દરેક બિઝનેસ પોતાની રીતે એક આગવું સર્જન હોય છે. એની પોતાની એક આગવી વાસ્તવિકતાઓ, ખૂબીઓ, ખાસિયતો અને નિયમો હોય છે. એક બિઝનેસના નિયમો બીજાને લાગુ પડે જ એવું હંમેશાં બનતું નથી. એક જ ધંધાની લાઇનના, લગભગ બાજુ બાજુમાં જ હોય, બીજી બધી બાબતો સરખી હોય એ છતાંય બંન્નેની સફળતાની માત્રાઓ અલગ અલગ હોય, એવા અનેક ઉદાહરણો જોવા મળે જ છે. સફળ ધંધાની કોપી કરનારને પણ અલગ પરિણામો પ્રાપ્ત થાય છે. ક્યાંક ફોટોકોપી ઓરીજીનલથી સાવ ઝાંખી દેખાય, તો ક્યારેક ઓરીજીનલ કરતાં ફોટોકોપી ખરેખર વધારે તેજસ્વી દેખાતી હોય છે. ધંધાની સફળતાનું કોઇ મોલ્ડીંગ મશિન નથી હોતું, જેમાં બધી જ પ્રોડક્ટ એકસરખી જ નીકળે. દરેક કૃતિ હાથઘડામણથી જ બને. દરેકમાં કંઇક તો ફરક હોય જ.