ઘણી કંપનીઓ કોઇ પ્રખ્યાત બ્રાન્ડની પ્રોડક્ટ્સ, નામ, લોગો કે પેકેજીંગની નકલ કરીને એકદમ એના જેવી જ પોતાની પ્રોડક્ટ, નામ, લોગો કે પેકેજીંગ બનાવે છે. એ બ્રાન્ડની ખ્યાતિનો લાભ આપણી બ્રાન્ડને પણ મળશે અને આપણી બ્રાન્ડની નૈયા પણ એ અસલી બ્રાન્ડના નામે તરી જશે, એવી એમની માન્યતા હોય છે. કોઇ પણ બ્રાન્ડની કોપી કરવી એ આત્મઘાતી પરિણામોને આમંત્રણ આપવા જેવું છે. કોઇ વિખ્યાત ફિલ્મ સ્ટારના ડુપ્લીકેટની શું ઇજ્જત હોય છે? ફિલ્મમાં જ્યાં માર ખાવાની હોય, કોઇ સ્ટંટ કરવાનો હોય કે કોઇ જોખમભર્યું દ્રશ્ય ઝડપવાનું હોય, ત્યારે આવા લોકોને બોલાવવામાં આવે છે. એના બદલામાં અસલી સ્ટારની સરખામણીમાં નજીવી ફી તેમને ચૂકવવામાં આવે છે. ફિલ્મોમાં કે માર્કેંટમાં, કોઇની નકલ કરનારની, ડુપ્લીકેટની કોઇ કીમત હોતી નથી, એમની કોઇ ઇજ્જત પણ હોતી નથી. બીજું, કોઇની કોપી કરીને આપણે આપોઆપ જાણતાં કે અજાણતાં એ સ્વીકારી લઇએ છીએ, કે એ બ્રાન્ડની સરખામણીમાં આપણે ઉતરતી કક્ષાના છીએ. આપણે સેકન્ડ ક્લાસ છીએ. આને કારણે કસ્ટમરના મનમાં આપણા વિશે એક હલકા, હીન પ્રકારની છાપ ઊભી થાય છે અને એ છાપ કાયમ માટે રહે છે. ઓજિનલને જેટલું માન મળે છે, એટલું માન, એટલી ઇજ્જત ડુપ્લીકેટને કદી મળી શકતાં નથી. યાદ રાખો:
- આપણી કાર પર મર્સિડીઝનો લોગો ચિપકાવી દેવાથી એ ગાડી મર્સિડીઝ નથી બની જતી.
- આપણા દીકરાનું નામ સચિન પાડી દેવાથી એ સચિન તેંડુલકર જેવો પ્રતિભાશાળી બની નથી જતો.
- કોઇ ફિલ્મ સ્ટાર જેવું ટી-શર્ટ પહેરવાથી કે એના જેવી હેરસ્ટાઇલ રાખવાથી આપણે સ્ટાર નથી બની જતા.
એ જ રીતે કોઇ પ્રખ્યાત બ્રાન્ડના નામ, લોગો કે પેકેજીંગની નકલ કરવાથી આપણી બ્રાન્ડ આપોઆપ એના જેવી પ્રખ્યાત બની જતી નથી. હા, એ નકલ કરવાથી પ્રારંભમાં આપણે થોડા સમય માટે લોકોનું ધ્યાન આકર્ષી શકીએ ખરા, પરંતુ આગળ જતાં એ જ ધ્યાન આપણી બ્રાન્ડ પ્રત્યેના તિરસ્કારમાં પલટાઇ જાય છે. આપણી બ્રાન્ડ એમની નજરોમાં નીચી ઉતરી જાય છે. નકલખોરને કોઇ ઇજ્જ્ત મળતી નથી. સચિન તેંડુલકર પોતાની અનેક વર્ષોની ક્રિકેટ કારકીર્દિમાં સતત સારી રમતનું પ્રદર્શન કરીને સફળ થઇ શકેલા. આ રાતોરાત નથી થયું. એનું નામ ધારણ કરવાથી આપણી અંદર સચિનની સફળતાના ગુણો આપોઆપ પ્રસ્થાપિત નથી થઇ જતા. એ જ રીતે માર્કેંટમાં નામ કમાવવા માટે, એક મજબૂત બ્રાન્ડ તરીકેની શાખ ઊભી કરવા માટે કોઇ પણ બ્રાન્ડે સતત સારો દેખાવ કરવો પડે છે, ત્યારે એ નામ બને છે. એક મજબૂત બ્રાન્ડના બાહ્ય દેખાવની બાબતોની કોપી કરવાથી આપણી બ્રાન્ડ પણ એના જેવી જ સફળ થઇ જશે, એવું માનવાની ભૂલ આપણે ન કરવી જોઇએ. કોઇ બીજી બ્રાન્ડના નામ પર ચરી ખાવાની આછકલાઇથી આપણી બ્રાન્ડ મજબૂત બની શકે નહીં. આપણી બ્રાન્ડે પોતાની ઇજ્જ્ત જાતે કમાવી જોઇએ. કસ્ટમરોના દિલો-દિમાગ પર પોતાની એક અવિસ્મરણીય છાપ પોતે અંકિત કરવી જોઇએ. કોઇની નકલ કરીને એ છાપ અંકિત કરી શકાય નહીં. કોપી કરીને બ્રાન્ડ બિલ્ડીંગ કરવાનો કોઇ શોર્ટકટ નથી હોતો.