સંતુલીત માર્કેંટિંગ મીક્ષ સ્થાપિત કરવું
આપણે અગાઉ જોયું તે મુજબ માર્કેંટિંગ વિશે એવી ગેરસમજ પ્રવર્તે છે કે માર્કેંટિંગ એટલે માત્ર જાહેરાત, પબ્લીસીટી અથવા તો સેલ્સમેનશીપ. વાસ્તવમાં, માર્કેંટિંગ એનાથી ઘણું વધારે છે અને એની શરૂઆત કોઇ પણ પ્રોડક્ટ કે સર્વિસ વિશેની કલ્પના થાય કે એની ડીઝાઇન થાય એ પહેલાં જ થઇ જાય છે. એ પછી પ્રોડક્ટ-સર્વિસ તૈયાર થાય અને માર્કેંટમાં રજૂ થાય એના દરેક તબક્કે માર્કેંટિંગ સામેલ હોય જ છે.
પ્રોડક્ટ માર્કેંટિંગની 4-ભાગની જીગ્સો પઝલ
કોઇ પણ પ્રોડક્ટનું સફળ માર્કેંટિંગ કરવા માટે નિમ્ન ચાર બાબતો વચ્ચે આપસમાં સંપૂર્ણ સંતુલન હોવું જોઇએ – પ્રોડક્ટ, પ્રાઇસ(કીમત), પ્લેસ(ઉપલબ્ધિ સ્થાન) અને પ્રમોશન(પ્રચાર). આ ચાર બાબતોને માર્કેંટિંગના ૪-P કહેવાય છે અને એમની વચ્ચેના સંતુલનને માર્કેંટિંગ મીક્ષ કહેવાય છે.
Product (પ્રોડક્ટ)
- કંપની જે પ્રોડક્ટ કે સર્વિસ બનાવીને સપ્લાય કરતી હોય તે તથા એની સાથે સંલગ્ન બીજી બાબતો આમાં સામેલ છે, જેવી કે:
- પ્રોડક્ટનો દેખાવ, એનું પેકેજીંગ
- એમાં અલગ અલગ પ્રકારનાં મોડેલ્સ, સાઇઝ, કલર વગેરેની વેરાયટી, એસોર્ટમેન્ટ કે વિવિધતા
- પ્રોડક્ટની વિશેષતા, ખૂબીઓ, ખાસિયતોે, વોરંટી, રીપેરીંગનો ખર્ચ, સ્પેર પાર્ટસની ઉપલબ્ધિ વગેરે
- બ્રાન્ડનું નામ
- પ્રોડક્ટ સાકાર, જોઇ અને સ્પર્શી શકાય તેવી હોઇ શકે (દા. ત. ખાવા-પીવાની વસ્તુઓ, સાબુ, શેમ્પુ, કાર, મોબાઇલ ફોન, પેન વગેરે)
- અથવા તો, એ અમૂર્ત સ્વરૂપની, જોઇ, અનુભવી કે વાપરી શકાય એવી અપ્રત્યક્ષ સર્વિસ હોય (દા. ત. ઇન્સ્યુરન્સ, બેન્કીંગ, ટ્રાવેલ, મોબાઇલ કનેક્શન, ફિલ્મ, સોફ્ટવેર વગેરે)
Price (કીમત)
- ખરીદવા માટે જે રકમ કસ્ટમરે ચૂકવવી પડે, તે એની કીમત કહેવાય.
- એમાં ઉધારીનો સમય અને એની શરતો, ડીસ્કાઉન્ટ્સ, સ્કીમ વગેરે સામેલ હોય છે.
- કીમત એટલે કંપની અને કસ્ટમર બંનેના દ્રષ્ટિકોણથી એ પ્રોડક્ટનું મૂલ્ય.
- પ્રોડક્ટની કીમત નક્કી કરતી વખતે, એ પ્રોડક્ટ બનાવવામાં કંપનીને લાગતો ખર્ચ, કંપનીની નફાની અપેક્ષા, બીજી હરીફ પ્રોડક્ટ્સની કીમતો અને કસ્ટમરને માટે એ વસ્તુનું શું મૂલ્ય છે, એ બંનેના દ્રષ્ટિકોણથી દેખાતા પાસાંઓને ધ્યાનમાં રાખીને, બન્ને વચ્ચે સંતુલન સાધીને કીમત નિયત કરાય છે.
- દા.ત. સાદા, અન-બ્રાન્ડેડ મોબાઇલ ફોનમાં બધા ફીચર્સ હોવા છતાં, એની કીમત ઓછી રાખવી પડે છે, જ્યારે કોઇ પ્રખ્યાત અને સારી બ્રાન્ડ ઇમેજ ધરાવતી કંપનીના લગભગ એવા જ ફીચર્સવાળા મોબાઇલ ફોનની કીમત અનેક ગણી વધારે રાખી શકાય છે, કેમ કે ખરીદનારને માટે ફીચર્સ ઉપરાંત એ બ્રાન્ડનું પણ આકર્ષણ હોય છે, એને કારણે એની નજરમાં એ મોબાઇલ ફોનનું મૂલ્ય વધારે હોય છે. કીમત નક્કી કરવામાં વસ્તુને બનાવવામાં પડતા ખર્ચ – કોસ્ટ – ઉપરાંત બ્રાન્ડ ઇમેજ ખૂબ મોટો ભાગ ભજવે છે.
Place (ઉપલબ્ધિ સ્થાન,પ્રોડક્ટ મેળવવાનું સ્થાન)
- આપણે બનાવેલી પ્રોડક્ટ ટાર્ગેટ કરેલ કસ્ટમરોને પ્રોડક્ટ ક્યાં કયાં મળી શકશે, એમના સુધી કેવી રીતે પહોંચશે, એ ઉપલબ્ધિ સ્થાનો એટલે પ્લેસ.
- પ્રોડક્ટનો પ્રકાર શું છે અને કયા કયા વિસ્તારોમાં પોતાની પ્રોડક્ટ પહોંચવી જોઇએ એ બાબતે કંપનીની વ્યૂહ રચના કેવી છે આ બાબતોને આધારે પ્રોડક્ટના ઉપલબ્ધિ સ્થાનો નક્કી કરવામાં આવે છે.
- આજકાલ ઇ-કોમર્સની વધી રહેલી લોકપ્રિયતા, આધુનિક ટેકનોલોજી અને સંદેશા વ્યવહારની ઉપલબ્ધિને કારણે પ્રોડક્ટ્સ અનેક અવનવી રીતે દૂર દૂરના સ્થળોમાં ફેલાયેલા કસ્ટમરો સુધી પહોંચાડવાનું શક્ય બન્યું છે, જે અગાઉ શક્ય નહોતું.
- પ્રોડક્ટને ઉપલબ્ધ કરાવવા માટે વિવિધ પ્રકારના સ્ટોર્સ, ઇન્ટરનેટ પર ઓન-લાઇન સ્ટોર્સ, મોબાઇલ પરના App, ટી.વી. આધારિત હોમ-શોપીંગ, સેલ્સમેનો દ્વારા કસ્ટમરને વ્યક્તિગત રીતે, ઘરે-ઘરે પર્સનલ સેલીંગ વગેરે વિકલ્પો શક્ય છે.
- પ્રોડક્ટની ઉપલબ્ધિનું સ્થળ તેની કીમત નક્કી કરવામાં ભાગ ભજવી શકે છે. દા.ત. ચા નો એક કપ સાદી રેસ્ટોરન્ટમાં અમુક રૂપિયાનો હોય પરંતુ એ જ ચા ફાઇવ-સ્ટાર હોટેલમાં અનેક ગણી મોંઘી થઇ જાય છે. સાદા થીયેટરમાં ફિલ્મની ટિકિટનો ભાવ હોય તેના કરતાં આધુનિક મલ્ટીપ્લેક્ષમાં તેના ભાવ અમુકગણો વધી જાય છે. આ ફરક પ્લેસ-ઉપલબ્ધિ સ્થાનના પ્રભાવને કારણે છે.
Promotion (પ્રચાર)
પ્રોડક્ટની વિશિષ્ટતાઓ અને તેના ફાયદાઓ અંગે ટાર્ગેટ કસ્ટમરને માહિતગાર કરવા માટે તથા તેના ખરીદવા માટે પ્રેરિત કરવા માટે જે પ્રચારના પ્રયાસો કરવામાં આવે, તે પ્રમોશન.
પ્રોડક્ટ કયા પ્રકારની છે, કેટલા સમયથી માર્કેંટમાં છે, પ્રચાર માટે કંપનીનું બજેટ કેટલું છે, ટાર્ગેટ કસ્ટમર કયા ટાઇપનો છે અને પ્રચાર કરવાનું કારણ કે પ્રયોજન શું છે, આ બાબતોના આધારે પ્રચાર અંગે નિર્ણય લેવામાં આવે છે.
અલગ અલગ માધ્યમો દ્વારા જાહેરાત, ઇવેન્ટ્સ, એક્ઝીબીશન-પ્રદર્શન, ફોન-ઇ-મેઇલ- દ્વારા વ્યક્તિગત ડાયરેક્ટ માર્કેંટિંગ, સેલીંગ, ડિસ્કાઉન્ટ્સ, સ્કીમ વગેરે પ્રમોશન માટેનાં અમુક વિકલ્પો છે.
સામાન્ય રીતે, પોતાના ટાર્ગેટ કસ્ટમરો સુધી પ્રોડક્ટની માહિતી પહોંચાડવા માટે કંપની એક કરતાં વધારે પ્રમોશન-પ્રચારની યુક્તિઓ અજમાવતી હોય છે. આ બધી અલગ અલગ પ્રકારની પ્રચાર પ્રવૃત્તિઓમાં એકસૂત્રતા હોય, બધી એક બીજાને પૂરક હોય એ જરૂરી છે. જો બધી પ્રચાર પ્રવૃત્તિઓ સંકલિત હોય, તો પ્રચારના પ્રયત્નો અસરકારક રીતે ધારેલો મેસેજ કસ્ટમર સુધી પહોંચાડી શકે છે.
માર્કેંટિંગમાં સફ્ળતા માટે આ ૪-P વચ્ચેનું સંકલન સચોટ અને સંપૂર્ણ હોવું જોઇએ. એક સરખામણી જોઇએ. એક જીગ્સો પઝલના ચાર વિભિન્ન ટૂકડાઓમાંથી એક ચોક્કસ આકૃતિનો આકાર ઉપસાવવા માટે ચારેય ટૂકડાઓ પરફેક્ટલી એકબીજા સાથે ફીટ થવા જોઇએ. જો ચારમાંથી એકાદ ટૂકડો પણ બીજા આકારનો હોય કે નાનો-મોટો હોય, તો એ જીગ્સો પઝલ વણ-ઉકેલ્યો કોયડો જ રહેશે. અથવા તો, આપણે બીજી કોઇ જીગ્સો પઝલના એકાદ-બે ટૂકડાઓને આ પઝલના ટૂકડાઓ સાથે મીક્ષ કરીને એમાંથી કોઇ આકૃતિ ઉપસાવવાની કોશિશ કરીએ, તો એ પ્રયાસ પણ વ્યર્થ જશે.
એ જ રીતે, કોઇ એક પ્રોડક્ટના માર્કેંટિંગ માટે આ ચારેય બાબતો એકબીજાને પૂરક,અનુરૂપ હોવી જોઇએ અને ચારેયનું એકબીજા સાથે તાલમેલ હોવું જ જોઇએ. દરેક પ્રોડકટ માટે આ ચાર બાબતોનું સંતુલન આગવું હોય છે. એ કોઇ બીજી પ્રોડક્ટ સાથે મેચ થાય એ જરૂરી નથી હોતું. કોઇ બીજી પ્રોડક્ટના પ્રોડક્ટ, પ્રાઇસ, પ્લેસ, પમોશન – આ ચારમાંથી એકાદ બાબતને આપણી પ્રોડક્ટના માર્કેંટિંગમાં વગર વિચાર્યે, આડેધડ જોડવાની કોશિશ કરીએ, તો એ નિષ્ફળતામાં પરિણમવાની શક્યતાઓ વધી જાય છે.
(તમારા ધંધાના વિકાસ માટે એક્ષ્પર્ટ માર્ગદર્શન તમે જ્યાં હો ત્યાં, તમને જોઇએ ત્યારે..
ગુજરાતી બિઝનેસ ગાઇડ. https://goo.gl/3iagNA)