આપણે આપણા કસ્ટમરો સાથે સંવાદ સંપર્ક શા માટે રાખવો જોઇએ?
માર્કેંટિંગ કોમ્યુનિકેશન (પ્રચાર) નિમ્નલિખિત હેતુઓ માટે એક ખૂબ જ ઉપયોગી સાધન છે:
- આપણા સંભવિત કસ્ટમરોને આપણી પ્રોડક્ટ-સર્વિસ અને એના ફાયદાઓ વિશે જાણ કરવા અને એમને એનાથી માહિતગાર કરવા.
- આપણી બ્રાન્ડ વિશે વર્તમાન તેમજ ભાવિ કસ્ટમરોના મનમાં જાગ્રતિ વધારવી.
- આપણી કંપનીનું સેલ્સ વધારવું અને આપણો કસ્ટમર બેઝ વધારવો.
આપણે અગાઉ જોયું એ મુજબ જાહેરખબરો (ટી.વી., અખબારો-મેગેઝિનો, રેડિયો, ઓ-લાઇન, આઉટડોર વગેરે), એક્ઝીબીઝન્સ અને ઇવેન્ટ્સ, ઇ-મેઇલ, ડાયરેક્ટ મેઇલ, SMS, ટેલિમાર્કેંટિંગ વગેરે માર્કેંટિંગ કોમ્યુનિકેશન અભિયાન માટેના અલગ અલગ સાધનો કે વિકલ્પો છે.
આ સાધનોના સમજદારીભર્યા ઉપયોગ દ્વારા માર્કેંટિંગની મહત્તમ અસરકારકતા લાવી શકાય છે. યોગ્ય રીતે પ્લાનીંગ અને અમલીકરણ કરેલા માર્કેંટિંગ કોમ્યુનિકેશનના અભિયાન દ્વારા આપણી બ્રાન્ડ વિશે જાગ્રતિ પણ વિકસાવી શકાય છે. ઘણી કંપનીઓ લાંબા સમય સુધી, ક્યારેક અમુક વર્ષો સુધી, એકધારા ચાલતા આવા માર્કેંટિંગ કોમ્યુનિકેશનના વિચારપૂર્વકના અને અસરકારક અભિયાનો દ્વારા પોતાની મજબૂત બ્રાન્ડ્સ વિકસીત કરી છે. દા.ત.
- અમુક કંપનીઓ દર વર્ષે, વર્ષના કોઇ એક ચોક્કસ સમયે, અમુક નિયત છાપાંઓં એક ચોક્કસ પાનાં પર, એક નિયત જગ્યા પર, એક ચોક્કસ સાઇઝની, એક પ્રકારની ડિઝાઇનવાળી જાહેરખબરો વારંવાર આપતી હોય છે.પોતાની પ્રોડક્ટનો પ્રકાર અને કસ્ટમરો એ ખરીદવાની સૌથી વધારે શક્યતા હોય ત્યારે આ જાહેરખબરો અનેક વર્ષો સુધી આપવામાં આવે છે. દા.ત. દિવાળી વખતે કે નવા વર્ષના સમયે કે ઉનાળાના વેકેશન સમયે વગેરે.
- અમુક કંપનીઓ અમુક નિયમિત રીતે યોજાતા ટ્રેડ-શો કે એક્ઝીબીશનમાં વર્ષો કે દાયકાઓ સુધી ભાગ લે છે. એમના સ્ટોલ્સનું લોકેશન, સાઇઝ, ડિઝાઇન વગેરે પણ લગભગ એકસરખું જ રાખવામાં આવે છે. કંપનીની વારંવારની હાજરીને કારણે ધીરે ધીરે એક્ઝીબીશનની મુલાકાતે આવતા એના કસ્ટમરોને પણ અગાઉથી કંપનીના માણસોનો સંપર્ક થવાની અપેક્ષા બંધાવા માંડે છે.
માર્કેંટિંગ કોમ્યુનિકેશનમાં સફળતા હાંસલ કરવા માટે થોડા વિચારપૂર્વકના વ્યૂહ દ્વારા આગળ વધવું જરૂરી છે. લાંબા સમયને ધ્યાનમાં રાખીને રચાતા આવા વ્યૂહમાં માર્કેંટિંગ કોમ્યુનિકેશનનો અતિરેક ન થઇ જાય એનું ધ્યાન રાખવું જરૂરી હોય છે. આવા અતિરેકના અમુક ઉદાહરણો:
- અમુક કંપનીઓ થોડા સમય માટે ખૂબ જ ઉગ્રતાથી શોરબકોર સાથે માર્કેંટિંગ કોમ્યુનિકેશનનું અભિયાન આંરભે છે. થોડા જ સમયમાં ખૂબ પૈસા ખર્ચી નાખે છે. માર્કેંટિંગ કોમ્યુનિકેશનમાં આપણે નાખેલા પૈસાનું વળતર એટલી જલદીથી મળવું શક્ય નથી, કારણ કે કસ્ટમરોનો રીસ્પોન્સ આવવામાં વાર લાગે છે. કસ્ટમરોને આપણી જાહેરાતો કે આપણા માર્કેંટિંગ કોમ્યુનિકેશન પર ધ્યાન આપવા ઉપરાંત ઘણાં બીજાં કામો એમની પોતાની જિંદગીમાં કરવાના હોય છે, એટલે આપણા શોરબકોરની કસ્ટમરો દ્વારા નોંધ લેવાય એમાં સમય લાગે જ છે. આરંભના નબળા પ્રતિસાદને કારણે કંપની નિરાશ થઇ જાય છે અને હતાશ થઇને માર્કેંટિંગ કોમ્યુનિકેશનના બધા જ પ્રયાસો અચાનક જ બંધ કરી દે છે. આવા તદ્દન વિપરીત અને આડેધડ પગલાંઓ કારણે આરંભના પ્રચારને કારણે જે થોડી-ઘણી જાગ્રતિ કસ્ટમરોના મનમાં ઊભી થવાનું શરૂ થયું હોય, એ પણ વ્યર્થ જાય છે અને કીમતી પૈસા અને શક્તિ વેડફાઇ જાય છે. માર્કેંટિંગ માટે કંપનીએ એક સુયોજીત વ્યૂહ અને બજેટ નક્કી કરીને પછી એને અનુસાર લાંબા સમય સુધી ચાલુ રહી શકે એવા પ્રચારનો અમલ કરવો જોઇએ.
- બીજી બાજુ, અમક એવી કંપનીઓ છે, કે જે માર્કેંટિંગ કોમ્યુનિકેશન માટે કોઇ જ પ્રયાસો નથી કરતી. એ વાત સાચી છે કે અમુક કંપનીઓ પ્રોડક્ટ્સ કે સર્વિસને કોઇ જાહેરાતો કે બીજા પ્રચારની જરૂર પડતી નથી. આપણે એવી કોઇ મોનોપોલી પ્રોડક્ટ બનાવતા હોઇએ કે જેમાં કોઇની હરીફાઇ ન હોય અથવા તો આપણે જીવન જરૂરિયાતની કોઇ સેવા પૂરી પાડતા હોઇએ (દા.ત. પાણી, વિજળી, દૂધ વગેરે), કે જે ખરીદવી દરેકને માટે જરૂરી હોય, તો આપણે માર્કેંટિંગ કોમ્યુનિકેશન ન કરીએ તો ચાલી જાય. પરંતુ બાકીની પ્રોડક્ટ્સ માટે આપણે યોગ્ય માર્કેંટિંગ કોમ્યુનિકેશન દ્વારા વ્યવસ્થિત પ્રચાર કરીએ એ સલાહભર્યું છે. ઘણી વાર લોકો ભવ્ય શો-રૂમ ખોલી નાખે છે અને પછી કસ્ટમરોના આવવાની રાહ જૂએ છે, કદાચ એવી આશા સાથે કે હવે ભગવાન આપણને કસ્ટમરો મોકલશે. આપણા શો-રૂમના સંભવિત કસ્ટમરો સુધી એની માહિતી યોગ્ય માધ્યમે પહોંચાડવાની જવાબદારી આપણી જ હોય છે.
માર્કેંટિંગ કોમ્યુનિકેશનનો કોઇ પણ પ્રયાસ ગંભીરતાપૂર્વક, યોગ્ય પ્લાનીંગ સાથે જ અમલમાં મુકાવો જોઇએ. આપણે કોઇ પણ કોમ્યુનિકેશન અભિયાન ઉતાવળપૂર્વક, વગર વિચાર્યે, આડેધડ રીતે, ઉભડક નિર્ણય લઇને ન આરંભવું જોઇએ.
(તમારા ધંધાના વિકાસ માટે એક્ષ્પર્ટ માર્ગદર્શન તમે જ્યાં હો ત્યાં, તમને જોઇએ ત્યારે..
ગુજરાતી બિઝનેસ ગાઇડ. https://goo.gl/3iagNA)