બ્રાન્ડનું વ્યક્તિત્વ-પર્સનાલિટી
બ્રાન્ડને એક વ્યક્તિ સાથે સરખાવી શકાય. અનેક પાસાંઓ દ્વારા આ સરખામણી શક્ય છે. જે રીતે દરેક વ્યક્તિનું એક નામ હોય છે, એ રીતે દરેક બ્રાન્ડનું પણ એક નામ હોય છે. એક વ્યક્તિનો એક જીવનકાળ હોય છે અને જન્મ બાદ એ જીવનના અલગ અલગ તબક્કાઓંથી પસાર થાય છે. લગભગ એ જ રીતે, દરેક બ્રાન્ડનો પણ એક જીવનકાળ હોય છે અને એક બ્રાન્ડ પણ વિવિધ તબક્કાઓંથી પસાર થાય છે. એક વ્યક્તિની જેમ એક બ્રાન્ડનું પણ એક વ્યક્તિત્વ હોય છે. એક માણસના વ્યક્તિત્વના જે લક્ષણો આપણે બ્રાન્ડને લાગુ પાડી શકીએ, એના પરથી બ્રાન્ડનું વ્યક્તિત્વ, એની પર્સનાલિટી નક્કી થાય છે. આ લક્ષણો બ્રાન્ડને આગવી પ્રતિભા બક્ષે છે, એને એક ખાસ ઓ આપે છે. બ્રાન્ડના લક્ષણો પરથી એની પર્સનાલિટી અભિવ્યક્ત થાય છે. આ પર્સનાલિટીને કાયમી બનાવવા માટે, બ્રાન્ડના વ્યક્તિત્વને ઠોસ આકાર આપવા માટે બ્રાન્ડ સતત પોતાના લક્ષણો અનુસાર કામ કરે, એ જરૂરી બની જાય છે. બ્રાન્ડ દ્વારા લક્ષણોની સાતત્યતા ખાસ આવશ્યક છે. બ્રાન્ડની જેવી પર્સનાલિટી હોય છે, એ અનુસાર એના ગ્રાહકો સાથે એનો સંબંધ બંધાઇ જાય છે. ઘણી વાર, ગ્રાહકો પોતાની પર્સનાલિટીના પ્રતિબિંબ તરીકે અથવા તો પોતાના વ્યક્તિત્વની અભિવ્યક્તિ તરીકે બ્રાન્ડને જોતા હોય છે. ગ્રાહકો પોતાની પર્સનાલિટી સાથે મેચ થતી હોય, એવી બ્રાન્ડ ખરીદવાનું વધારે પસંદ કરે છે. જે જે બ્રાન્ડ્સ બહોળા ગ્રાહક વર્ગની પર્સનાલિટી સાથે વધારે મેચ થાય છે, એમનો એ ગ્રાહક વર્ગ સાથે ઘનિષ્ઠ સંબંધ બંધાય છે, અને એ બ્રાન્ડની મજબૂતીના સાબૂત પાયાનું કામ કરે છે. આવી બ્રાન્ડ કસ્ટમરોના દિલો-દિમાગ પર કાયમી ધોરણે અંકિત થઇ જાય છે.
જે રીતે વ્યક્તિઓ પર્સનાલિટીઝ અનેકવિધ પ્રકારની હોઇ શકે છે, એ જ રીતે બ્રાન્ડની પર્સનાલિટી પણ વિવિધ પ્રકારની હોઇ શકે છે. બ્રાન્ડની પર્સનાલિટીના મુખ્ય પાંચ પ્રકારો છે: ઉત્તેજના-જોશ, ઇમાનદારી-પ્રામાણિકતા, મજબૂતી-જોર, ક્ષમતા-યોગ્યતા, આધુનિકતા-સોફીસ્ટીકેશન.
ઉત્તેજના-જોશ
યુવાનો, બેફિકરા અને રમતિયાળ વ્યક્તિત્વ ધરાવતા લોકોને જિંદગીને હળવાશથી લેવાની, મસ્તીથી જીવનનો આનંદ લેવાની આદત હોય છે. અમુક બ્રાન્ડ્સ તેમનો ઉત્સાહ અને જોશ વધે, એમની મસ્તીને અભિવ્યક્ત કરે એવી તકો પૂરી પાડે છે. આવી બ્રાન્ડ્સની જાહેરાતોમાં પણ એ જ પ્રકારની સ્ટોરી, પાત્રો, રજૂઆત અને અભિવ્યક્તિ હોય છે. દા.ત.
- ચોકલેટની બ્રાન્ડ્સ તમને રમતિયાળ થવાનું કારણ આપે છે.
- કોલ્ડ ડ્રીંક્સની પ્રખ્યાત બ્રાન્ડ્સ જોશસભર, તોફાની મસ્તી કરનારા બેફિકરા યુવાનોને ખાસ અપીલ કરે છે.
- અમુક સોડાની બ્રાન્ડ્સ એવી રજૂઆત કરે છે કે એ પીવાથી તમારો જોશ અને ઉત્સાહ વધી જશે. આમ તો સોડા પીવાથી આવું બધું થવાની શક્યતા ઓછી હોય છે, પરંતુ વાસ્તવમાં આવી બ્રાન્ડ્સ આડકતરી રીતે અમુક એવું જ નામ ધરાવતી દારૂની બ્રાન્ડના જાહેરાતના મહોરા તરીકે કામ કરતી હોય છે અને બ્રાન્ડની પર્સનાલિટી જીવન પ્રત્યે અમુક પ્રકારનો દ્રષ્ટિકોણ, અમુક પ્રકારનો ટેસ્ટ ધરાવતા લોકોને ધ્યાનમાં રાખીને ડેવલપ કરાય છે.
ઇમાનદારી-પ્રામાણિકતા
ઘણાં લોકો પોતાના કામ પ્રત્યે, પોતાની જવાબદારી અને કર્તવ્યો પ્રત્યે ખૂબ ગંભીર, સભાન અને સચેત હોય છે. અમુક બ્રાન્ડ્સ આવા લોકોને એમની જવાબદારીઓે અહેસાસ કરાવતી અને એને નિભાવવાના ઉપાયો આપતી રજૂઆતો દ્વારા એમના સ્વભાવ અને ગુણધર્મોને અપીલ કરે છે. દા.ત.
- ઇન્સ્યૂરન્સ કંપનીઓ આપણને આપણી જવાબદારીઓ નિભાવવાના ઉપાયો-વિકલ્પો આપે છે.
- અમુક બેન્કો, તેઓ આપણને જીવનના દરેક સંજોગોમાં આર્થિક રીતે મદદરૂપ થવા માટે હાજર-તત્પર છે એવી વાત કરે છે.
- હાથ પરના જંતુઓ ભગાડતા સાબુ કે હેન્ડવોશ લીક્વીડ પરિવારના સ્વાસ્થ્ય માટે ચિંતિત અને એની સંભાળ રાખવાની જવાબદારી નિભાવતી માતાના ગુણધર્મોને પ્રતિબિંબિત કરે છે.
- બોટલ્ડ વૉટરની બ્રાન્ડ્સ પોતાના સ્વાસ્થ્ય માટે જાગ્રત વ્યક્તિઓ પીવાના શુદ્ધ પાણીની તલાશને ટાર્ગેટ કરે છે.
- અમુક બિન-સરકારી સંસ્થાઓ માનવ સમાજના પિડિત વર્ગો (જેવા કે અનાથ બાળકો, ગરીબ દર્દીઓ અસહાય વૃદ્ધો), પ્રાણીઓ વગેરેની તકલિફો કે પર્યાવરણની સમસ્યાઓ પ્રત્યે આપણું ધ્યાન ખેંચે છે અને એમાં સુધારો કરવા માટે કંઇક કરી છૂટવા પ્રેરિત કરે છે.
મજબૂતી
આપણામાંથી અમુક લોકો ખડતલ હોય છે, શારીરિક રીતે મજબૂત, રફ-ટફ, તાકાતવાન અને કસાયેલા હોય છે. અમુક બ્રાન્ડ્સ આવા લોકોનો ગુણધર્મોને પ્રતિબિંબિત કરતી હોય છે, એના ગુણધર્મો આ લોકોની માનસિકતાને માફક આવે છે અને તેમને અપીલ કરે છે. આવી બ્રાન્ડ્સ એમની પર્સનાલિટીને અનુરૂપ હોવાથી એ લોકોને ખાસ આકર્ષે છે.
- બાળકોની તંદુરસ્તી અને તેમની તાકાત-સ્ટેમિના વધારતા હેલ્થ ડ્રીન્ક્સ તેમને ખેલાડીઓ જેવા મજબૂત રફ-ટફ બનાવવાની ઇમેજ દ્વારા એમની માતાઓ આકર્ષિત કરે છે.
- ટૂર-ટ્રાવેલ માટેની વેબસાઇટ્સ, કેમેરા, સ્પોર્ટસ શૂઝ વગેરે લોકોની આઉટડોર એક્ટીવીટીઝ માટેના આકર્ષણને ઉત્તેજીત કરે છે અને પોતાની રજૂઆત દ્વારા તેમને એ પ્રકારની તકો પૂરી પાડવાની ઓ કરે છે.
- મોટી મહાકાય SUV કારોની બ્રાન્ડ્સ લોકોના ખડતલ, મજબૂત બોડી પ્રત્યેના અહોભાવ અને તાકાત-પાવર માટેના એમના અહોભાવ-લગાવ-આકર્ષણને અપીલ કરે છે.
ક્ષમતા
ઘણી બ્રાન્ડ્સ વ્યક્તિગત ક્ષમતાના ગુણની લાક્ષણિકતા પર ફોકસ કરીને એને પોતાના પ્રચાર સંદેશમાં સામેલ કરે છે. દા.ત.
- લેપટોપની એક બ્રાન્ડ એનો વપરાશ કરનાર એક સફળ બિઝનેસમેન, મેનેજર કે પ્રોફેશનલ છે, એવી છબી રજૂ કરે છે. ખરીદવા ઇચ્છનાર લોકોના મનમાં એ લેપટોપની સાથે આ છબી જોડાઇ જાય છે અને એમના નિર્ણયને એ છબી અમુક અંશે અસર પણ કરે છે.
- લેટેસ્ટ, મોંઘા દામના મોબાઇલ વાપરનારા જીવનમાં કંઇ સિદ્ધિ મેળવનાર લોકો હોય છે, એ પ્રકારની રજૂઆત એ બ્રાન્ડ કરે છે અને એ દ્વારા પોતાની સિદ્ધિને પ્રદર્શિત કરવાની ઇચ્છા ધરાવનાર કસ્ટમરોને એ માટે એક ઉપકરણ અને એક તક આપે છે.
- દીવાલો પર લગાવવાના રંગની એક બ્રાન્ડ એવી રજૂઆત કરે છે કે એ બ્રાન્ડનું પેઇન્ટ તમે પસંદ કર્યું, એનો તમારા પડોશીઓ એવો મતલબ કરે છે કે તમે ખૂબ જ બુદ્ધિશાળી અને સમજદાર છો, ડહાપણભરી પસંદગી કરવામાં તમે અગ્રેસર છો, એટલે પોતાની અનેક સમસ્યાઓ નિરાકરણ માટે તમારી પાસે આવે છે.
આધુનિક સભ્યતા
પોતાના ટાર્ગેટ કસ્ટમર ગ્રુપની આધુનિક સભ્યતા-સોફીસ્ટીકેશનની ઝંખનાને અપીલ કરવા અમુક બ્રાન્ડ્સ આવી લાક્ષણિકતાઓ પોતાનામાં ધારણ કરીને એવી રજૂઆત કરે છે. દા.ત.
- ઓફિસોમાં પહેરવાના ફોર્મલ શર્ટસની બ્રાન્ડ પ્રતિભાશાળી વ્યક્તિત્વની કલ્પનાને વાઘા પહેરાવે છે અને એના કસ્ટમરને પોતાની બ્રાન્ડના ભક્ત બનાવે છે.
- લક્ઝરી કાર કે એરલાઇન બ્રાન્ડ પ્રતિષ્ઠા-મોભાને પોતાના નામ સાથે જોડે છે. એ દ્વારા પોતાના ગ્રાહકોને પોતાની પ્રતિષ્ઠા-મોભાની અભિવ્યક્તિ તરીકે બ્રાન્ડને અપનાવવાનો વિકલ્પ આપે છે.
- અતિ મોંઘા ભાવની લેડિઝ હેન્ડબેગની બ્રાન્ડ હાઇ લેવલના ટેસ્ટને અપીલ કરીને એની ગ્રાહક સન્નારીને એ બ્રાન્ડના લેબલ દ્વારા એના સમકક્ષ વર્તુળોમાં પોતાના ઉચ્ચ કક્ષાના ટેસ્ટની ઓ આપવાનો મોકો આપે છે. બે લાખ રૂપિયાની બેગ દ્વારા પોતાની પસંદગીની ઉચ્ચતા સાબિત થઇ શકતી હોય, તો એ બેગ ખરીદનાર લોકો હોય છે અને આવી બ્રાન્ડ્સ એમની આ જરૂરિયાતને બરાબર માફક આવે છે.