૧. બ્રાન્ડ પ્રોમિસ (કસ્ટમરના મનમાં બ્રાન્ડ પ્રત્યેનો વિશ્વાસ)
એકદમ પાયાના લેવલ પર જોઈએ, તો બ્રાન્ડ એટલે કસ્ટમરને અપાતી એક પ્રોમિસ – એક વચન – એક વાયદો. પોતે એક બ્રાન્ડ ખરીદે છે, ત્યારે કસ્ટમરને એક આશા હોય છે, કે એમાંથી તેને કંઇક ચોક્કસ, કંઇક નક્કર ફાયદો કે લાભ પ્રાપ્ત થશે. બ્રાન્ડના કોમ્યુનિકેશન દ્વારા કસ્ટમરના મનમાં આ પ્રોમિસની અનેરી આશા આડકતરી રીતે ઊભી થાય છે. કસ્ટમરના મનમાં બ્રાન્ડ અમુક સપનાંઓ સર્જે છે. આ પ્રોમિસ માત્ર ભૌતિક બાબતો કે દેખીતા ફાયદાઓ પૂરતી જ મર્યાદિત નથી હોતી. કોઇ બ્રાન્ડની પ્રોડક્ટ કે સર્વિસ ખરીદતી વખતે કે એનો ઉપયોગ કરતી વખતે કસ્ટમરને જે લાગણીઓનો અનુભવ થાય છે, એ પણ આ પ્રોમિસનો ભાગ હોય છે. પોતાની પાસે કોઇ મોંઘો મોબાઇલ ફોન હોય, તો એની માલિકી ધરાવવામાં કસ્ટમરને જે સ્ટેટસ-મોભા કે ગૌરવનો અનુભવ થાય, એ બ્રાન્ડની ઇમોશનલ પ્રોમિસનું એક ઉદાહરણ છે.
બીજું ઉદાહરણ: ગોરા દેખાવા માટેની ફેરનેસ ક્રીમ ખરીદનાર છોકરી માત્ર કોઇ ક્રીમ નથી ખરીદતી. આ ક્રીમ વાપરીને પોતે ખૂબ સુંદર લાગશે, એવું સપનું પણ એ ક્રીમની સાથે ખરીદતી હોય છે. આત્મવિશ્ર્વાસની પ્રાપ્તિ પણ એની ખરીદી પાછળનું એક કારણ હોય છે. સુંદરતા, આકર્ષકતા અને આત્મવિશ્ર્વાસ એ મોટા ભાગની પર્સનલ કેર (વ્યકિતગત સંભાળ) માટેની બ્રાન્ડ્સની કસ્ટમરોને અપાતી અશાબ્દિક પ્રોમિસ હોય છે. બધી બ્રાન્ડ્સ આવું બધું સીધી કે આડકતરી રીતે પ્રોમિસ કરતી જ હોય છે.
ઘણી વાર આપણી બ્રાન્ડથી કસ્ટમરને કઇ પ્રોમિસનો અનુભવ થાય છે, એ એમની પાસેથી જ આપણને જાણવા મળી શકે છે. એક નવી પરણેલી ગૃહિણી વોટર પ્યોરિફાયર ખરીદવા ગઇ. તેણે બે બ્રાન્ડ્સના એકદમ સરખા ફીચર્સવાળા વિકલ્પોમાંથી એક ચોક્કસ બ્રાન્ડને પસંદ કરી. કારણ? એની મમ્મીને ત્યાં દસેક વર્ષો દરમિયાન એ બન્ને બ્રાન્ડ્સના બે વોટર પ્યોરિફાયર્સ વારાફરતી આવેલા. એનો અનુભવ એવો હતો કે બીજી બ્રાન્ડમાં રીપેરીંગનો ખર્ચ ઘણો વધારે આવે છે, જ્યારે પોતે જે પસંદ કરી એ બ્રાન્ડનું મશિન લગાડીએ તો મેઇન્ટેનન્સની બહુ ઝંઝટ રહેતી નથી. બ્રાન્ડની આ પ્રોમિસ કસ્ટમરના મનમાં ઘર કરી ગઇ હતી.
(તમારા ધંધાના વિકાસ માટે એક્ષ્પર્ટ માર્ગદર્શન તમે જ્યાં હો ત્યાં, તમને જોઇએ ત્યારે..
ગુજરાતી બિઝનેસ ગાઇડ. https://goo.gl/3iagNA)
આના પછી શું વાંચશો?
પૂર્વ લેખ:
બ્રાન્ડીંગ શા માટે જરૂરી છે?