આ માન્યતાના પાયામાં એ ગેરસમજ છે કે બ્રાન્ડનો માત્ર જો દેખાવ અસરકારક હશે,તો આપોઆપ બ્રાન્ડ પ્રખ્યાત થઇ જશે. એટલે, બ્રાન્ડની ભવ્ય ઇમેજ ઊભી કરવા માટે એના નામ,લોગો, ડિઝાઇન, પેકેજીંગ વગેરે દેખીતી અને ઉપરછલ્લી બાબતો ઉપર, એના બાહ્ય દેખાવ પર ખૂબ ધ્યાન આપવામાં આવે. અલબત્ત, બ્રાન્ડનો દેખાવ અસરકારક હોવો જોઇએ, પરંતુ આપણે જો માત્ર જબરદસ્ત નામ, લોગો, પેકેજીંગ કે એવી બીજી બાહ્ય વસ્તુઓ પર ધ્યાન આપીએ અને એને જ આપણી બ્રાન્ડના પ્રચારનું કેન્દ્ર બનાવીને અસરકારક બાહ્ય દેખાવની રજૂઆતથી જ બ્રાન્ડને પ્રચલિત કરવાની કોશિશ કરીએ, તો એ ભૂલ ભરેલું સાબિત થઇ શકે છે. બ્રાન્ડનો બાહ્ય દેખાવ એ એક માણસ માટે એના કપડાં જેવો રોલ ભજવે છે. હા, વ્યક્તિના વ્યક્તિત્વની રજૂઆતમાં કપડાં મહત્ત્વનો ભાગ ભજવે છે ખરા, પરંતુ માત્ર કપડાંને આધારે જ એનું વ્યક્તિત્વ અસરકારક સાબિત થઇ શકે ખરું? એનું ચારિત્ર્ય, એનો સ્વભાવ, એનો વ્યવહાર પણ એ કપડાંને મેચ થવા જ જોઇએ ને? બ્રાન્ડનું પણ એવું જ છે. બ્રાન્ડનાં નામ, લોગો, પેકેજીંગ વગેરે દેખીતા પરિબળો એની અસલી પર્સનાલિટીને અનુરૂપ હોવાં જોઇએ, પરંતુ માત્ર તેઓ એકલાં બ્રાન્ડની અસરકારકતા સ્થાપિત કરી શકે નહીં. બ્રાન્ડની અંદર, એના વ્યક્તિત્વમાં પણ વજૂદ હોવું જ જોઇએ, એનાં લક્ષણો અને એનું વર્તન પણ એની ઇમેજને અનુરૂપ હોવાં જ જોઇએ. આપણને એવી અનેક બ્રાન્ડ્સ જોવા મળે છે, જેમનાં નામ, લોગો, પેકેજીંગ બધુંય ટોપ ક્લાસ હોય છે, પરંતુ એનાં લક્ષણો, એનું વાસ્તવિક પરફોર્મન્સ સાવ ઢીલું ઢફ હોય છે, કસ્ટમરની અપેક્ષાઓ સામે ઉણું ઉતરતું હોય છે. નામ પ્રમાણેના ગુણ ન હોવાથી કસ્ટમરોને આવી બ્રાન્ડની બાહ્ય પોકળતાની ખબર પડી જાય છે. માર્કેંટમાં એમનું નામ ખરાબ થઇ જાય છે. આવી બ્રાન્ડની કોઇ લાંબા સમયની વેલ્યુ ઊભી થઇ શકતી નથી.