ઘણી વાર લોકો પૂછે કે આજ કાલ કઇ લાઇન સારી છે? કયો ધંધો કરવો જોઇએ?
પોતાની કરિયર કે ધંધાની લાઇનની પસંદગી કેવી રીતે કરવી એ પ્રશ્ન દરેકના મનમાં હોય, એ સ્વાભાવિક છે, અને આ પ્રશ્નનો ઉકેલ સારી રીતે શોધવામાં આવે, તો ભવિષ્યની ઘણી ભૂલો નિવારી શકાય અને પોતાની જિંદગીમાં ધારેલી ધંધા-વ્યવસાયિક સફળતા પણ મેળવી શકાય.
પોતાના માટે કરિયર કે ધંધો શોધતી વખતે મોટે ભાગે લોકો કોઇક સફળ લોકોના ઉદાહરણમાંથી પ્રેરણા લઇને એના જેવું જ કંઇક કરવાની કોશિશ કરે છે. સામાન્ય રીતે આજ કાલ જે ધંધોઓમાં તેજી હોય, એ લાઇનોમાં જવાની બધા કોશિશ કરે છે. આપણા કોઇ સગા-ઓળખીતાએ કોઇ એક ધંધા-વ્યવસાયમાં સારી પ્રગતિ કરી હોય, અને એ લાઇનમાં બીજા લોકો પણ સફળ થયા હોય, તો આપણને એમ લાગે કે આ ધંધામાં દાખલ થવા જેવું છે. આ લાઇનમાં “ચાંદી” છે. અમુક વર્ષો પહેલાં અનેક લોકો પોતાનો રેગ્યુલર ધંધો છોડીને શેર માર્કેટમાં દાખલ થયા. રીયલ એસ્ટેટમાં તેજી જોઇને એ ધંધામાં પણ લોકો આંખો મીંચીને દાખલ થયા.
ભણતરના આધારે થતા પ્રોફેશનલ કોર્સીસમાં પણ આ જ ટ્રેન્ડ જોવા મળે છે. ડોક્ટર, એન્જીનીયર, સી.એ. વગેરે લાઇનોમાં આપણું કોઇ સગું-ઓળખીતું સફળ થયું હોય, તો આપણે પણ એવું કરવાની પ્રેરણા થાય છે.
આ સારી વાત છે, અને જો એનો અમલ સારી રીતે થાય, તો એમાં કશું ખોટું ન હોવું જોઇએ.પરંતુ મોટે ભાગે આપણે જોઇએ છીએ કે કોઇના ઉદાહરણની નકલ કરીને કે દેખાદેખીનો શિકાર બનીને શરુ કરાયેલ ધંધા-વ્યવસાયો મોટે ભાગે નિષ્ફળ જાય છે.કોઇની ધંધાકીય સફળતાના આધારે આપણા ધંધાની લાઇન પસંદ કરવી એ કેવી રીતે ભૂલભર્યું સાબિત થઇ શકે છે એ આપણે જોઇએ.
1) સૌથી પહેલાં તો જે ધંધા-વ્યવસાયમાં આપણે જોડાતા હોઇએ, એના વિશે આપણી પાસે જરુરી નોલેજ અને આવડત હોવા જોઇએ. આપણો પોતાનો સ્વભાવ એ ધંધા-વ્યવસાયની જરુરિયાતોને માફક આવે એવો હોવો જોઇએ. જિંદગી જીવવાના આપણા અરમાનો-ઓરતાંઓ-સપનાંઓમાં આ ધંધો-વ્યવસાય બરાબર બંધબેસતો હોવો જોઇએ. આપણે એક સ્થળે રહીને આરામની જિંદગી જીવવા માગતા હોઇએ, તો જે ધંધામાં અવારનવાર ટ્રાવેલીંગ કરવું પડે, એ આપણને માફક નહીં આવે. આપણે જો લોકો સાથે ખુશીથી, હળીમળીને કામ ન કરી શકીએ, તો જે ધંધાઓમાં આપણે સતત લોકોના સંપર્કમાં આવવાનું આવે (દા.ત. શો-રુમ, ડૉક્ટર, કન્સલ્ટીંગ, એડવાઇઝર) એવા ધંધાઓ આપણને માફક નહીં આવે. આપણે એકલા કામ કરી શકીએ અને ઓછામાં ઓછો લોકસંપર્ક થાય એવા વિકલ્પો આપણે શોધવા જોઇએ. આપણો ધંધો જો આપણાં સપનાંઓને સાકાર કરવાનું યોગ્ય સાધન નહીં હોય, તો આપણે એમાં સફળ નહીં થઇ શકીએ.
2) આપણો ધંધો શરુ કરતી વખતે આપણને એ ધંધા માટે જ આવડત કે નોલેજ હોય, માત્ર એના જ આધારે જિંદગીભર એ ધંધો આપણે ચલાવી શકીશું, એ ભૂલભર્યું સાબિત થાય છે. આજના સમયમાં દરરોજ અનેક પરિવર્તનો આકાર લે છે. આવા ગતિશીલ સમયમાં જે સતત શિખતો રહે, અને સમયાનુસાર પોતાની જાતમાં, વિચારોમાં અને વર્તનમાં પણ પરિવર્તન કરતો રહે, એ જ વ્યક્તિ ધંધા-વ્યવસાયમાં સફળ થઇ શકે. આપણે જેની કોપી કરી હોય, એ માણસ પણ સમયાંતરે પોતાના ધંધા-વ્યવસાયમાં પરિવર્તનો લાવતો રહે છે, આપણે જો જરુર મુજબના પરિવર્તનો લાવવાની અનુકૂળતા ન વિકસાવી શકીએ, તો આગળ જતાં અટકી જઇએ.
3) હા, ધંધાની લાઇન પસંદ કરતી વખતે એટલું ચેક કરવું જરુરી છે, કે આપણી પ્રોડક્ટ કે સર્વિસની પૂરતી ડીમાન્ડ હોય,એટલા કસ્ટમરો માર્કેટમાં છે. જો માર્કેટમાં ડીમાન્ડ જ ન હોય, તો સફળતા મુશ્કેલ થઇ જાય છે. પરંતુ એક વાર ધંધાની ડીમાન્ડ છે, અે નક્કી થયા પછી, જે કોઇ ધંધો કે વ્યવસાય કોઇ કસ્ટમર વર્ગની જરુરિયાતો સારી રીતે સંતોષી શકે એ ધંધો જ લાંબા સમયની સફળતા હાંસલ કરી શકે. કસ્ટમરની જરુરિયાતો ન સંતોષી શકે એવો કોઇ પણ ધંધો લાંબો સમય ટકી શકે જ નહીં. જે ધંધાઓ માત્ર ધંધાર્થીના પ્રોફીટ માટે જ શરુ થાય છે, કસ્ટમરોનું ધ્યાન નથી રાખતા, એ જલદી બંધ થાય જ છે. આપણે જેની કોપી કરી હોય, એ ધંધો કસ્ટમરોની જરુરિયાતો કેવી રીતે સંતોષે છે, એના કરતાં વધારે સારી રીતે જો આપણે એ કામ કરી શકીએ, તો એના જેટલી કે એનાથી વધારે સારી સફળતા હાંસલ કરી શકીએ. પણ આપણને જો પ્રોફીટ માર્જીન એના જેટલું જ જોઇતું હોય, પરંતુ કસ્ટમરો-કર્મચારીઓ-સપ્લાયરો પ્રત્યેની નિષ્ઠા એના જેટલી રાખવાની તૈયારી ન હોય, તો નહીં ચાલે.
4) આપણે દેખાદેખીથી કોઇની લાઇન તો કોપી કરી નાખીએ, પરંતુ એની કામ કરવાની ધગશ, એનું કમીટમેન્ટ, એના વ્યાવસાયિક સંબંધો, એનું નેટવર્કીંગ, એની લોકોને મોટીવેટ કરીને એમની પાસેથી કામ કરાવવાની આવડત આપણે કોપી કરી શકતા નથી અને એને કારણે નિષ્ફળ જઇએ છીએ. ઘણાં લોકોને બીલ ગેટ્સ જેવી સંપત્તિ એકઠી કરવાની ઇચ્છા હોય છે, પરંતુ એ માણસે 20 વર્ષો સુધી એક પણ રજા લીધા વગર સતત કામ કર્યું છે, એ કેટલા જણ કરી શકે? આપણી નજર જો બીલ ગેટ્સના પરિણામો પર હોય, તો આપણાં પ્રયત્નો પણ એની કક્ષાનાં જ હોવા જોઇએ. દરેક વ્યક્તિની પોતાની ખૂબીઓ-ખામીઓ-ખાસિયતો હોય છે. આપણો ધંધો-વ્યવસાય આપણી આ બાબતોને ધ્યાનમાં રાખીને જ નક્કી થવો જોઇેએ.
5) ધંધો-વ્યવસાય સિલેક્ટ કરવાની એક બીજી ભૂલભરેલી માન્યતા એ છે કે સંતાનોએ બાપ-દાદાના ધંધામાં જ જવું જોઇએ. જૂના જમાનામાં કરિયરના બહુ વિકલ્પો નહોતાં, ત્યારે આ ઇચ્છનીય હશે, પરંતુ આજના સમયમાં ડૉક્ટરનો દીકરો ડૉક્ટર જ બને કે બિઝનેસમેનના સંતાનો એનો જ ધંધો સંભાળે અને સફળ થાય એ જરુરી નથી. સંતાનો જો પોતાની મરજીથી એ ધંધો-વ્યવસાય પસંદ કરે, તો ખૂબ ખીલી ઉઠશે, પરંતુ એમને જો એ ધંધા-વ્યવસાયમાં રસ નહીં હોય, તો એ સરાસર નિષ્ફળ જશે જ. અમિતાભ બચ્ચનનો છોકરો એના જેટલો જ સફળ થશે, એ જરુરી નથી. ધીરુભાઇ અંબાણીના બંન્ને પુત્રોમાં એકસરખી આવડત અને એબિલીટીઝ હોત, તો બંનેનાં બિઝનેસ સામ્રાજ્યો એક કક્ષાનાં જ હોવા જોઇતા હતા. આપણે જોઇએ છીએ કે એ થઇ શક્યું નથી. કુમારમંગલમ બિરલા અને યશ બિરલા ભાઇઓ નથી, પરંતુ એક જ પ્રકારના કૌટુંબિક વારસામાંથી આવતા હોવા છતાં, જે કુમારમંગલમ કરી શક્યા એનો નાનકડો અંશ પણ યશ બિરલા કરી શક્યા નથી. માટે સંતાનોની ઇચ્છા, આવડત, એમના સપનાંઓ અને એમનો ઇન્ટરેસ્ટ આ બધાને અનુકૂળ હોય, એવા ધંધા-વ્યવસાયમાં જ દાખલ થાય, તો એ જરુર સફળ થશે.
ટૂંકમાં, કોઇ ધંધામાં “ચાંદી” હોતી નથી. કોઇ ધંધાની લાઇન સારી કે ખરાબ હોતી નથી. જે ધંધાના કસ્ટમરોની જરુરિયાતો સંતુષ્ટ કરવાની આપણી ઇચ્છા, આવડત અને મનોવ્રુત્તિ આપણામાં હોય, એ ધંધો આપણા માટે સારો. ધંધાની સફળતા માત્ર એ ધંધાની લાઇનમાં નહીં, પણ ધંધો ચલાવનારાની પર્સનાલિટી અને એટીટ્યૂડ પર પણ એટલી જ આધારિત હોય છે.
– સંજય શાહ (SME બિઝનેસ કોચ. લેખક: “બિઝનેસ મેનેજમેન્ટ સિમ્પ્લીફાઇડ”)