ઘણી કંપનીઓ બ્રાન્ડને માર્કેંટમાં સ્થાપિત કરવા માટે જાહેરાતો, ઇવેન્ટ્સ, માર્કેંટિંગ પ્રચાર અને બીજી પ્રમોશનલ પ્રવૃત્તિઓ પાછળ ખૂબ પૈસા વાપરે છે. આ બધી કોશિશોથી માર્કેંટમાં બ્રાન્ડનો ખૂબ જ શોરબકોર સંભળાય છે. બ્રાન્ડ નવી હોય, તો પ્રચારના આ શોરબકોરથી માકેર્ટમાં કસ્ટમરોને બ્રાન્ડ વિશે જાણ થાય છે. પરંતુ બ્રાન્ડની ચોક્કસ પર્સનાલિટી વિશે કસ્ટમરોને કોઇ ખબર પડતી નથી. જો બ્રાન્ડ પહેલેથી માર્કેંટમાં હાજર હોય, તો આવા શોરબકોરથી લોકોના મનમાં બ્રાન્ડ વિશેનો જે અભિપ્રાય છે, એમાં કોઇ ફરક પડતો નથી. માર્કેંટિંગના ઘોંઘાટિયા પ્રચારથી કસ્ટમરોના વર્ગમાં બ્રાન્ડની છબીમાં કોઇ જ પરિવર્તન આવતું નથી. આને એક ઉદારણથી સમજીએ:
ધારો કે કોઇ એક વ્યક્તિના ચરિત્ર પર કંઇક લાંછન લાગી હોય, એ કોઇક રીતે બદનામ થયેલી હોય અને એ દાગને દૂર કરવા, પોતાની છબીને સાફ કરવા જો એ છાપામાં આખા પાનાંની મોટી મોટી જાહેરાતો આપે અને એના દ્વારા એ મેસેજ આપવાની કોશિશ કરે કે પોતાનું વ્યક્તિત્વ બેદાગ છે, સાફ છે, તો એની આ સફાઇ મારફતે એની ખરડાયેલી છબી પાછી દુરસ્ત થઈ શકે ખરી? લોકોના મનમાં પોતાની છબી ખરેખર સુધારવી હોય, તો તેણે પોતાના વર્તનમાં, ચાલ-ચલગતમાં અમુક પાયાના ફેરફારો કરવા પડે. જો ચરિત્ર સુધારના એના દાવા સાથે એના વર્તનમાં કોઇ હકારાત્મક સુધારો ન થાય, તો એની છબી સુધરવાનો કોઇ ચાન્સ નથી. માત્ર બ્રાન્ડના ગુણગાન ગાવા માટે, એના પ્રચાર માટે જ પૈસા ખર્ચવા પૂરતા નથી. બ્રાન્ડે કસ્ટમરોને જે પ્રોમિસ કરી છે, એ અનુસાર બ્રાન્ડ પરિણામો રજૂ કરી શકે, એ પ્રોમિસના પાલનની સાબિતી રજૂ કરી શકે એ માટે યોગ્ય વ્યવસ્થા કરવા માટે પણ પૈસા ખર્ચ થવા જોઇએ. આપણા કસ્ટમરના મનમાં બ્રાન્ડ વિશે જે અપેક્ષાઓ ઊભી થઇ છે, તેમને એવો જ અનુભવ બ્રાન્ડ દ્વારા થાય એ માટે પણ પૈસા ખર્ચાય, તો એ જરૂરથી મજબૂત બ્રાન્ડ બિલ્ડીંગમાં મદદરૂપ થઇ શકે.