માર્કેટીંગ વિશે બિઝનેસ વર્તુળોમાં ખૂબ જ ગેરસમજ પ્રવર્તે છે. પરંતુ માર્કેટીંગને સહેલાઈથી સમજવું શક્ય છે.
માર્કેટીંગ એટલે ગ્રાહકની જરુરિયાતોને સમજીને એને સંતોષવી અને એ મારફતે આપણી કંપની માટે નફો કમાવવો. આપણે જો આપણા કસ્ટમરને ઓળખી લઇએ અને એને શું જોઈએ છે એ બરાબર સમજી લઇએ, તો માર્કેટીંગ અંગેનો બિનજરૂરી હાઉ નીકળી શકે.
પણ કસ્ટમરને અને એની જરુરિયાતોને સમજવી કેવી રીતે?
બહુ આસાન છે. આપણે એક કસ્ટમરને ખૂબ આત્મીયતાથી ઓળખીએ છીએ. એનો ગમો-અણગમો, એની પસંદ-નાપસંદ, એની જરુરિયાતો એ બધું જ આપણે ખૂબ નજીકથી, ખૂબ બારીકાઈથી જાણીએ છીએ. આ કસ્ટમર એટલે આપણે પોતે.
આપણે કોઇ પણ પ્રકારની પ્રોડક્ટ કે સર્વિસનો ધંધો કરતા હોઈએ. આપણી એ પ્રોડક્ટ કે સર્વિસ સિવાયની દરેક વસ્તુ કે સેવા આપણે બહારથી ખરીદીએ છીએ. એટલે એ દરેક ખરીદીમાં આપણે એક કસ્ટમર છીએ. એ દરેક પ્રોડક્ટ કે સર્વિસ ખરીદવાનું નક્કી કરતી વખતે આપણી અંદર એક વાર્તાલાપ ચાલે છે. દરેક પ્રોડક્ટ કે સર્વિસ ખરીદતી વખતે આપણે બધા જ વિકલ્પોને આપણે આપણી પસંદગીઓ અને જરુરિયાતો તથા અમુક અન્ય ધારાધોરણોના આધારે મૂલવીએ છીએ, અને જે પ્રોડક્ટ આપણા મૂલ્યાંકનમાં પ્રથમ નંબરે આવે છે, એના પર પસંદગી ઉતારીએ છીએ.
અમુક દુકાનદારો આપણી સાથે જે રીતે વર્તન કરે છે, એ આપણને ગમે છે, તો બીજા દુકાનદારોનું વર્તન આપણને નથી ગમતું.
અમુક કંપનીઓનો સ્ટાફ, એમના સ્ટોરની ડીઝાઇન, એમની કામ કરવાની પદ્ધતિ, એમની કસ્ટમરો અંગોની પોલીસીઓ આપણને ગમે છે. આવી કંપની કસ્ટમરને સુખદ અનુભવ કરાવે છે. બીજી અમુક કંપનીઓમાં આ જ બાબતો આપણને નથી ગમતી. કસ્ટમરને આવી કંપનીઓ ખરાબ અનુભવ કરાવે છે.
અમુક પ્રોડક્ટ્સ કે સર્વિસમાં આપણને અમુક ફીચર્સ ગમે છે. આવી પ્રોડક્ટ્સ-સર્વિસ આપણે વારંવાર ખરીદીએ છીએ, અને બીજાંઓને પણ એ ખરીદવાની ભલામણ કરીએ છીએ. આવી પ્રોડક્ટ-સર્વિસની બ્રાન્ડ વેલ્યુ અને કસ્ટમરોની સંખ્યા વધતી રહે છે.
બીજી પ્રોડક્ટ્સમાં અમુક બાબતો આપણને નથી ગમતી. આવી પ્રોડક્ટ્સ-સર્વિસ એક વાર આપણે ખરીદી લીધી, તો ફરીથી કોઇ ભાવે પણ ખરીદવાનું પસંદ નહી કરીએ, અને બીજાંઓને પણ એ સામે ચેતવીએ છીએ. આવી પ્રોડક્ટ્સની બ્રાન્ડ વેલ્યુ અને કસ્ટમરોની સંખ્યા ઘટતી જાય છે.
આપણને એક કસ્ટમર તરીકે કોઇ કંપનીનું જે કંઇ ગમ્યું, એવું આપણી કંપનીમાં કરીએ તો આપણા કસ્ટમરોને પણ એ ગમશે. કોઇ પ્રોડક્ટ િવશે કંઇક ગમ્યું તો એવી બાબતો આપણી પ્રોડક્ટમાં સામેલ કરીએ તો આપણી પ્રોડક્ટ પણ ખૂબ ચાલશે જ.
એક કસ્ટમર તરીકે આપણને થતા સારા-નરસા અનુભવો પરથી આપણે સહેલાઈથી સમજી શકીએ, કે આપણે માર્કેટીંગમાં શું કરવું જોઈએ અને અને શું ન કરવું જોઈએ. બસ આપણે કોઇ પણ પ્રોડક્ટ કે સર્વિસ ખરીદતી વખતે આપણા આંખ-કાન-મગજ અને આપણું મન ખુલ્લું રાખીએ, તો માર્કેટીંગની આંટીઘૂંટીને આપણા જાત અનુભવે, ખૂબ જ આસાનીથી સમજી શકીએ.
આના પછી શું વાંચશો?
પૂર્વ લેખ:
માર્કેટીંગ સફળ થયું એમ ક્યારે કહેવાય?