કોઇ પ્રોડક્ટ કે સર્વિસ પહેલી વાર માર્કેંટમાં પ્રવેશે ત્યારે શરૂઆતમાં બ્રાન્ડ એટલે એક પ્રોડક્ટ કે સર્વિસની આગવી છાપ ઊભી કરવા માટે, એને અન્યોથી જૂદી પાડનાર પરિબળોેના આધારે જે રજૂ થાય છે, એ સંકલિત રજૂઆત એટલે એક બ્રાન્ડ.
કોઇ ચોક્કસ નામ, લોગો, ડીઝાઇન, વિવિધ પ્રકારના ચિહ્નો, સંકેતો, આકૃતિઓ, શબ્દો, સૂત્રો અથવા તો આ બધાય પરિબળોના અલગ અલગ પ્રકારના સંકલન દ્વારા થતી એકસૂત્રી રજૂઆત કે જેનાથી કોઇ પ્રોડક્ટ કે સેવાની ચોક્કસ છાપ ગ્રાહકના મનમાં ઊભી થઈ શકે અને બીજી હરીફ બ્રાન્ડ્સની સરખામણીમાં આ બ્રાન્ડ અલગ રીતે ઉપસી આવે એ આ વિવિધ પ્રકારની રજૂઆતનો આશય હોય છે. ધીરે ધીરે આ છાપ ગ્રાહકના મનમાં કાયમી ધોરણે અંકિત થઈ જાય છે. સમય જતાં અમુક પ્રકારની ક્વોલિટી, વિશ્ર્વસનીયતા અને સંતોષ એ બ્રાન્ડ સાથે જોડાઇને ગ્રાહકના મનમાં કાયમી સ્થાન ગ્રહણ કરે છે.
બ્રાન્ડની એક આગવી ઓળખ ઊભી કરવી અને યોગ્ય અભિવ્યક્તિ દ્વારા એની રજૂઆત કરવી એ પ્રક્રિયા એટલે બ્રાન્ડીંગ.
કોઇ પણ ગ્રાહક જેટલી બ્રાન્ડ્સના સંપર્કમાં આવે છે, એ દરેક બ્રાન્ડ વિશે એના મનમાં એક ચોક્કસ અભિપ્રાય હોય છે. આ અભિપ્રાય સારો અથવા ખરાબ હોઈ શકે છે. દરેક બ્રાન્ડ વિશે ગ્રાહકના મનમાં અમુક પ્રકારની લાગણીઓ પ્રતિભાવ થતો હોય છે. ગ્રાહકને અમુક બ્રાન્ડ પ્રત્યે લગાવ હોય છે, અમુક પ્રત્યે આદરભાવ હોય છે, તો અમુક બ્રાન્ડ્સ પ્રત્યે ધિક્કાર હોય છે. બીજી અમુક બ્રાન્ડ વિશે એ બેદરકાર હોય છે. એ બ્રાન્ડ્સ વિશે એને બહુ પડી નથી હોતી. કોઇ પણ પ્રોડક્ટ કે સેવાની બ્રાન્ડનું નામ આવતાં જ ગ્રાહકના મનમાં એ ચોક્કસ લાગણીનો પ્રતિભાવ ઊભો થાય છે. બ્રાન્ડનો એ ગ્રાહક સાથે જેવો સંબંધ સ્થાપિત થયો હોય, એના પર આ પ્રતિભાવનો આધાર હોય છે.
અમુક બાબતોમાં બ્રાન્ડ એક વ્યક્તિની જેમ હોય છે. કોઇ વ્યક્તિ જ્યારે જન્મે છે, ત્યારે એને એક શરીર, એક નામ, એક આકાર, એક કદ અને એક રંગ મળે છે. આ બધું ઉપરછલ્લું મહત્તવ ધરાવે છે. શરૂઆતમાં એ વ્યક્તિ માત્ર અનેક આશાઓ, સપનાંઓ અને આકાંક્ષાઓની પરિપૂર્તિના વાયદાથી વિશેષ કંઇ નથી હોતી. આ બધી સંભાવનાઓ હોય છે. ધીરે ધીરે એ વ્યકિતનાં લક્ષણો છતાં થાય છે. સમય જતાં એના આગમન વખતે એણે સર્જેલાં અરમાનો, સપનાંઓ કે આકાંક્ષાઓમાંથી કેટલું સાકાર થયું એના પરથી બહારના જગતમાં એ વ્યક્તિની છબી ઊભી થાય છે. વ્યક્તિ પોતાના જીવનમાં જે કાર્યો કરે છે, જે પરિણામો હાંસલ કરે છે, એનાથી જ એની સાચી ઓળખ ઊભી થાય છે.
એ જ રીતે જ્યારે કોઇ એક નવી બ્રાન્ડ માર્કેંટમાં રજૂ થાય છે, ત્યારે ગ્રાહકના મનમાં અમુક આશાઓ બંધાય છે, અમુક સપનાંઓ જાગે છે. જો ગ્રાહકોને બતાવેલા સપનાંઓ બ્રાન્ડ સાકાર કરી બતાવે, વારંવાર એમની આશાઓને સંતોષી શકે, તો ગ્રાહકોના મનપ્રદેશમાં એ બ્રાન્ડની કાયમી સારી છબી અંકિત થઈ જાય છે. એનાથી વિપરીત, જો પોતે ઊભી કરેલી અપેક્ષાઓ સંતોષવામાં એ બ્રાન્ડ નિષ્ફળ જાય, તો ગ્રાહકો એને ધીરે ધીરે એને ભૂલી જાય અને બ્રાન્ડ અજાણ્યા અંધકારમાં વિલીન થઇને ખોવાઈ જાય છે.
બ્રાન્ડ એ માત્ર આપણી પ્રોડક્ટના પેકેજીંગ પર, આપણી વેબ-સાઇટ કે આપણા સાઇનબોર્ડ પરની રંગીન આકૃતિ નથી. એ બધા ઉપરાંત, બ્રાન્ડ આપણા ગ્રાહકના મનમાં આપણી પ્રોડક્ટ કે સર્વિસ વિશેની એક છાપ છે.
દરેક બ્રાન્ડ એક પ્રોમિસ હોય છે, એક વચન હોય છે. દરેક પ્રોમિસ અલગ હોય છે, પોતાની રીતે આગવી અને અનોખી હોય છે. જે બ્રાન્ડ પોતે ઊભી કરેલી અમુક પ્રોમિસ નિભાવી શકે છે, એમાં એ ખરી ઊતરે છે, એના ગ્રાહકો એના પર ભરપૂર વિશ્ર્વાસ કરે છે. બીજી અમુક પ્રોમિસ ખાલીખમ વાયદાઓ જ હોય છે. એના બધા વાયદાઓ વાસ્તવિકતાની કસોટીમાંથી પસાર નથી થઇ શકતા. આવી બ્રાન્ડ્સનો કોઇ ભાવ નથી પૂછતું. ગ્રાહકોને ખોટા વાયદા આપીને, એમને ખાલી સપનાં દેખાડીને, એમને છેતરીને કોઇ બ્રાન્ડ મજબૂત નથી બની શકતી.
(તમારા ધંધાના વિકાસ માટે એક્ષ્પર્ટ માર્ગદર્શન તમે જ્યાં હો ત્યાં, તમને જોઇએ ત્યારે..
ગુજરાતી બિઝનેસ ગાઇડ. https://goo.gl/3iagNA)
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
બ્રાન્ડીંગ શા માટે જરૂરી છે?
પૂર્વ લેખ:
સેલ્સ ટીમની સાઇઝ કેવી રીતે નક્કી કરવી?