તે છે, એનાથી પણ આપણા માર્કેંટિંગને અસર થાય છે.
- આપણી કંપનીની ટેલિફોન ઓપરેટર, આપણા સેલ્સમેન કે આપણા કસ્ટમર સપોર્ટ સ્ટાફ મેમ્બરોનાં અવાજ અને એમના ટોન તથા એમની વાત કરવાની સ્ટાઇલ આપણા માર્કેંટિંગને અસર કરે છે.
- કસ્ટમરને આફટર-સેલ્સ સર્વિસ આપવા અંગેની આપણી કંપનીની પોલીસી અને એનો અમલ કરવાની આપણી પદ્ધતિ માર્કેંટિંગ પર અસર કરે છે.
- આપણો સ્ટોર કે બિઝનેસના અન્ય ભાગો કે જ્યાં કસ્મટર આવતો-જતો હોય, એ દરેક જગ્યાની ડીઝાઇન, એનો દેખાવ, એનો નકશો માર્કેંટિંગ પર અસર કરે છે.
- આપણી વેબ-સાઇટની ડીઝાઇન અને એ વાપરતી વખતે કસ્ટમરને થતો અનુભવ, એ માર્કેંટિંગમાં ધ્યાનમાં રાખવાની બાબત છે.
- આપણા કસ્ટમર સુધી જે પેકેજીંગ કે સ્ટેશનરી પહોંચે છે, એનાથી આપણા માર્કેંટિંગને અસર થાય છે. આપણા બીલની ડીઝાઇન અને એનું ફોર્મેટ પણ માર્કેંટિંગને અસર કરે છે.
જ્યારે જ્યારે આપણો કસ્ટમર આપણા બિઝનેસના કોઇ પણ ભાગ સાથે સંપર્કમાં આવે, ત્યારે એ દરેક પ્રસંગે એને સારો અને સકારાત્મક અનુભવ થાય, તો જ એની જરૂરિયાતો સંતોષકારક રીતે પૂરી થઇ ગણી શકાય અને તો જ માર્કેંટિંગ સફળ થયું એમ કહી શકાય. એટલે, માત્ર માર્કેંટિંગ ડીપાર્ટમેન્ટ જ નહીં, પરંતુ કસ્ટમરના સીધા કે આડકતરા સંપર્કમાં આવતી, એના આપણી કંપની સાથેના અનુભવને અસર કરતી આપણી કંપનીની દરેક વ્યક્તિ કે દરેક ડીપાર્ટમેન્ટ જાણતાં કે અજાણતાં માર્કેંટિંગમાં સામેલ છે.
(તમારા ધંધાના વિકાસ માટે એક્ષ્પર્ટ માર્ગદર્શન તમે જ્યાં હો ત્યાં, તમને જોઇએ ત્યારે..
ગુજરાતી બિઝનેસ ગાઇડ. https://goo.gl/3iagNA)