ઉચિત અને અસરકારક પ્રચાર માધ્યમ કેવી રીતે સ્થાપિત કરવું?
આપણી પ્રોડક્ટ કે સર્વિસના ગુણધર્મો, ફાયદાઓ ખાસિયતો, ખૂબીઓ વગેરે વિશેની માહિતી આપણા ટાર્ગેટ કસ્ટમર વર્ગ સુધી પહોંચવી જોઇએ. માર્કેંટિંગની આ પ્રવૃત્તિને પ્રમોશન (પ્રચાર) કહેવાય છે. પ્રોડક્ટ કે સર્વિસના આ પ્રકારના પ્રચાર માટે વિભિન્ન પ્રકારના પ્રસાર માધ્યમોના વિકલ્પો ઉપલબ્ધ છે. છાપાંઓ કે મેગેઝિનો, ટી.વી., રેડિયો, ઓ-લાઇન, આઉટડોર વગેરે માધ્યમોમાં જાહેરખબર પ્રચારનું એક માધ્યમ છે. ઇવેન્ટ્સ, એક્ઝીબીશન, ઇ-મેલ, ડાયરેક્ટ મેઇલ, SMS, ટેલિમાર્કેંટિંગ વગેરે માર્કેંટિંગ પ્રચાર માટેના અમુક બીજા વિકલ્પો છે. કંપનીઓ આ બધાં વિકલ્પોમાંથી પોતાના પ્રચાર હેતુ માટે યોગ્ય હોય તેવા એક અથવા વધારે પ્રચાર માધ્યમો પસંદ કરતી હોય છે.
પ્રચાર માધ્યમોની ભીડભાડમાં આજકાલ ખૂબ કોલાહલ, ખૂબ ઘોંઘાટ છે. પહેલાં, માર્કેંટિંગનો પ્રચાર ટી.વી., છાપાંઓ તથા રેડિયો વગેરે અમુક જ માધ્યમો દ્વારા જ શક્ય હતો. આ દરેક માધ્યમમાં ગણ્યાગાંઠ્યા વિકલ્પો જ હતા, એટલે પ્રચાર કરવો આસાન હતું. હમણાં તો ટી.વી. ચેનલો, અખબારો, રેડિયો સ્ટેશનો દરેકનો જાણે કે રાફડો ફાટયો છે. આજે ટી.વી., રેડિયો, અખબારો કે બીજા કોઇ પણ પ્રચાર માધ્યમોમાં અનેક વિકલ્પો ઉપલબ્ધ છે. વિકલ્પોના અતિરેકના કારણે માર્કેંટિંગ પ્રચારની પ્રક્રિયા અનેક નાના-નાના ટૂકડાંઓં વિભાજીત થઇ ગઇ છે. આજે માર્કેંટમાં બધા જ કસ્ટમરો સુધી પહોંચી શકે એવું અખબાર કે કોઇ એક ટી.વી. ચેનલ જેવું સર્વવ્યાપી માધ્યમ છે જ નહીં. અત્યારના માધ્યમોમાં દરેકની પાસે કસ્ટમરોનો એકાદ નાનો-મોટો વફાદર વર્ગ છે, જે એ ટી.વી. ચેનલ જૂએ છે કે એ અખબાર વાંચે છે. આજે માર્કેંટમાંના બધાં જ કસ્ટમરો સુધી આપણે પોતાનો સંદેશ પહોંચાડવો હોય, તો કોઇ એકાદ ચેનલ કે અખબાર કે બીજા કોઇ એક માધ્યમના સહારે પહોંચવું શક્ય જ નથી. આપણે ઘણા કસ્ટમરો સુધી પહોંચવું હોય, તો અનેક ચેનલો કે છાપાંઓં જાહેરખબર આપવી જ પડે. આવું કરવાનો ખર્ચ અનેકગણો વધી જાય. આ સમસ્યાને કારણે અસરકારક માર્કેંટિંગ માટે આજના માર્કેંટિંગ કોમ્યુનિકેશનના અતિશય કોલાહલના સમયમાં પ્રચારના માધ્યમની પસંદગી ખૂબ જ મહત્ત્વની બાબત બની ગઇ છે. જો આપણે આપણા માર્કેંટિંગના પ્રચારના માધ્યમના સિલેક્શન પર પૂરતું ધ્યાન ન આપીએ, આડેધડ ખર્ચાળ માર્કેંટિંગ પ્રચાર કરવા લાગીએ, તો આપણા માર્કેંટિંગ માટે જે ખર્ચ કરીએ, એમાં ઘણો વ્યય થઇ જવાની શક્યતા રહે છે.
- માર્કેટિંગ પ્રચાર માટેના આપણા વિકલ્પોની પસંદગીનો મહત્તમ આધાર આપણા ટાર્ગેટ કસ્ટમરના પ્રકાર પર છે. આ એક ખૂબ જ મહત્ત્વની પસંદગી છે. અગર પ્રચાર માધ્યમની પસંદગી કાળજીપૂર્વક નહીં કરવામાં આવે, તો આપણા માર્કેંટિંગમાં અસરકારકતાનો અભાવ રહેશે જ અને આપણને માર્કેંટિંગમાં ધાર્યા મુજબના પરિણામો નહીં મળે.
- જે પ્રોડક્ટ કે સર્વિસ વિભિન્ન ઉંમરના અનેક કસ્ટમરોનો વિશાળ સમુદાય ખરીદી શકે એવી હોય (દા.ત. કોલ્ડ ડ્રીંક્સ, સાબુ, ફિલ્મો, મ્યુચ્યુઅલ ફંડ કે ઇન્સ્યોરન્સ વગેરે), એમના પ્રચાર માટે ટી.વી., રેડિયો, અખબારો, આઉટડોર-હોર્ડીંગ વગેરે માસ-મીડીયા માધ્યમો દ્વારા જાહેરખબર કરવી ઉચિત ગણાય, કારણ કે આવા માધ્યમો આપણા સંદેશાને વિવિધ ઉંમરના વિશાળ લોકસમુદાય સુધી એક સાથે પહોંચાડવામાં મદદરૂપ થઇ શકે છે.
- કસ્ટમરોના અમુક ચોક્કસ, નાનકડા ગ્રુપને ધ્યાનમાં રાખીને બનાવેલી પ્રોડક્ટના પ્રચાર માટે એ ગ્રુપ સુધી પહોંચી શકે એવું પ્રચાર માધ્યમ સિલેક્ટ થવું જોઇએ. દા.ત.
- મહિલાઓ માટેની બ્યૂટી પ્રોડક્ટ્સ કે માત્ર મહિલાઓ માટે ખાસ બનાવેલી પ્રોડક્ટના પ્રચાર માટે મહિલાઓ માટેના મેગેઝિનો અને મહિલાઓ ગમતી ટી.વી. પ્રોગ્રામોને પસંદ કરી શકાય.
- પ્રવાસીઓ કામ આવે એવી હોટેલો કે ટેક્ષી સર્વિસને વેચવા માટે રેલવે/બસ સ્ટેશન કે એરપોર્ટની અંદરના કે નજીકના વિસ્તારોમાં હોર્ડીંગ બોર્ડનું માધ્યમ વધારે અસરકારક સાબિત થઇ શકે.
- નવા શરૂ થનારા ટી.વી. પ્રોગ્રામ કે આવનારી ફિલ્મોના પ્રચાર માટે છાપાંઓ મનોરંજન માટેના ખાસ પાનાંઓ તથા આઉટડોર બેનર્સ, હોર્ડીંગ વગેરે યોગ્ય વિકલ્પ ગણી શકાય.
- ક્રેડીટ કાર્ડ કે ક્લબ મેમ્બરશીપ જેવી સેવાઓ વેચવા માટે સંભવિત કસ્ટમરોના કાળજીપૂર્વક પસંદગી કરાયેલ ડાટાબેઝના આધારે ફોન દ્વારા ટેલિમાર્કેંટિંગ તથા વ્યક્તિગત મુલાકાત દ્વારા પર્સનલ સેલીંગનો વિકલ્પ પસંદ કરવો સલાહભર્યું છે.
- ધંધાકીય વેપાર કે જેમાં આપણી પ્રોડક્ટ્સ કે સર્વિસ બીજાં ધંધાઓ કામમાં આવતી હોય, એમાં એક્ઝીબીશન-પ્રદર્શનોના મારફતે માર્કેંટિંગ પ્રચાર કરવામાં આવતો હોય છે.
- અમુક મોંઘી કે લકઝરી પ્રોડક્ટ્સ એના સંભવિત કસ્ટમરો જ્યાં આવતા-જતા હોય એવી ફાઇવ-સ્ટાર હોટેલ્સ કે એરપોર્ટ પરના સ્ટોર્સ વગેરે જગ્યાઓં પ્રદર્શનમાં મૂકવામાં આવે છે. એ જ રીતે એરલાઇનમાં ઇન-ફ્લાઇટ મેગેઝિનમાં જાહેરખબર દ્વારા પણ આવી પ્રોડક્ટ્સના સંભવિત ગ્રાહકો સુધી પહોંચી શકાય.
- પ્રચાર માધ્યમની પસંદગીનું બીજું માપદંડ આપણી પાસે ઉપલબ્ધ બજેટ પણ હોય છે. આપણા માર્કેંટિંગના ઉદ્દેશ અનુસાર એક બજેટ બનાવવું અને એ બજેટ અનુસાર આપણા પ્રચારના વિકલ્પની પસંદગી કરવી એ હિતાવહ છે.
- આપણે પંસદ કરેલું માર્કેંટિંગના પ્રચારનું સાધન એવું હોવું જોઇએ કે જેથી આપણે સંભવિત ટાર્ગેટ કસ્ટમરોના વિશાળ સમુદાય સુધી, આપણા બજેટની મર્યાદામાં રહીને, વારંવાર આપણો માર્કેંટિંગ સંદેશ પહોંચાડી શકીએ.
- માસ મિડિયાની જાહેરાતો (છાપાંઓ ટી.વી., રેડિયો વગેરે) ખૂબ જ ઝડપી અને અસરકારક હોય છે, પરંતુ એ ખૂબ જ ખર્ચાળ હોય છે. જો આપણો ટાર્ગેટ કસ્ટમર વર્ગ નાનકડો હોય, તો આ માધ્યમોની અસરકારકતા વિખેરાઇ જાય છે. એટલે આવા માધ્યમ પર પસંદગી ઉતારતાં પહેલાં, બીજા વધારે વાજબી અને સસ્તા વિકલ્પોને તપાસીને મૂલવી લેવું ખૂબ જ જરૂરી છે.
- ધારો કે આપણે એક કરતાં વધારે પ્રચાર વિકલ્પોનો ઉપયોગ કરીએ, તો એ બધાંય માધ્યમો દ્વારા પ્રસારિત થતા સંદેશમાં એકસૂત્રતા હોય, એ ખૂબ જ જરૂરી છે. અલગ અલગ માધ્યમો દ્વારા ટાર્ગેટ કસ્ટમરો સુધી પહોંચતા બધા સંદેશાઓ કસ્ટમરોને એકસરખા, એકબીજા સાથે સંલગ્ન લાગે એ બ જરૂરી છે. માર્કેંટિંગના આ પ્રચારને એકસૂત્રી માર્કેંટિંગ કોમ્યુનિકેશન કહેવામાં આવે છે.
- દા.ત. છાપાંઓ આઉટડોર હોર્ડીંગ કે ઇન્ટરનેટ પરની ઓ-લાઇન જાહેરખબરો આ દરેકમાં એક જ પ્રકારની ચિત્રાવલી, એક જ પ્રકારના સિમ્બોલ્સ અને કલર સ્કીમ વપરાય, તો ટૂંકા સમયમાં વિવિધ માધ્યમો દ્વારા પુનરાવર્તન દ્વારા ખૂબ જ અસરકારક રીતે પ્રચાર કરી શકાય.
- સામાન્ય રીતે દરેક કંપની પોતાનો ટાર્ગેટ કસ્ટમર બેઝ, પ્રચારનો સમય, માર્કેંટિંગનુ બજેટ તથા અન્ય બાબતને ધ્યાનમાં રાખીને એક કરતાં વધારે માર્કેંટિંગ પ્રચારના નુસ્ખાઓ (દા.ત. જાહેરખબરો, એક્ઝીબીશન, ટેલિમાર્કેંટિંગ વગેરે) અજમાવે છે. જો કોઇ એકાદ વિકલ્પમાંથી ધાર્યા મુજબનું પરિણામ ન મળે, તો એના વિશે પુનર્વિચાર કરવામાં આવે અને બીજા વિકલ્પો પર વધારે ધ્યાન આપવામાં આવે છે.
- છેવટે પ્રયાસોની સફળતા અને એની પાછળ ખર્ચાતા પૈસાના મહત્તમ વળતર માટે, આપણી કંપની માટે સૌથી વધારે અસરકારક સાબિત થયેલા પ્રચાર વિકલ્પોનો વારંવાર ઉપયોગ કરવો જોઇએ.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
માર્કેંટિંગ પ્રચાર અભિયાનનો અમલ
પૂર્વ લેખ:
માર્કેંટિંગની જીગ્સો-પઝલ કેવી રીતે સુલઝાવવી?