આપણી વિશિષ્ટતાઓને જાણવી-પીછાણવી અને ગ્રાહકોને સમજાવવી
આજે માર્કેંટમાં ખૂબ જ ભીડ છે. માર્કેંટમાં પ્રોડક્ટ્સ અને બ્રાન્ડનો રાફડો ફાટ્યો છે. કંઇપણ ખરીદવાનો વિચાર કરો, તો એના માટે અસંખ્ય વિકલ્પો ઉપલબ્ધ છે. કોઇ પણ પ્રોડક્ટ કે સર્વિસ ખરીદવા માગતા કસ્ટમર માટે અનેક પ્રકારનાં ઓપ્શન્સ ઉપલબ્ધ છે. આ બધી પ્રોડક્ટ્સ-બ્રાન્ડ અનેક પ્રકારનાં નુસ્ખાંઓ કરીને, ખૂબ જ શોર-બકોર કરીને કસ્ટમરનું ધ્યાન ખેંચવાની કોશિશો કરે છે. દરરોજ સેંકડો-હજારો બ્રાન્ડ્સ કસ્ટમરના સ્મૃતિપ્રદેશ પર પોતાની છાપ અંકિત કરવાની કોશિશ કરે છે. પરંતુ યાદ રાખવાની કસ્ટમરના મન-મગજની શક્તિ સીમિત છે. આપણે પ્રોડક્ટ્સ-બ્રાન્ડ્સની આ ભીડ-ભાડમાં સફળ થવું હોય, કસ્ટમરના મનપ્રદેશ પર લાંબો સમય ટકી રહે એવી છબી અંકિત કરવી હોય, તો આપણી પ્રોડક્ટ્સમાં કંઇક યૂનિક-કંઇક અદ્વિતીય અને અનુપમ હોવું જોઇએ, કે જે આપણાં હરીફોની પ્રોડક્ટ્સમાં ન હોય. ટોળામાં એક સરખા લાગતા લોકોમાં જે રીતે કોઇ એક ચોક્કસ વ્યક્તિને શોધવી મુશ્કેલ હોય છે, તેમ જો આપણી પ્રોડક્ટ્સ બીજી બધી પ્રોડક્ટ્સ જેવી જ હશે, એમાં કંઇક અનોખું નહીં હોય, તો કસ્ટમરને એ સહેલાઇથી યાદ નહીં રહે. આપણી પ્રોડક્ટ કસ્ટમરને યાદ તો જ રહેશે, જો એમાં કંઇક વિશેષ હશે, જે બીજી હરીફ પ્રોડક્ટ્સમાં નહીં હોય, જો આપણી પ્રોડક્ટ અન્યોથી ભિન્ન હશે. આ ભિન્નતા, આ વિશિષ્ટતાને આધારે જ કસ્ટમરના મનમાં એક ખાસ સ્થાન ઊભું કરી શકાય છે. એક કસ્ટમર તરીકે આપણને પણ એ જ પ્રોડક્ટ્સ યાદ રહે છે, જેમાં એવું કંઇક વિશેષ હોય, કંઇક ખાસ હોય જે આપણા માટે મહત્ત્વનું હોય. માર્કેંટમાં જેટલી પ્રોડક્ટ્સની બધી જ કેટેગરીઝમાં જે પ્રોડક્ટ્સ સફળ થાય છે, એ દરેકમાં કંઇક વિશિષ્ટ ફીચર, ગુણ કે લાભ હોય જ છે, કે જે કસ્ટમરના મનમાં એ પ્રોડક્ટને હરીફોથી અલગ સ્થાન અપાવી દે છે.
- પ્રોડક્ટ્સમાં આવા યૂનિક ફીચર્સનાં અમુક ઉદાહરણો આપણે જોઇએ:
- પીઝા ડિલિવરી સર્વિસમાં એક કંપની 20 મિનિટમાં પીઝા ડિલિવર કરવાની ખાતરી આપે છે. કસ્ટમરનું ધ્યાન તરત જ આ વસ્તુ તરફ ખેંચાય છે, કારણે કે અત્યાર સુધી બીજી કોઇ કંપનીએ આવી ખાતરી નહોતી આપી.
- કોઇ એક ટી.વી.ની કંપની બધા હરીફો કરતાં સૌથી વધારે વર્ષની વોરંટી ઓફર કરે છે, એનાથી કસ્ટમરને આ ભિન્નતા તરત યાદ રહી જાય છે.
- એક કારમાં સિક્યોરીટી-સેફ્ટીનાં બેનમૂન ફીચર્સ છે, જે બીજી કોઇ એ રેન્જની કારમાં નથી. આ ખાસિયત કસ્ટમરના મનમાં એ કારને અન્યોથી જૂદું પાડી દે છે, એક ખાસ સ્થાન આપી દે છે.ૉ
- ઘણી વાર, કંપની બીજી કોઇ સફળ કંપનીની પ્રોડક્ટની કોપી કરીને એના જેવી જ દેખાતી પ્રોડક્ટ માર્કેંટમાં લાવે છે. આ એક બહુ ખરાબ અભિગમ છે. આવું ન કરવું જોઇએ. કોઇકની કોપી તરીકે, કોઇ ખાસ ફરક કે વિશિષ્ટતા વગર આપણી પ્રોડક્ટને રજૂ કરવાથી આપણને ખૂબ જ નુકસાન થાય છે. કસ્ટમરના મનમાં એ સાફ સાફ સાબિત થઇ જાય છે, કે આપણી પ્રોડક્ટ કોઇ બીજી વધારે સારી પ્રોડક્ટની નકલ છે, એનાથી ઉતરતી કક્ષાની છે.
- આપણી પ્રોડક્ટની વિશેષતા આપણને હરીફો કરતાં એક કદમ આગળ રાખી શકે છે, કારણકે કસ્ટમરના મનમાં આપણી પ્રોડક્ટ હંમેશાં અન્યો કરતાં આગળ જ રહેશે. આને કારણે, પસંદગી કરતી વખતે કસ્ટમર હંમેશાં આપણી પ્રોડક્ટને જ પસંદ કરશે.
- જો આપણી પ્રોડક્ટની વિશેષતા કસ્ટમરને કંઇક મહત્ત્વનો ફાયદો કે સુવિધા કરી આપતી હોય, તો એના આધારે આપણે એ વિશિષ્ટતાને કારણે આપણી પ્રોડક્ટ માટે માર્કેંટમાંની બીજી પ્રોડક્ટ કરતાં વધારે કીમત પણ માગી અને મેળવી શકીએ છીએ. જો આપણી પ્રોડક્ટમાં દમ હશે, કસ્ટમરને એમાં અન્યો કરતાં કંઇક અસામાન્ય દેખાતું હશે, તો એ આ પ્રીમિયમ આપવાની આનાકાની બિલકુલ નહીં કરે.
- જે વિશેષતાને આધાર બનાવીને આપણે કસ્ટમરનું દિલ જીતવા માગતા હોઇએ, એ આપણા હરીફો દ્વારા કોપી થઇ શકે એવી ન હોવી જોઇએ. જો એની આસાનીથી નકલ થઇ શકે, તો આપણને એનો ફાયદો મળી શકશે નહીં. ધારો કે પહેલી કંપનીને જોઇને પીઝા ડિલિવરી કરતી દરેક કંપની જો 20 કે ઓછી મિનિટોમાં પીઝા ડિલિવરીની ખાતરી આપવા મંડે, તો પહેલી કંપનીને કંઇ ખાસ ફાયદો હવે મળી શકશે નહીં, કારણ કે હવે એમાં વિશિષ્ટતા જેવું કંઇ રહ્યું નહીં. એ જ રીતે એક કાર કંપનીએ રજૂ કરેલા સિક્યોરિટી ફીચર્સ બીજી કંપનીઓ પણ પોતાની કારમાં લાવી દે, તો એ વિશેષતા સામાન્ય થઇ ગઇ ગણાય અને એનાથી કંપનીને કોઇ ખાસ લાભ કે કસ્ટમરના મનમાં કોઇ ખાસ સ્થાન મળી શકે નહીં.
- માર્કેટિંગની સફ્ળતા માટે આપણી પ્રોડક્ટ કે સર્વિસમાં કંઇક ખાસ, કંઇક અનોખું હોવું ખૂબ જ જરૂરી છે.